Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દાદાના નિધનથી વિચારક તત્વચિંતક ગુમાવ્યાઃ ભંડેરી-ભારદ્વાજ-મીરાણી

દાદાનું જાહેર જીવન પ્રેરણારૂપઃ ડો. જૈમનભાઈ ઉપાધ્યાય

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટના રાજવી અને પૂર્વ આરોગ્ય મંત્રી મનોહરસિંહજી જાડેજાના નિધન બદલ ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજ તથા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ શ્રધ્ધાંજલી અર્પણ કરતા જણાવેલ કે દાદાની વિદાયથી આપણે એક વિચારક તત્વચિંતક ગુમાવ્યા છે.

મનોહરસિંહજી જાડેજા એ 'રવિ પીયુ'ના ઉપનામથી ત્રણ કાવ્ય સંગ્રહ અને આત્મકથા પણ લખી છે. અચ્છા સ્પોર્ટસમેન પણ રહ્યા હતા. સૌરાષ્ટ્ર વતી રણજી ટ્રોફી પણ રમ્યા હતા. વિરોધી રાજકીય વિચારસરણી વચ્ચે પણ જાહેર જીવનમાં વિપક્ષી નેતાઓ સાથે સૌહાર્દપૂર્ણ સબંધો જાળવવા એ 'દાદા'ની ખાસિયત હતી. 'દાદા' રાજકોટના ઈતિહાસમાં અને લોકોના હૃદયમાં કાયમી છવાયેલા રહેશે તેમ અંતમાં શ્રી ભંડેરી, શ્રી ભારદ્વાજ અને શ્રી મીરાણીએ જણાવ્યુ છે.

ડો. જૈમનભાઈ ઉપાધ્યાય

શહેરના પૂર્વ મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યુ હતુ કે, મનોહરસિંહજી જાડેજાએ પોતાના જીવનના છ દાયકા જાહેર જીવનમાં વિતાવ્યા છે ત્યારે મે મારા રાજકીય જીવનના શરૂઆતના વર્ષોમાં સતત તેમનુ માર્ગદર્શન મેળવ્યુ છે. 'દાદા' હંમેશા છેવાડાના માનવી સાથે તેમની સમસ્યાનો ઉકેલ લાવવા સતત ઉભા રહેતા. વિશિષ્ઠ વ્યકિતએ વિદાય લીધી હોય હવે તેની યાદોની વણઝાર લોકમાનસમાં હંમેશા રહેશે એમ અંતમાં ડો. જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યુ છે.

(4:33 pm IST)