Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રૈયા રોડ પર 'વ્રજધામ': શ્રીનાથજી હવેલીનું થઇ રહેલ નિર્માણઃ વધાઇ અર્થે રવિવારે 'ભજન સંધ્યા'

રાજકોટ તા.૨૮: શ્રી વલ્લભાચાર્ય મહાપ્રભુજીના ૧૭માં વંશજ વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી (કડી, અમદાવાદ)ની અધ્યક્ષતામાં રાજકોટમાં રૈયા રોડ ખાતે શ્રીનાથજીની હવેલી ''વ્રજધામ''નું નિર્માણ કરવામાં આવશે. લગભગ ૩૦૦૦ વાર જેટલી વિશાળ જગ્યામાં રાજકોટની વૈષ્ણવ સંપ્રદાયની આ સોૈથી વિશાળ હવેલી બનશે. આ આધ્યાત્મિક સંકુલમાં બાલપાઠશાળા, યુવા કેન્દ્ર, પુસ્તકાલય, કીર્તન પ્રશિક્ષણ કેન્દ્ર, સેવા સહાયતા કેન્દ્ર, વગેરે અનેકવિધ પ્રવૃતિઓ ચલાવવામાં આવશે.

આ વ્રજધામ હવેલીના પ્રણેતા વૈષ્ણવ સમાજના યુવા પ્રેરણામૂર્તિ આચાર્યશ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી શ્રી મહાપ્રભુજીના ૧૭માં વંશજ છે, સંસ્કૃત વિષયમાં માસ્ટર્સ સુધીનો અભ્યાસ કર્યા બાદ શ્રીમદ્દ ગીતા, શ્રીમદ્દ ભાગવત, ઉપનિષદ તથા જયોતિષ શાસ્ત્રોનો ઊંડો અભ્યાસ કર્યો છે. ''આંતરરાષ્ટ્રીય વૈષ્ણવ સંઘ'' ની સ્થાપના કરી છે. સમગ્ર આફ્રિકાખંડની સોૈ પ્રથમ હવેલી ''શ્રી વલ્લભધામ''(નૈરોબી) ની સ્થાપના તેમજ યુ.કે.ની સર્વ પ્રથમ હવેલી ''વ્રજધામ'' તેમજ ઓસ્ટ્રેલીયાની સર્વ પ્રથમ હવેલી ''નાથદ્વારા''ની સ્થાપના તેમના દ્વારા કરવામાં આવી છે.

આ ''વ્રજધામ'' હવેલીના નિર્માણની સમગ્ર વૈષ્ણવી સૃષ્ટિને વધાઇ આપવા તા.૩૦ના રવિવારે રાત્રે ૮ થી ૧૧:૩૦ વાગ્યા સુધી શીતલ પાર્ક, બી.આર.ટી.એસ. બસ સ્ટોપ, પાસે, રામાપીરની ચોકડીથી આગળ, પારીજાત પાર્ટી પ્લોટની બાજુમાં, ૧૫૦ ફુટ રીંગ રોડ, રાજકોટ ખાતે ભજન સંધ્યા (શ્રીનાથજીની ઝાંખી) રાખેલ છે. શ્રી દિપકભાઇ જોશી વૃંદ દ્વારા એવં ''વૈષ્ણવજન તો તેને રે કહીએ'' એ વિષય પર શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રીના વચનામૃતનો ભવ્ય કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો છે.

વિશેષમાં ''વ્રજધામ'' હવેલીની નિકટ વૈષ્ણવો કાયમ માટે નિવાસ કરી શકે તે માટે ''વ્રજધામ'' એપાર્ટમેન્ટનું નિર્માણ કરવામાં આવનાર છે. વધુ માહિતી માટે સૂર્યકાંતભાઇ વડગામા મો. ૯૪૨૬૮ ૧૯૮૩૪ અને અરવિંદભાઇ ગજ્જર મો. ૯૪૨૭૨ ૦૭૧૨૧નો સંપર્ક કરવા ગુણવંતરાયની યાદીમાં જણાવાયું છે.

 

(4:07 pm IST)