Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ચેક રીટર્ન કેસમાં સજા-દંડના હુકમ સામે થયેલ અપીલ રદઃ સજાનો હુકમ કાયમ રહયો

રાજકોટ તા.૨૮: અગાઉના રૂપિયા સોળ લાખ તથા રૂપિયા અગીયાર લાખના ચેક રીટર્ન કેસોમાં નીચેની અદાલતનો હુકમ કાયમ રાખી જે આરોપીને સજા સાથે રૂપિયા ૨૭ લાખનો દંડ ફટકારેલ, તે જ આરોપીને ફરી અન્ય કેસમાં રાજકોટની સેશન્સ અદાલતે નીચેની અદાલતનો સજાનો તથા દંડનો હુકમ કાયમ રાખી આરોપી વસંત રમેશભાઇ વાડોદરીયાની અપીલ સેશન્સ અદાલતે રદ કરતો હુકમ ફરમાવતા, એ રીતે આરોપી સામેના નીચેની અદાલતના ત્રણ કેસોના હુકમો સેશન્સ અદાલત દ્વારા કાયમ રાખવામાં આવેલ છે.

આ કેસની હકીકત જોઇએ તો, ખોખળદળના રહીશ ફરિયાદી અજય કનુભાઇ નસીતે ગોંડલની નાગડકા રોડ પરની સાટોડીયા સોસાયટીમાં રહેતા વસંત રમેશભાઇ વાડોદરીયા સામે રાજકોટ અદાલતમાં ચેક રીટર્ન સંબંધેની ફરિયાદ દાખલ કરી જણાવેલ કે, આરોપી રાજકોટ મુકામે પ્લાસ્ટીકનું કારખાનું ધરાવતા હોય અને તહોમતદારના સગા થતા હોય, જમીનમાં મંદીમાં નાણા ફસાઇ જતા આરોપીએ ફરિયાદી પાસે રૂપિયા ૪ લાખ લીધેલ, જે રકમ ચુકવવા આપેલ ચેક રીટર્ન થતા નીચેની અદાલતમાં ફરિયાદ દાખલ કરેલ.

આ કેસ ચાલી જતા રાજકોટના એડી.ચીફ. જયુડીફ. મેજી.એ આરોપી વસંત વાડોદરીયાને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા અને ચેકની રકમ રૂપિયા ૪ લાખનો દંડ અને દંડની રકમ ન ભર્યે વધુ ત્રણ માસની સજાનો હુકમ ફરમાવેલ, જે હુકમથી નારાજ થઇ આરોપીઓ સેશન્સ અદાલતમાં હુકમ પડકારી નીચેની અદાલતે હુકમ ઇલીગલ, પર્વશ, વિધાઉટ એપ્લીકેશન ઓફ માઇન્ડ, કાયદાના સિદ્ધાંતો વિરૂદ્ધનું તેમજ રેકર્ડ પરની હકીકતો વિરૂદ્ધમાં હોવાનું જણાવી નીચેની અદાલતનો હુકમ રદ કરવા અપીલ કરેલ.

બન્ને પક્ષોની રજુઆતો રેકર્ડ પરની હકીકતો કાયદાના પ્રસ્થાપિત સિદ્ધાંતો ધ્યાનમાં લેતા નીચેની અદાલતે જે એક વર્ષની સજાનો હુકમ તથા રૂપિયા ૪ લાખના દંડનો હુકમ કરેલ છે તે બિલ્કુલ યથાયોગ્ય અને વ્યાજબી હોવાનું અદાલતે માની આરોપી વસંત વાડોદરીયાની સજા અને દંડ રદ કરવાની અપીલ રાજકોટના એડી. સેશન્સ જજ એચ.એ. બ્રહ્મભટ્ટે રદ કરતો હુકમ ફરમાવેલ છે.

ઉપરોકત કામમાં ફરિયાદી અજય નસીત વતી રાજકોટના એડવોકેટ સુરેશ ફળદુ, ભુવનેશ શાહી, કુણાલ શાહી, સંજય ઠુંમર, સહદેવ દુધાગરા, જય પારેડી, કૈલાશ જાની, હિરેન ડોબરીયા રોકાયેલા હતા.

(3:13 pm IST)