Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રૂખડીયાપરાના મંદિરમાં બે સાધુને અયોધ્યાનો સાધુ 'બેભાનીયું દૂધ' પીવડાવી રોકડ-સામાન ચોરી ગયો

ઉત્તરાંચલના દ્વારકાદાસ સિતારામ અને ઉત્તર કાશીથી આવેલા બ્રહ્મચારી સદાનંદ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૮: શહેરના રૂખડીયાપરામાં આવેલા હનુમાનજીના મંદિરમાં દસેક દિવસથી રોકાયેલા ઉત્તરાંચલના ૮૦ વર્ષના સાધુ અને કર્ણાટકના ૪૫ વર્ષના સાધુને અયોધ્યાથી પરમ દિવસે જ આવેલા એક સાધુએ રાત્રીના સમયે દૂધમાં કોઇ પદાર્થ ભેળવી પીવડાવી બેભાન કરી દીધા બાદ આ બંને સાધુ પાસેની રોકડ અને સામાન ચોરી ભાગી જતાં ચર્ચા જાગી છે. પરમ દિવસે રાત્રે સુતેલા બંને સાધુ ગઇકાલે બપોરે થોડા ભાનમાં આવતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્યા મુજબ રૂખડીયા હનુમાનજી મંદિરમાં ઉત્તરાંચલથી ૮૦ વર્ષના સાધુ દ્વારકાદાસ સિતારામ (ઉ.૮૦) પોતાના પગની સારવાર માટે દસેક દિવસથી આવ્યા હોઇ અહિ રોકાયા હતાં. તેમજ કેટલાક દિવસથી બીજા સાધુ કર્ણાટકના બ્રહ્મચારી વિવેકાનંદ સદાનંદ (ઉ.૪૫) પણ સારવાર માટે આવ્યા હોઇ તે પણ અહિ રોકાયા હતાં. દરમિયાન પરમ દિવસે આ મંદિરે ત્રીજો એક સાધુ આવ્યો હતો અને તેણે પોતે અયોધ્યાથી આવ્યાની અને નિર્મોહી અખાડાના સાધુ તરીકેની ઓળખ આપી હતી અને દ્વારકાદાસ તથા બ્રહ્મચારી સાથે વાતો કરી હતી.

બાદમાં રાત્રીના અગિયારેક વાગ્યે આ મંદિરના મહંત ગંગાદાસ બીજા રૂમમાં સુઇ ગયા પછી અયોધ્યાથી આવેલા સાધુએ દૂધમાં કોઇ ઘેની પદાર્થ ભેળવી દ્વારકાદાસ અને બ્રહ્મચારીને પીવડાવી દીધો હતો. આ બંને ગઇકાલે બપોરે ભાનમાં આવતાં ચોરી થયાની ખબર પડી હતી. એક સાધુના દસ હજાર રોકડ, બીજાના ૧૮૦૦ રોકડા તથા સામાન ચોરાઇ ગયો હતો. બંનેને ચક્કર આવતાં હોઇ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:27 pm IST)