Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

વિદેશી દારૂના કેસમાં ધરપકડ વગર આરોપીએ રેગ્‍યુલર જામીન અરજી કરી !

અદાલતે પ્રિમેચ્‍યોર અરજી ગણીને ફગાવી દીધી

રાજકોટ તા. ૨૮ : અત્રે આજી ડેમ પોલીસ સ્‍ટેશનમાં નોંધાયેલ વિદેશી દારૂના કેસમાં અહીંના લોહાનગર મફતીયાપરામાં રહેતા પ્રકાશ જયસુખ દુધરેજીયાએ ધરપકડ થયેલ ન હોવા છતાં રેગ્‍યુલર જામીન અરજી કરતા સરકારી વકીલની રજૂઆત બાદ સેસન્‍સ કોર્ટે આરોપીની જામીન અરજી રદ્દ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે, આજીડેમ પોલીસમાં વિદેશી દારૂ અંગેની ફરીયાદ થયેલ હતી. જેમાં પોલીસે રૂા. ૧૨૪૮૦ની કિંમતની ૨૪ ઇંગ્‍લીશ દારૂની બોટલો કબ્‍જે કરી હતી.

આ ગુનામાં ઉપરોક્‍ત આરોપીએ પોતાની ધરપકડ થયેલ ન હોવા છતાં રેગ્‍યુલર જામીન પર છૂટવા અરજી કરી હતી.

અદાલતે આરોપીની અરજી રદ્દ કરતા ઠરાવેલ કે, આ કામના અરજદારને પોલીસના સોગંદનામાના આધારે અટક કરવામાં આવેલ નથી. કે જયુડીશ્‍યલ કસ્‍ટડીમાં લેવામાં આવેલ નથી. જ્‍યાં સુધી પોલીસની કસ્‍ટડી સાબીન ન થાય ત્‍યાં સુધી સીઆરપીસી કલમ ૪૩૯ અન્‍વયે રેગ્‍યુલર જામીન અરજી મંજુર કરી શકાય નહિ. જેથી હાલની અરજી પ્રિમેચ્‍યોર હોય જે હકીકત અરજદારના વકીલે પણ માન્‍ય રાખેલ હોય અરજી નામંજૂર કરવામાં આવેલ છે.

આ કામમાં સરકારપક્ષે એ.પી.પી. સમીર એમ. ખીરા રોકાયા હતા.

(4:36 pm IST)