Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રવિવારે ઉવસગ્ગહરં સ્તોત્રનાં વિશિષ્ટ જાપઃ સૌરાષ્ટ્રની જૈનશાળાઓનાં જ્ઞાન દાતાઓનું બહુમાન

ડુંગર દરબારમાં પૂ. નમ્રમુનિ મ.સા.નાં ૪૮માં જન્મોત્સવ માનવતા મહોત્સવ અવસરે : ૪૮ સંસ્થાઓને ૪૮,૦૦૦નું અનુદાનઃ માનવતાનાં કાર્યોમાં અગ્રેસર પ્રતિભાઓને પરમ એવોર્ડઝ દ્વારા સન્માનઃ આગમ ગ્રંથનું વિમોચન : સુરતના દાનવીર સવજીભાઈ ધોળકીયા, રિલાયન્સ ગ્રુપના પરિમલભાઈ નથવાણીને પરમ એવોર્ડ અપાશે

  રાજકોટઃ  તા.૨૮,દેહનાં જન્મોત્સવને ગૌણ કરીને અનેકોઅનેકનાં હૃદયમાં સંયમનાં, વૈરાગ્યનાં, ગુણોના, માનવતા અને જીવદયાનો જન્મ કરનારા રાષ્ટ્રસંત પૂજય ગુરૂદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબનાં ૪૮માં જન્મોત્સવ નિમિતે માનવતા મહોત્સવનું આયોજન  તા.૩૦ને રવિવારે સવારે ૮.૩૦ કલાકે ડુંગર દરબારમાં કરવામાં આવ્યું છે.

માનવતા મહોત્સવના અવસરે પ્રભુ મહાવીરની વાણી રૂપ આગમ ગ્રંથોનું પુનઃપ્રકાશન પૂર્ણ થતાં આગમ ગ્રંથોનું વિમોચન તથા આગમના શબ્દોનો ગૂઢાર્થ, રહસ્યાર્થને આવરિત કરતાં જૈન વિશ્વકોશનું વિમોચન કરીને,  પઠમં નાયે તઓ દયા એટલે કે જ્ઞાન અને જ્ઞાન પછી દયા, માનવતા, કરુણાના પાઠ શીખવાડનાર પરમ ઉપકારી પરમાત્માની ઉપકાર વંદના સાથે કાર્યક્રમનો મંગલ પ્રારંભ થશે.

માનવતા મહોત્સવના આ અવસરે હર વર્ષની જેમ આ વર્ષે પણ એમાંથી શૂન્યમાંથી શ્રેષ્ઠતાનું સર્જન કરનાર, ભૌતિક જગતમાં ટોપ પર પહોંચ્યા પછી પણ બોટમ લેવલનાં માણસોને આગળ લાવનાર તેમજ સમાજમાં પોતાની પ્રતિભાથી ઝળહળીને સેવા અને માનવતાના કાર્યોમાં પોતાનું અનન્ય યોગદાન આપનાર મહાનુભાવોને 'પરમ એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવશે. અત્યાર સુધી વેદાંત ગ્રુપના તરૂણભાઈ જૈન, વિશ્વ હિન્દુ પરિષદના   રમેશભાઈ મોદી, ઈસ્કોન ગ્રુપના   પ્રવિણભાઈ કોટક, ડિરેકટર   વિપુલભાઈ શાહ,  દિલીપભાઈ દેસાઈ અને રિલાયન્શ ગ્રુપના હરીશભાઈ શાહ આદિ અનેક ખ્યાતનામ પ્રતિભાઓ પરમ એવોર્ડથી સન્માનિત થયાં છે, તે પરમ એવોર્ડ દ્વારા આ વર્ષે લીલાવતી હોસ્પિટલના  રેખાબેન શેઠ, શેઠ બિલ્ડર્સના  મુકેશભાઈ શેઠ, શેલ બી હોસ્પિટલના વિશ્વપ્રસિદ્ઘ ઓર્થોપેડીક   વિક્રમભાઈ શાહ, ટ્રાન્સ મિડિયાના   જસ્મીનભાઈ શાહ, ચેન્નઈના  હિતેનભાઈ કામદાર, સુરતના અગ્રણી દાનવીર   સવજીભાઈ ધોળકિયા, રીલાયન્સ ગ્રુપના   પરિમલભાઈ નથવાણીને સન્માનિત કરવામાં આવશે.

રાષ્ટ્રસંત પૂજયશ્રીની પ્રેરણાથી આ દિવસે ઉપાશ્રયમાં ચાલી રહેલી પારંપરિક જૈન શાળાઓના માધ્યમથી નાના બાળકોમાં સંસ્કારોનું સિંચન કરનાર સૌરાષ્ટ્રની જૈન શાળાઓના જ્ઞાનદાતા બહેનોને ભવ્ય પુરસ્કાર આપી પ્રેરણા આપવામાં આવશે. વિશેષમાં, સમાજ સેવા કરનાર ૪૮ સંસ્થાઓને ૪૮૦૦૦નું અનુદાન આપવામાં આવશે. અને દેશભરનાં વિવિધ ક્ષેત્રોમાં વિચરણ કરનાર સંત-સતીજીઓનાં આગામી ચાતુર્માસની જાહેરાત કરવામાં આવશે. તેમજ, સિવિલ હોસ્પિટલ તથા લાઈફ સંસ્થા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

ડુંગર દરબારમાં રવિવારે સવારે  ૮.૩૦ કલાકે પ્રારંભ થનારા માનવતા મહોત્સવમાં હર વર્ષે રાષ્ટ્રસંત પૂજયશ્રીના બ્રહ્મનાદે કરાવવામાં આવતા ઉવસગગહરં સ્તોત્રની  વિશિષ્ટ પ્રકારની જપ સાધના અને યંત્ર પૂજનનો લાભ લેવા માટે દેશવિદેશના હજારો ભાવિકો રાહ જોઈ રહ્યા છે, તે દિવ્ય જપસાધનામાં જોડાવા ઇચ્છુક ભાવિકોએ બ્લેક વસ્ત્રો, લેધરની વસ્તુઓ ન લાવવા માટે વિનંતી છે તથા બને ત્યાં સુધી ચપ્પલ નો ત્યાગ કરવો.

વિશેષમાં, રોયલપાર્કના આંગણે એકસાથે ૭૫ સંત-સતીજીઓનું સમૂહ ચાતુર્માસ,'રાજકોટના જૈન સમાજના ઇતિહાસમાં પ્રથમ વખત એવું અદ્વિતીય ઐતિહાસિક'૧૨૫૦૦ શ્રાવક ભાઈઓ બહેનોના સમૂહ સંવત્સરી પ્રતિક્રમણ પછી માનવતા મહોત્સવના અપૂર્વ અવસરે  તા.૩૦ને રવિવારના ઐકયતાની  અવિરતપણે હારમાળા સર્જવા  સમસ્ત રાજકોટના સ્થાનકવાસી જૈન સંઘોનું  સામુહિક સ્વામી વાત્સલ્ય સંઘ જમણ  રેસકોર્સ ગ્રાઉન્ડમાં યોજવામાં આવ્યું છે જેમાં ૧૧ થી ૧૨ અને ૧૨ થી ૧ એમ બે સમયગાળામાં સાધર્મિક  ભોજનનો લાભ લેશે.    આટલી વિશાળ સંખ્યામાં ભાવિકોની વ્યવસ્થાના ભાગ રૂપે માનવતા મહોત્સવ, ડુંગર દરબારમાં પધારેલ ભાવિકો માટે સામૂહિક સંઘ જમણના ભોજનની વ્યવસ્થા ડુંગર દરબારની નજીકના ઓઝોન મોલમાં બપોરે ૨ કલાક પછી રાખવામાં આવી  છે.  ભોજનનો લાભ  (કમલેશભાઈ ઠોસાણી) કમલેશ કેટરર્સ તરફથી લેવામાં આવ્યો છે. સર્વ કાર્યક્રમોમાં પધારવા માટે સર્વ માનવતા પ્રેમી ભાવિકોને શ્રી સંઘે અંતરના ભાવોંથી આમંત્રણ પાઠવ્યું છે.

(4:02 pm IST)