Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

દાદાની રાજકીય સાદગી અને તેમની રાજવી તરીકેના લોકચાહના સદાય યાદ રહેશેઃ મનોહરસિંહજી સાથેના સંસ્સમરણો વાગોળતા જીતુભાઈ ભટ્ટ

રાજકોટ,તા.૨૮: ગઈકાલે રાજકોટના રાજવી મનોહરસિંહજી જાડેજાના દુઃખદ અવસાનના સમાચાર પ્રસરતા કોંગ્રેસ, ભાજપ અને પ્રજામાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ હતી. વર્ષો સુધી દાદા સાથે કામ કરનાર કોંગી અગ્રણી શ્રી જીતુભાઈ ભટ્ટે દાદા સાથેના સંસ્મરણો વાગોળતા જણાવેલ કે દાદાને પીકચર જોવાનો ભારે શોખ હતો. હું દાદા સાથે દિલ્હી જતો ત્યારે અમે ૯ થી ૧૨ના શો માં પીકચર જોવા અચુક જતા જ.

સાથો સાથે જીતુભાઈએ વધુમાં જણાવેલ કે મને પાન ખાવાનો બહુ શોખ એટલે  એકવાર હું ટીકીટ બારીએથી ટીકીટ લઈને આવ્યો. ત્યારે દાદા પાનની દુકાને મારા માટે પાન બંધાવતા હતા. જયારે મે તેમને કહું કે બાપુ તમે પાન બંધાવોએ સારૂ ન લાગે ત્યારે દાદાએ પોતાની સાદગીનો પરિચય આપતા જણાવેલ કે અહીં આપણને કોણ ઓળખે છે. તને પાનનો શોખ છે તો હું બંધાવું એમાં શું વાંધો હોય.

આ ઉપરાંત ૨૦૧૨ની ધારાસભાની ચુંટણીમાં ઈન્દ્રનીલભાઈની ચુંટણી વખતે દાદા ખુલ્લી જીપમાં ઉપલા કાંઠે પ્રચારમાં હતા. ત્યારે જનમેદની ઉમટી પડી હતી. ત્યારે પણ એક પ્રજાવત્સલ રાજવી તરીકે લોકો તેમને પગે લાગતા હતા. આઝાદીના આટલા વર્ષો બાદ પણ દાદાની લોકચાહના અકબંધ રહી હતી. તેઓ હંમેશા નાનામાં નાના કાર્યકરની સંભાળ રાખતા તેમના સુખ- દુઃખદના પ્રસંગોમાં હાજર રહેતા તેમ અંતમાં શ્રીજીતુભાઈ ભટ્ટે સ્મરણો વાગોળતા જણાવેલ.

(3:22 pm IST)