Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

અંબાજી કડવા પ્લોટમાં ઘર પાસે ગાોળો બોલવાની ના પાડતા ધવલ પરમારને ત્રણ શખ્સોએ છરી ઝીંકી

કેવીન ભીમાણીને પણ ધવલ તેની માતા સહિત ત્રણ શખ્સોએ મારમાર્યોઃ સામસામી ફરિયાદ

રાજકોટ તા. ર૮: અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર શ્રધ્ધા ગાર્ડન પાસે બેઠેલા શખ્સોને ઘર પાસે ગાળો બોલવાની ના પાડતા દરજી યુવાનને ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યો હતો. તેના પિતા વચ્ચે પડતા તેને પણ મારમાર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર શ્રધ્ધા ગાર્ડન પાસે રહેતો અને સ્વામીનારાયણ ચોકમાં રેડીમેઇડ કપડાની દુકાન ધરાવતો ધવલ અશોકભાઇ પરમાર (ઉ.વ. રપ) રાત્રે પોતાના ઘરે હતો. ત્યારે મોડી રાત્રે ઘર સામે ગાર્ડન પાસે એક જી.જે.૩જેજી ૧૯૮ નંબરના મોટર સાયકલ ઉપર કેવીન નામનો શખ્સ જોરજોરથી ગાળો બોલતો હોઇ તેથી કેવીન પરમારે તેને ગાળો બોલવાની ના પાડી ત્યાંથી જતા રહેવાનું કહેતા કેવીને તેના બે મિત્રોને બોલાવી ધવલ પરામર સાથે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારી જમણા પગે ગોઠણ ઉપરના ભાગે છરીના બે ઘા ઝીંકી દીધા હતા. દેકારો બોલતા પુત્રને બચાવવા માટે પિતા અશોકભાઇ પણ વચ્ચે પડતા તેને પણ મારમાર્યો હતો. બાદ ધવલ અને પિતા અશોકભાઇને દોશી હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ અંગે ધવલ પરમારે માલવીયાનગર પોલીસ મથકમાં કેવીન તથા બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. જયારે સામાપક્ષે ગોંડલ રોડ ડી-માર્ટની બાજુમાં રાધે એપાર્ટમેન્ટ છઠ્ઠો માળ ફલેટ નં. ૬૦૧ માં રહેતો કેવીન સંજયભાઇ ભીમાણી (ઉ.વ.૧૮) રાત્રે અંબાજી કડવા પ્લોટ મેઇન રોડ પર આવેલા શ્રધ્ધા ગાર્ડન પાસે પોતાના જીજે.૩જેજી-૧૯૮ નંબરના બાઇક પર બેઠો હતો. ત્યારે ધવલે તેની પાસે આવી ગાળો આપતા તેણે ગાળો આપવાની ના પાડતા ધવલ તથા એક અજાણ્યો શખ્સ અને તેની માતાએ લાકડી વડે મારમાર્યાની ફરિયાદ નોંધાવતા પીએસઆઇ જે.એ. ખાચર અને રાઇટર રવીરાજસિંહે તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)