Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

પ્રથમ બે-ત્રણ નોરતામાં વરસાદ આવશેઃ અમુક વિસ્તારોમાં તો ૫ ઈંચથી વધુ ખાબકે

રવિ-સોમ સૌરાષ્ટ્રમાં અને તા.૧ સુધી ગુજરાતમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે : આવતા મંગળવારથી વરસાદી વિરામ જેવો માહોલ : અશોકભાઈ પટેલ

રાજકોટ, તા. ૨૮ : નવલા નોરતાનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે બે - ત્રણ નોરતામાં વરસાદની શકયતા છે. ત્યારબાદ વરસાદી વિરામ જેવો માહોલ સર્જાશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યુ છે કે મહારાષ્ટ્રવાળુ બહોળુ સરકયુલેશન સૌરાષ્ટ્ર - કચ્છને લાગુ અરબી સમુદ્રમાં છેલ્લા બે દિવસથી સક્રિય છે અને આ સિસ્ટમ્સ આજે લો પ્રેશરમાં પરિવર્તિત થઈ છે. આ સિસ્ટમ્સ હવે પૂર્ણ તરફ જશે. સૌરાષ્ટ્ર - કચ્છ ઉપરથી ગુજરાત તરફ બે દિવસમાં સરકી જશે. હવામાન ખાતામાં જણાવ્યા મુજબ આ સિસ્ટમ્સ હજુ વધુ મજબૂત બની શકે.

એક અપરએર સાયકલોનીક સરકયુલેશન દક્ષિણ યુ.પી. લાગુ નોર્થ એમ.પી. ઉપર છે. જે ૪.૫ કિ.મી.ના લેવલે છે. આ અપરએર સાયકલોનીક સરકયુલેશનનો ટ્રફ નોર્થ ઈસ્ટ બંગાળની ખાડી બાજુ લંબાય છે. (વાયા ઝારખંડ અને પશ્ચિમ બંગાળ ૩.૧ કિ.મી.ના લેવલે)

અશોકભાઈએ વધુમાં જણાવેલ કે ૨૫ થી ૧૦૦ મી.મી.ની આગાહી આપેલી જે યથાવત છે. જેમાં સૌરાષ્ટ્ર - કચ્છ ગુજરાતના અમુક વિસ્તારોમાં ૧૫૦ મી.મી.ને વટાવી જાય.

આગોતરૂ એંધાણ

આ વરસાદનો રાઉન્ડ પૂર્ણ થયે (તા.૧ ઓકટોબર સુધી) વરસાદની માત્રા અને વિસ્તાર બંને નોંધપાત્ર રીતે ઘટી જશે. વિરામ જેવો માહોલ થઈ જશે. સામાન્ય રીતે સૌપ્રથમ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે પણ ત્યાં હજુ વિદાયના પડઘમ નથી. ત્યારબાદ કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને બાકીના સૌરાષ્ટ્રમાંથી ચોમાસુ વિદાય લેતુ હોય છે.

(3:16 pm IST)