Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

મુર્ધન્ય કવિ સર્જક સ્વ.સુરેશ દલાલની નજરે કવિ અને લેખક 'દાદા'...

'મનોહરસિંહજી જાડેજાના લખાણોમાં રાજપદ છે પણ હું પદ નથી, જીવન વૈભવશાળી છે પણ એનો છાક નથી, એમનું ગદ્ય સીધુ સાદુ પણ સોંસરવું છે એમાં શૈલીના કોઇ લપેળા નથી'

સંગીતકલા અને સાહિત્યમાં રૂચી ધરાવતા રાજવી શ્રી મનોહરસિંહજી જાડેજાએ રવિ પીયુ, તખલ્લુસ સાથે કલ્પનાની વાટે અનુરાગ અને અનુગ્રહ એવા ત્રણ કાવ્યસંગ્રહો ઉપરાંત ગયા વર્ષો, રહયા વર્ષો, શિર્ષક હેઠળ પોતાના સંસ્મરણો પણ લખ્યા છે.

મુર્ધન્ય કવિ સર્જક સ્વ.શ્રી સુરેશ દલાલે આ સંસ્મરણોને હમદમ કારણ અને રાજકારણની સ્મૃતિકથા કહીને પુસ્તકને સંસ્મરણોની કુંજગલી તરીકે ઓળખાવી છે સુરેશ દલાલ નોંધે છે કે શ્રી મનોહરસિંહજી જાડેજાના લખાણોમાં રાજપદ છે પણ હું પદ નથી. જીવન વૈભવશાળી છે પણ એનો છાક નથી એમનું ગદ્ય સીધુ સાદુ પણ સોસરવું છે એમાં શૈલીના કોઇ લપેળા નથી.

રાજકોટની રાજય પરંપરાના કોઇ શાસક અને સાક્ષી રહેલા શ્રી મનોહરસિંહજી જાડેજા એમના સંસ્મરણોમાં લખે છે કે રાજકોટના રાજય ઇતિહાસ તરફ નજર નાખતા ઇ.સ. ૧૬૧૦થી ૧૯પ૦ ના કુલ ૩૪૦ વર્ષના ગાળામાં ૧પ રાજવીઓ પૈકી શ્રી બાવાજીરાજ (૧૮૬ર થી ૧૮૯૦) અને તેમના કુંવરશ્રી લાખાજીરાજ (૧૮૯૦ થી ૧૯૩૦) આ સમયગાળો રાજકોટ રાજયનો સુવર્ણકાળ રહયો છે. રાષ્ટ્રપિતા ગાંધીજીના પિતાજી ક.બા. (કરમચંદ) ગાંધી રાજયના દિવાન હતા. તે કારણે ગાંધીજીએ રાજકોટમાં અભ્યાસ કર્યો હતો. રાજ પરીવારે ઇ.સ. ૧૯ર૦માં રાષ્ટ્રીયશાળા માટે ૬૮૦૦૦ ચો.મી. જેટલી જમીન નજીવી કિંમતે આપી હતી.

રાજકોટમાં તે સમયે ખેડુતને નવો કુવો ગાળવા માટે ર૦૦ રૂપીયાની મદદ અપાતી હતી અને ખેડુતોના બાળકોને મફત શિક્ષણ અને પુસ્તકો અપાતા હતા. રાજકોટ ઠાકોર સાહેબ સર લાખાજીરાજ બાપુએ રાજકોટ દરબારગઢમાં ૧પ ફેબ્રુઆરી, ૧૯રપના રોજ પ્રજાજનોનો ભવ્ય લોકદરબાર રચીને પુજય મહાત્મા ગાંધીજીનો અભુતપુર્વ સત્કાર કરી ચાંદીનું યાદગાર સ્મૃતિચિન્હ અર્પણ કર્યુુ હતું.

શ્રી મનોહરસિંહજી જાડેજા પોતાના સંસ્મરણોમાં રાજકોટમાં ગાંધીજીના ર૦ દિવસના ઉપવાસ પછી જીવનમાં પ્રથમ વખત મહાત્મા ગાંધીજીના દર્શન કર્યા તે પ્રસંગ વર્ણવતા ભાવવિભોર બની જાય છે. પોતાની શાળામાં શાહી પ્રવેશનો પ્રસંગ યાદ કરતા શ્રી મનોહરસિંહજી જાડેજા લખે છે કે ચાંદીની છ ઘોડાની ગાડીમાં રજવાડી પોશાકમાં હાથમાં તલવાર સાથે સરઘાસાકારે મહેલથી શાળા સુધી સવારી નિકળી હતી. યુવરાજની જય હો, ના જય-જયકાર વચ્ચે એકાદ કલાકે શાળાએ પહોંચવાનું થયું પછી નામાંકિત વિધિઓ થઇ તે કોઇ પણ માણસ માટે સ્વપ્નવત છે.

રાજકોટમાં લાખાજીરાજ બાપુએ પહેલી વખત ગાંધીજીને રાજકોટ આવતા નિમંત્રણ આપ્યું તે વખતે અંગ્રેજોને આડકતરા દબાણો સહીત અનેક પ્રકારની ધમકીઓ આપી હતી. પરંતુ ગાદી ચાલી જાય તો ભલે એવા વટ અને ગૌરવ સાથે રાજવી પરિવાર અંગ્રેજો સામે નમ્યા નહી. એ જ કારણોસર લાખાજીરાજ બાપુના અવસાન સમયે ગાંધીજીએ શોક સંદેશો પાઠવ્યો હતો. જે આજે પણ રાજવી પરિવારે અમુલ્ય સંભારણારૂપ સાચવી રાખ્યો છે.

શ્રી મનોહરસિંહજી જાડેજાએ પોતાના સંસ્મરણોમાં રાજકમુાર કોલેજમાં પોતાના પ્રવેશનો પ્રસંગ પણ ટાંકયો છે. એ વખતે રાજકુમારના કોલેજના વિદ્યાર્થીઓએ પાળેલી હડતાલને કોલેજના પ્રમુખ જામસાહેબ બાપુએ કેટલી ગરીમાપુર્ણ રીતે સંપન્ન કરાવી હતી એ પ્રસંગથી આજની હડતાલો સાથે તે હડતાલની સરખામણી કરી શ્રી મનોહરસિંહજી જાડેજા ૧૯૪૭ના ૧પ મી ઓગષ્ટે ભારતની આઝાદીનો નુતન સુર્યોદય પ્રકાશમાન થયો તે પ્રસંગ અદભુત રીતે વર્ણવ્યો છે.

બાપ-દાદાઓનાં લોહી રેળીને મેળવેલું રાજય ભારત સરકારને સુપ્રત કરી દેવાનું આંખોમાં એક ચમક સાથે શ્રી મનોહરસિંહજી જાડેજાએ નિહાળ્યું છે. સતા છોડવીએ એ રાજવી પરીવાર માટે જેટલું આસાન હતું એટલું જ મુશ્કેલ કોઇ પણ પદ છોડવાનું આજનાં રાજકારણીઓ માટે છે. શ્રી પ્રદ્યુમનસિંહજી લાખાજીરાજ જાડેજાનું રાજવી તરીકેનો અંતિમ દિવસ-સાર્વભૌમ અધિકારોનું બાષ્પીભવન તેમણે નજરે નિહાળ્યું છે. સ્પેશ્યલ ટ્રેનમાં શ્રી મનોહરસિંહજી જાડેજાની બારાત અલવર ગઇ હોય ત્યાં અલવર સ્ટેશને દબદબાભેર સ્વાગત થયું હોય કે સિનીયર બી.એ.ના વર્ષો દરમ્યાન નાતાલની રજાઓમાં ગીરના જંગલમાં દિપડાના શિકારનું પ્રશિક્ષણ અપાયું હોય એ તમામ પ્રસંગો શ્રી મનોહરસિંહજી જાડેજાને ગઇકાલે જ બન્યા હોય તેમ નજર સમક્ષ તરવરે છે.

સામાન્ય રાજકારણમાં મનોહરસિંહજી જાડેજાએ ૧૯૬રમાં કદમ માંડયું. ૧૯૬રની સામાન્ય ચુંટણીઓમાં એક અપક્ષ ઉમેદવાર તરીકે કોંગ્રેસ સામે ઉભા રહેવાના નિર્ણય વખતે એ તેમનો દ્રઢ નિશ્ચય જ હતો કે જેમાંથી તેમને કોઇ ડગાવી શકયું નહી.

(3:22 pm IST)