Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

વિશ્વ બધિર દિવસે જનજાગૃતિ રેલી : પ્લે કાર્ડ, બેનરો સાથે મુક બધિરો વિશાળ સંખ્યામાં જોડાયા

રાજકોટ : બધિરો પ્રત્યે ધ્યાન દોરવા અને તેમનામાં રહેલી ગંભીર સમસ્યાઓથી લોકો વાકેફ બને તે મતલબની જાગૃતતા કેળવવા દર વર્ષે વિશ્વમાં ૨૬ સપ્ટેમ્બરે 'વર્લ્ડ ડેફ ડે' ની ઉજવણી કરવામાં આવે છે. બધિર મંડળ રાજકોટ દ્વારા આ દિવસે બધિર લોકોની વિશાળ રેલી યોજી જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ બધિર મંડળ રાજકોટ દ્વારા આયોજીત થયેલ બધિર રેલીમાં છ.શાળ વિરાણી બહેરા મુંગા શાળાના બધિરી વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં પ્લે કાર્ડ અને બેનરો સાથે જોડાયા હતા. ખાસ કરીને રેલ્વેમાં મુસાફરી કરતી વખતે પ્લેટફોર્મ પર ટ્રેઇન વિષે જે જાહેરાત કરવામાં આવે છે તે મુક બધિર લોકો સાંભળી શકતા નથી. આથી આવા લોકો માટે રેલ્વે સ્ટેશનો પર સ્ક્રીનની વ્યવસ્થા કરવા તેમજ સરકારી કચેરીઓમાં કોઇ કામ અર્થે જાય ત્યારે ફોન કરીને આવજો એવી વાત આવે ત્યારે બધિર લોકો મુંજવણમાં મુકાય જાય છે. માટે તેમને આવી સુચના લખીને આપવાની જોગવાઇ થવી જોઇએ. હોસ્પિટલમાં પણ તેમની તકલીફ કઇ રીતે વર્ણવી શકે તે માટે ઇન્ટરપ્રીન્ટ થઇ શકે તેવી સ્ક્રીનની વ્યવસ્થા થવી જોઇએ. દરેક મોટી ઓફીસોમાં ૧૦% સ્ટાફ મુક બધીર રાખવાની જોગવાઇ કરવામાં આવે તો બધિર લોકોને કામ મળી શકે. આ દરેક બાબતો પ્રત્યે ધ્યાન આપવાનો સંદેશો મુક બધિર રેલીમાં પ્રસરાવવામાં આવ્યો હતો.  બધિરોને ડ્રાઇવીંગ લાયસન્સ ઇશ્યુ થતા નથી. પરંતુ આર.ટી.ઓ. ઇન્ચાર્જ આસી. જે. વી. શાહે બધિરો માટે એ રાહતના સંકેત આપેલ કે નવા આવી રહેલ પરીપત્ર મુજબ જો સીવીલ સર્જનનો અભિપ્રાય લઇને હીયરીંગ એકમનો ઉપયોગ કરતા હોય તો લાઇસન્સ ઇશ્યુ થવાની આશા રાખી શકાય. ઉપરાંત ડીસેબીલીટીનું સર્ટીફીકેટ દર્શાવવાથી ટેકસમાં પણ રાહત મળી શકતી હોવાની જાણકારી અહીં મુક બધિરોને આપવામાં આવી હતી. રેલ્વેમાં વિકલાંગ અંધ-અપંગને ૭૫% કન્સેશન મળે છે. જેની સામે મુક બધિર વિકલાંગને સ્લીપર કોચમાં ફકત ૫૦% કન્સેશન મળે છે. આ વાતનો અસંતોષ પણ અહીં વિકલાંગો દ્વારા વ્યકત કરાયો હતો. તસ્વીરમાં બેનર અને પ્લે કાર્ડ સાથે રેલીમાં જોડાયેલ મુક બધિરો નજરે પડે છે. (૧૬.૧)

માંગણીઓ સુચનરૂપે પ્રદર્શીત

 રેલ્વે પ્લેટ ફોર્મ પર ટ્રેઇનની માહીતી સ્ક્રીન પર ડીસપ્લે કરો

 હોસ્પિટલમાં તેમજ સરકારી કચેરીઓમાં બધિરો માટે ઇન્ટરપ્રીટ સ્ક્રીન મુકો

 દરેક મોટી ઓફીસોમાં ૧૦% સ્ટાફ મુક બધિર માટે રાખો

 રેલ્વેમાં સ્લીપર કોચમાં અંધ અપંગની સરખામણીમાં મુક બધિરોને ઓછુ  કન્સેશન મળે છે તે વધારી આપો

(3:34 pm IST)