Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રૂખડીયાપરામાંથી બે શખ્સ છકડો ચોરીને ભાગ્યાઃ માલિકે પીછો કરતાં ચાલુ રિક્ષાએ ઠેંકડો માર્યો

એક ભાગી ગયો, બીજો ઘંટેશ્વરનો સંજય સોલંકી નામનો શખ્સ ઘવાયો

રાજકોટ તા. ૨૮: રૂખડીયાપરા ફાટક પાસે રહેતાં મરાઠી યુવાનની છકડો રિક્ષા રાત્રીના સાડા નવેક વાગ્યે બે શખ્સ ચાલુ કરી ઉઠાંતરી કરીને ભાગ્યા હતાં. માલિકને ખબર પડી જતાં પીછો શરૂ કરતાં બંને ઉઠાવગીરે પોપટપરા જેલ નજીક ચાલુ રિક્ષાએ છલાંગ મારી દીધી હતી. એક શખ્સ ઉભો થઇ ભાગી ગયો હતો અને બીજો ઘાયલ થતાં તેને હોસ્પિટલે પહોંચાડાયો હતો.

રિક્ષા માલિક ધર્મેશભાઇ કિશનભાઇ કવરાડી (મરાઠી)ના કહેવા મુજબ તેણે ઘર પાસે પાર્ક કરેલી રિક્ષા રાત્રે સાડા નવેક વાગ્યે ચાલુ થવાનો અવાજ આવતાં પોતે દોટ મુકીને બહાર આવતાં બે શખ્સ રિક્ષા લઇ ભાગતાં જોવા મળતાં તેણે તથા બીજા લોકોએ મળી પીછો કર્યો હતો. દરમિયાન પોપટપરા જેલ નજીક પોતે છકડાની લગોલગ પહોંચી જતાં ચાલક અને સાથેના શખ્સે ચાલુ રિક્ષામાંથી જ છલાંગ મારી દીધી હતી. રિક્ષા આગળ જઇ ભટકાઇને ઉભી રહી ગઇ હતી.

ઠેંકડો મારનારા શખ્સને ઇજા થતાં ધર્મેશ મરાઠીએ જ તેને સિવિલ હોસ્પિટલમાં ખસેડી પોલીસને જાણ કરી હતી. આ શખ્સ પોતાનું નામ ફર્યુ-ફર્યુ બોલતો હતો. પોતે ઘંટેશ્વર પાસે રહેતો સંજય સોલંકી હોવાનું રટણ કર્યુ હતું. પોલીસ આ શખ્સ પુરેપુરો ભાનમાં આવે તેની રાહ જોઇ રહી છે.

(3:28 pm IST)