Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

શિવાનંદ હોસ્પિટલ તથા દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બહેરાશ નિવારણ માટે વિનામૂલ્યે કેમ્પનું આયોજન

તા. ૭/૧૦ ને રવિવારે સ્ક્રિનીંગ કેમ્પ : રોટરી કલબ રાજકોટ મિડટાઉનના સહયોગથી હિયરીંગ એઇડ મશીન વિનામૂલ્યે અપાશે

રાજકોટ, તા. ર૮ : શ્રી સૌરાષ્ટ્ર મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ-રાજકોટ સંચાલીત શિવાનંદ હોસ્પિટલ તથા દેવદવા ચેરીટેબલ ટ્રસ્ટ-લંડનના સંયુકત ઉપક્રમે આગામી તા. ૧૦-૧૦-૧૮ના રોજ બહેરાશ નિવારણ માટેના ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં લંડનના ૮ નિષ્ણાત તબીબો દર્દીને તપાસી જરૂરીયાતવાળા દર્દીને દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ-લંડનના સહયોગથી વિનામૂલ્યે હિયરીંગ એઇડ મશીન અર્પણ કરવામાં આવશે. એમ ટ્રસ્ટના ચેરમેન અને જાણીતા ન્યુરોસર્જન ડો. રાજેન્દ્ર ત્રિવેદી અને પ્રોજેકટ ચેરમેન જાણીતા યુરોલોજીસ્ટ ડો. સુશીલ કારીઆનું એક સંયુકત યાદીમાં જણાવાયું છે. મુખ્ય કેમ્પ પહેલા દર્દીઓના સ્ક્રિનીંગ માટે આગામી તા. ૭/૧૦ ને રવિવારે વિનામૂલ્યે નિદાન કેમ્પ રાખવામાં આવ્યો છે.

દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ-લંડનના ડો. રમણીકભાઇ મહેતાના જણાવ્યા અનુસાર રાજકોટની જાણીતી શિવાનંદ જનરલ મલ્ટીસ્પેશ્યાલીટી હોસ્પિટલ ખાતે આગામી તા. ૧૦-૧૦-૧૮ ને બુધવારે દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટ-લંડન અને રોટરી કલબ રાજકોટ મિડટાઉનના સહયોગથી વિનામૂલ્યે બહેરાશ નિવારણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ડી.એમ. યુનિ. લંડનના ૮ નિષ્ણાત તબીબો ખાસ સેવા આપવા રાજકોટ પધારશે અને જરૂરીયાતવાળા ૪૦ જેટલા દર્દીને ઉચ્ચ કવોલીટીના સાંભળવાના મશીન વિનામૂલ્યે આપવામાં આવશે.

ડો. રાજેન્દ્ર ત્રિવેદી તથા ડો. સુશીલ કારીઆના જણાવ્યા અનુસાર મુખ્ય કેમ્પ પહેલા આગામી તા. ૭-૧૦ ને રવિવારે દર્દીઓ માટે સ્ક્રિનીંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ખેરા બોર્ડીંગ, ભીલવાસ પાસે, જનસત પ્રેસ ચોક, રાજકોટ ખાતે તા.૩૦મીએ સવારના ૮થી ૧૦ આ સ્ક્રિનીંગ કેમ્પ યોજાશે. જેમાં ઇ.એન.ટી. સર્જન ડો. જતીન મોદી, ડો. નિરવ મોદી તથા ડો. ઉમંગ શુકલ દર્દીઓને વિનામૂલ્યે તપાસી મુખ્ય કેમ્પ માટેના દર્દીઓની પસંદગી કરશે. મુખ્ય કેમ્પમાં લીમીટેડ સંખ્યામાં દર્દી પસંદ કરવાના છે અને આ સ્ક્રિનીંગમાં આવેલા દર્દીમાંથી જ પસંદગી કરવામાં આવશે. દર્દી પોતાની સારવારને લગતા તમામ પેપર તથા રીપોટ સાથે તા. ૩૦ ને રવિવારે સવારે ૮ વાગ્યે કેમ્પમાં સ્થળ ખેરા બોડીંગ ખાતે અચૂક સંપર્ક કર.

ઉપરોકત બન્ને કેમ્પના આયોજન માટે ટ્રસ્ટના પ્રમુખ ડો. રાજેન્દ્ર ત્રિવેદી, પ્રોજેકટના અધ્યક્ષ ડો. સુશિલ કારીઆ, ડો. સુખવાલ, ડો. ભૌમિક ભાયાણી, ભરતભાઇ ગંગદેવ, પ્રતાપરાય ભટ્ટ, દેવદયા ચેરીટેબલ ટ્રસ્ટના ડો. રમણીકભાઇ મહેતા, રોટરી કલબ રાજકોટ મિડટાઉનના પ્રમુખ અશોકભાઇ ભટ્ટ, કરણભાઇ શાહ સહિતની ટીમ કાર્યરત છે. મીડિયા કો-ઓર્ડીનેટર તરીકે વૈભવ વિજ્ઞાપનના વિજય મહેતા સેવા આપે છે.

 

(4:06 pm IST)