Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મનોહરસિંહ જાડેજા 'દાદા'એક પ્રજાવત્સલ રાજવી સાથે રાજનેતા, વિરલ વ્યકિત વિશેષતા : બાલેન્દ્ર વાઘેલા

આજે પણ ગુજરાતના રાજકારણ માં મનોહરસિંહ જાડેજા અને તેમનું વિશિષ્ઠ વિશેષ નામ 'દાદા'થી ભાગ્યેજ કોઈ અપરિચિત હોઈ શકે. કોંગ્રેસ પક્ષના દિલ્હીના વર્તુળોમાં પણ દાદાની વિશેષ છાપ આજે પણ છે.

રાજકોટને પોતાનું કાર્યક્ષેત્ર કાયમ રાખીને ગુજરાત અને દેશની રાજનીતિમાં પગ જમાવી રાખનાર મનોહરસિંહ જાડેજાએ રાજકોટની જનતાને પ્રજાવત્સલ રાજવી અને રાજકીય વર્તુળોમાં વિશિષ્ટ રાજકીય કુનેહ નો પરિચય કરાવ્યો છે. આજના સમયમાં આવા  કોઈ રાજકીય વ્યકિતઓ મળી આવતા નથી. જયાં સુધી જાહેર જીવન માંરહ્યા ત્યાં સુધી રાજકોટની જનતા માટે તેમનું 'આંબલી'વાળું કાર્યાલય સતત ચાલુ રહ્યું. જે તેમની પ્રજા વત્સલત રાજવી અને નિષ્ઠાવાન રાજકારણી બંનેનો પરિચય આપે છે.

ભાષા લેખનની કે બોલચાલની બંને ઉપર અદ્દભુત પક્કડ. ગમે તેવા કપરા સંજોગો કે ગુસ્સામાં પણ કયારેય તેમના શબ્દો લડખડાયા નથી કે તેનું સ્તર નીચે ગયું નથી. કયારેય કોઈને 'આપ'ના સંબોધન સિવાય બોલાવે નહિ અને 'તું'તો કહેજ નહિ. દાદાનો 'તુકારો'એ એક બહુમાન ગણાય. અને તે સાંભળવા માટે તેમના નજીકના લોકો રીતસર 'તરસે'. રાજકારણ કે રાજકીય ભાષણોમાં વિરોધીઓ માટે પણ કયારેય નબળો શબ્દ ના વાપરે. કદાચ નબળા શબ્દો તેમના ભાષા કોશ માં જ નહોતા.

રાજકોટના કેટલાય લોકોની રાજકીય કારકિર્દી દાદાને આભારી છે. તેમની કાર્યકરોની સંભાળ રાખવાની રીત અદ્દભુત હતી. પોતે જેને પોતાના માન્ય હોય તેમને રાજકીય હોદ્દાઓ ઉપરાંત વ્યકિતગત મુશ્કેલીઓ માં પણ વગર કહ્યે મદદ કરી શોભાવ્યા છે. તેમના કાર્ય કાળ દરમ્યાન અનેક વખત પોતાના કાર્યકરો માટે પક્ષના મોવડીઓ સામે કે અધિકારીઓ સામે અડીખમ 'સ્ટેન્ડ'લેતા અચકાયા નથી.

રાજકીય પ્રતિસ્પર્ધીઓને પોતાના સ્તર થી જરા પણ નીચે ઉતર્યા વગર દાંત ખાંટા થઇ  જાય તેવો જડબાતોડ જવાબ આપવાની કુનેહ દાદા ને સુલભ હસ્તગત હતી. જેનો આજના રાજકારણ માં સદંતર અભાવ જોવા મળે છે. તેવી જ રીતે ગમે તેવા કટ્ટર રાજકીય પ્રતિસ્પર્ધી સાથે અંગત સબંધો પોતાના અને પક્ષના હિત સાથે જરા પણ બાંધછોડ કર્યા વગર પુરેપુરી કાળજી અને વફાદારી સાથે નિભાવ્યા. બહુ ઓછા અંગત મિત્રોના વર્તુળ માટે દાદા એક પારિવારિક માનનીય વ્યકિત હતા. મિત્રોના કુટુંબીઓ પણ કોઈ પણ વાતે દાદાના શબ્દને આખરી શબ્દો માનતા હતા. રાજકોટના કેટલાય મોટા કુટુંબના મનદુઃખો ના પ્રસંગો માં દાદાની મધ્યસ્થી રહી, તેનો વ્યવહારિક ન્યાયી સર્વસંમત ઉકેલ લાવી બધાને રાજી કરવાની કુનેહ માટે આજે પણ તે કુટુંબો દાદાનો ઉપકાર માની રહ્યા છે.

દાદાએ જાહેર જીવન છોડ્યા પછી ઘણા સમય પછી તેમના સમકાલીન સમવયસ્ક  મિત્ર સાથે તેમણે જે વાતો કરી તે આજના જાહેર જીવન માં રહેલા લોકો એ સમજવી જરૂરી છે.

દાદા એક ક્રિકેટર હતા અને તે મિત્ર પણ ક્રિકેટના શોખીન હતા. તેમણે પૂછ્યું કે 'દાદા તેમને નથી લાગતું કે તેમે વહેલો દાવ ડીકલેર કરી દીધો?'

દાદાએ કહ્યું કે જયારે પુરતી લાંબી ઇનિંગ થઇ હોય, વિકેટ સાથ ના આપતી હોય, બોલર અને અમ્પાયર માં 'સ્પોર્ટ્સમેન સ્પીરીટ'ની ઉણપ વર્તાતી હોય ત્યારે એક 'સિઝન્ડ'ખેલાડી તરીખે દાવ ડીકલેર કરવો તે જ ડહાપણ કહેવાય.

બીજા એક સંવાદ માં મિત્રે પૂછ્યું કે આજે જાહેર જીવન માં આપના જેવા વ્યકિતની ખોટ પડી રહી છે ત્યારે આપની પાસે જાહેર જીવન નું ભાથું છે અને કસાયેલા કાર્યકરો પણ છે, શા માટે બધું છોડી દેવું?

થોડી શાંત ક્ષણો પછી થોડા ગમગીન ચહેરા સાથે દાદાએ  કહ્યું  ' આજનો યુગ બદલાય ગયો છે. જાહેર જીવન અને રાજકારણ માં ખુબ ઝડપથી વફાદારી અને વચનબધ્ધતાનો શૂન્યાવકાશ સર્જાય રહ્યો છે, અને જયારે 'આપણા'પણ બદલી રહ્યા હોય ત્યારે, આ બદલતા સમીકારણો સાથે આપણે તાલ ના મિલાવી શકીએ, આપણે એમ સમજીએ કે આપણી ઉણપ છે કે આપણે બદલી શકતા નથી, તો આપણે આ પરિબળોને પણ ના બદલાવી શકીએ. રૂડું એ જ કે આપણે 'કર્તાને બદલે દ્રષ્ટા'બની જવું.'

 મારા માટે જાહેર જીવન અને રાજકારણના મૂળાક્ષરો શીખવાની પાઠશાળા દાદા હતા, તેમની સાથેની વાતચીતો અને તેમના વ્યવહાર અને ભાષાનું અવલોકન ઘણું શીખવી ગયું. આભાર દાદા

   બાલેન્દ્ર વાઘેલા,

મો.૯૯૯૮૨૩૦૩૦૩

(3:23 pm IST)