Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ગાંધીગ્રામમાં વૃધ્ધ દિલીપસિંહ સોલંકી પર પડોશીઓનો તલવારથી હુમલો

પડોશી સંજય ખવાસ સંજય કુંભાર સાથે ઝઘડો કરતો હોઇ દિલીપસિંહ વચ્ચે પડતાં ડખ્ખોઃ સામા પક્ષે મંજુબેન સોલંકીને ઇજા

રાજકોટ તા. ૨૮: ગાંધીગ્રામ શેરી નં. ૬-બીમાં બાપા સિતારામની મઢુલી પાસે રહેતાં દિલીપસિંહ ભૂપતસિંહ સોલંકી (ઉ.૬૦) નામના રજપૂત વૃધ્ધ પર પડોશી સંજય વિનુભાઇ સોલંકી (ખવાસ), તેના માતા મંજુબેન, તેમના સગા તેજુભા, જયેન્દ્ર સહિતે તલવારથી હુમલો કરતાં ઇજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.

સામા પક્ષે મંજુબેન વિનુભાઇ સોલંકી (ઉ.૫૫) પણ પોતાના પર દિલીપસિંહ અને મહિપતસિંહે પથ્થરમારો કરી ઇજા કર્યાની ફરિયાદ સાથે સિવિલ હોસ્પિટલમાં સારવાર લીધી હતી.

દિલીપસિંહના પુત્રના કહેવા મુજબ પડોશી સંજય સોલંકી બીજા પડોશી સંજય કુંભાર સાથે ઝઘડો કરતો હોઇ પિતા દિલીપસિંહ તેને સમજાવવા જતાં સંજય સોલંકી ઉશ્કેરાયો હતો અને માતા તથા સગાઓને બોલાવી હુમલો કરી દીધો હતો.  ગાંધીગ્રામ પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

ગીતાંજલી સોસાયટીના જયરાજ બિહારી પર હુમલો

ગોકુલધામ પાસે ગોકુળનગર ગીતાંજલી-૫માં કવાર્ટર પાસે રહેતાં અને મજૂરી કામ કરતાં જયરાજ કેશુભાઇ ખારવા નામના ૨૧ વર્ષના બિહારી યુવાનને જયપ્રકાશ, બબલુ, મુસ્કાન, કરણ સહિતે ધોકાથી માર મારતાં સારવાર માટે દાખલ થયો છે. જયપ્રકાશ જયરાજના એક મિત્રને શોધતો હતો તે ન મળતાં તે બાબતે પુછતાછ કરી માર માર્યો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

(3:27 pm IST)