Gujarati News

Gujarati News

News of Saturday, 28th September 2019

દૂધ સાગર રોડ પર સિંગલીયા કવાર્ટરમાં બંગડીના ધંધાર્થીના ૩ાા કલાક રેઢા પડેલા મકાનમાં ૩ લાખની રોકડની ચોરી

બ્રહ્મક્ષત્રીય ખુશાલ સેતા મોરબી રોડના મકાને જમવા ગયો ત્યાં પાછળથી તાળા તોડી બે રૂમના કબાટમાંથી તસ્કરો રોકડ ચોરી ગયા

તસ્કરોએ કબાટો તોડી બધુ વેરવિખેર કરી નાંખ્યું હતું તે તસ્વીરોમાં જોઇ શકાય છે. પોલીસે આસપાસમાં કયાંય સીસીટીવી કેમેરા હોય તો તે ચેક કરવા તજવીજ હાથ ધરી છે

રાજકોટ તા. ૨૮: દૂધ સાગર રોડ પર ગુ.હા.બોર્ડ સિંગલીયા કવાર્ટરમાં રહેતાં બંગડીના ધંધાર્થી બ્રહ્મક્ષત્રીય યુવાનના સાંજે આઠથી રાત્રીના પોણા અગિયાર સુધી રેઢા રહેલા મકાનના તાળા તોડી તસ્કરો રૂ. ૩ લાખની રોકડ ચોરી જતાં ચકચાર જાગી છે. જ્યાં ચોરી થઇ ત્યાં આ યુવાન રહે છે અને બીજા ભાઇઓ તથા માતા-પિતા મોરબી રોડ પર રહે છે. તેથી તે જમવા માટે દરરોજ ત્યાં જાય છે. ગત સાંજે જમવા ગયો ત્યાં સુધીમાં સાડા ત્રણ કલાકમાં ચોરી થઇ ગઇ હતી. 

બનાવ અંગે થોરાળા પોલીસે દૂધ સાગર રોડ ગુ.હા. બોર્ડ સિંગલીયા કવાર્ટર બ્લોક નં. ૪૬/૮૭૪ સદ્દભાવના શેરીમાં રહેતાં અને બંગડી બનાવવાનો તેમજ બંગડીનો છોલ વેંચવાનો ધંધો કરતાં બ્રહ્મક્ષત્રીય યુવાન ખુશાલ પ્રફુલભાઇ સેતા (ઉ.૨૩)ની ફરિયાદ પરથી ચોરીનો ગુનો નોંધ્યો છે.

ખુશાલે વિગતો આપતાં જણાવ્યું હતું કે હું મારા પરિવાર સાથે રહુ છું. મારા બીજા ભાઇઓ મોરબી રોડ પર રહે છે. ગઇકાલે શુક્રવારે સાંજે સાડા સાતથી આઠ વાગ્યાના અરસામાં હું મારા ઘરને તાળુ મારી મોરબી રોડ પર રહેતાં મારા માતા-પિતાના ઘરે જમવા ગયો હતો. જમીને ત્યાં રોકાયો હતો ત્યારે રાતે પોણા બારેક વાગ્યે મોટા ભાઇ નિખીલભાઇએ મને ફોન કરીને કહ્યું હતું કે-હું તારા ઘરે બંગડીનો છોલ ભરવા આવ્યો છું અને અહિ તાળુ તુટેલુ દેખાય છે. અંદરના બંને રૂમના અને ટેબલના તળાા પણ તૂટેલા છે અને સામાન વેરવિખેર દેખાય છે. આ વાત સાંભળી હું ઘરે પહોંચ્યો હતો.

તપાસ કરતાં મકાનના બીજા દરવાજાનો નકુચો વળી ગયેલો અને તાળુ તુટેલુ જોવા મળ્યું હતું. મેં હોલમાં જઇને જોતાં ટેબલમાં રાખેલી રૂ. ૧ લાખ ૪૦ હજારની જુદા-જુદા દરની ચલણી નોટો તથા દસ હજારના સિક્કા જોવા મળ્યા નહોતાં. બીજા રૂમમાં જોતાં ત્યાં પણ સામાન વેરવિખેર હતો. ત્યાંના ટેબલના ખાનામાં રાખેલા રૂ. ૫૦ હજાર જોવા મળ્યા નહોતાં. તેમજ દિવાલ કબાટમાંથી રોકડા એક લાખ ગાયબ હતાં. બંને રૂમમાંથી કુલ રૂ. ૩ લાખ કોઇ ચોરી ગયાની ખબર પડી હતી.

થોરાળા પી.આઇ. બી.ટી. વાઢીયાની રાહબરીમાં એએસઆઇ જી.એલ. વિસાણીએ ગુનો નોંધ્યો હતો. ડોગ સ્કવોડ અને ફિંગર પ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી પોલીસે તપાસ કરી હતી. પીએસઆઇ પી.ડી. જાદવ અને ડી. સ્ટાફની ટીમે આગળ તપાસ હાથ ધરી છે.

(1:34 pm IST)