Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

કારોબારીમાં કકળાટ : 'વહીવટ' અંગે ચંદુભાઇના ગંભીર આક્ષેપો

'હેતુ ફેર' અને બિનખેતીની મંજુરી બાબતે આકરા સવાલો

રાજકોટ તા. ર૮ : જિલ્લા પંચાયતની કારોબારી બેઠક આજે અધ્યક્ષ રેખાબેન પટોળીયાની અધ્યક્ષતામાંં મળેલ જેમાં બાગી જુથથી છુટા પડેલા સભ્ય ચંદુભાઇ શીંગાળએ કારોબારીની કાર્યપધ્ધતિનો વિરોધ કરી બે બિનખેતી પ્રકરણ અંગે ધારદાર સવાલો ઉઠાવેલ અધ્યક્ષે કારોબારી સમિતિની બેઠક ઝડપથી પૂરી કરી જવાબ દેવાનું ટાળેલ આજની બેઠકમાં બિનખેતીના ૪૮ પ્રકરણોને મંજુરી આપવામાં આવી હતી. ચાલુ કારોબારીમાં ચંદુભાઇ અને ચતુરભાઇ રાજપરા વચ્ચે ચકમક ઝરી હતી.

ચંદુભાઇએ જણાવેલ કે રાજકોટ તાલુકાના નવાગામ રાણપુરમાં ર૪ હજાર મીટર જેટલી જગ્યા અગાઉ રહેણાંકના હેતુથી બિનખેતી થઇ ગયેલ તેને ઉદ્યોગો માટે હેતુફેર કરવાની કારોબારીને સતા ન હોવા છતા ઠરાવ કર્યો છે બીજો એક કેસ એવો છેકે કાથરોટાની ૭૦ એકરથી વધુ જમીન બિનખેતી કરવા માટે તમામ એન.ઓ.સી.પૂરા થઇ ગયા હોવા છતા ગઇ કારોબારીમાં સ્થળ તપાસ જરૂરી હોવાનું કારણ દર્શાવી પડતર રાખેલ ત્યાર પછી કોઇ કાર્યવાહી કર્યા વગર આજની કારોબારી મંજુરી આપી દેવામાં આવી છે જો અધિકારીઓ અને પદાધિકારીઓઅ સ્થળ તપાસ કરી હોય તો તેનું રોજકામ રજુ કરવુ જોઇએ.

ચંદુભાઇએ કારોબારીમાં બિનખેતીનો ભ્રષ્ટાચાર થયાનો ખૂલ્લો આક્ષેપ પત્રકારો સાથેની વાતચીતમાં કર્યો હતો તેમણે ડી.ડી.ઓ સરકારના ઇશારે વર્તતા હોવાના મતલબનો આક્ષેપ કઠોર શબ્દોમાં કર્યા હતો.

કારોબારી પૂર્વે તેમણે ડી.ડી.ઓ.ને પત્ર પાઠવી અગાઉની કારોબારી બેઠકની કાર્યવાહીને બહાલી ન આપવા કાયદાકીય સ્થિતિનો આધાર ટાંકી માંગણી કરી હતી.

(4:34 pm IST)