Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઈન્કમટેક્ષનું ૧૫ સ્થળોએ મેગા સર્ચ યથાવત

૩ બિલ્ડર્સ, ૩ ફાયનાન્સ ગ્રુપ ઉપર બુધવારે પડેલા દરોડામાં : બિલ્ડર્સ અને તેના ભાગીદારોને નિવાસ સ્થાને ૪૮ કલાકથી ચાલતી ૨૯ સ્થળોએ તપાસ પૂર્ણઃ હવે ઓફિસ અને સાઈટ ઉપર તપાસ ચાલુઃ થોકબંધ સાહિત્ય કબ્જે કરી બેંક લોકર્સ ખોલ્યા બાદ સ્ક્રુટીનાઈઝ થશેઃ કાલે તપાસ પૂર્ણ થવાની શકયતા

રાજકોટ, તા. ૨૮ :. રાજકોટના ટોચના ૩ બિલ્ડર્સ ડેકોરા ગ્રુપ, ઓમ ગ્રુપ અને પટેલ ડેવલપર્સ તેમજ સ્વસ્તિક ફાયનાન્સ, કિશાન ફાયનાન્સ અને વિનાયક ફાયનાન્સ ઉપર બુધવારે વહેલી સવારે રાજકોટ ઈન્કમટેક્ષની ઈન્વેસ્ટીગેશન વિંગે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરેલ. ૪૮ કલાકની સતત તપાસ બાદ ૨૯ સ્થળોએ તપાસ પૂર્ણ થઈ છે ત્યારે સાઈટ અને ઓફિસ મળી કુલ ૧૫ જગ્યાઓએ આવક વેરા વિભાગનો દરોડાનો દોર યથાવત રહ્યો છે.

ઈન્કમટેક્ષ ઈન્વેસ્ટીગેશનના જોઈન્ટ ડાયરેકટર રાજેશ મહાજન, આસિ. ડાયરેકટર પ્રદીપસિંહ સકતાવત, કે.આર. દહીયા અને વી.એમ. ડાંગરની સૂચનાથી ૨૨૫ અધિકારીઓનો કાફલો કાળુનાણુ શોધવા મેગા અર્ચ ઓપરેશન હાથ ધરેલ. જેમાં કરોડો રૂપિયાની રોકડ અને ૨૫ બેંક લોકર સીઝ કરવામાં આવેલ. થોકબંધ સાહિત્ય કબ્જે કરવામાં આવ્યુ છે.

આવક વેરા વિભાગના ટોચના સૂત્રોએ જણાવ્યુ છે કે, ઝડપાયેલ સાહિત્ય કબ્જે કર્યા બાદ બેંક લોકર્સ ખોલવામાં આવશે અને બાદમાં દસ્તાવેજી પુરાવાઓને આધારે તપાસ આગળ વધશે. સંભવત આવતીકાલે સાંજ સુધીમાં તમામ સ્થળોએ તપાસ પૂર્ણ થશે.

બુધવારે વહેલી સવારથી દરોડા ઓપરેશન હાથ ધરાયું હતું. રાજકોટના જમનભાઈ પટેલના ડેકોરા ગ્રુપ કુલદિપ રાઠોડ, નિખિલ પટેલ, ગોપાલભાઈ ચુડાસમાના ઓમ કન્સ્ટ્રકશન તથા ધીરૂભાઈ રોકડના પટેલ ડેવલોપર્સ સહિતના યુનિટો આઈટીની ઝપટે ચડયા હતા. જ્યારે ફાઈનાન્સ પેઢીઓમાં ગુણુભાઈ ભાદાણીની સ્વસ્તિક ફાઈનાન્સ, રમેશભાઈ વાછાણીની કિસાન ફાઈનાન્સ અને મોરબીની વિનાયક ફાઈનાન્સ સહિતની પેઢીઓમાં દરોડા પાડવામાં આવ્યા હતા. બિલ્ડરો અને ફાઈનાન્સરો સાથે જોડાયેલા અન્ય એકાદ ડઝન બિલ્ડરો પર પણ તવાઈ ઉતરી.

બિલ્ડરો ફાઈનાન્સરો સાથે કનેકશન ધરાવતા છગનભાઈ પટેલના સ્વાગત બિલ્ડર્સની ઓફિસ તથા રહેઠાણો પર, દિલીપભાઈ લાડાણીના લાડાણી ગ્રુપ, સ્મિતભાઈ કનેરિયાના કલાસિક ગ્રુપ, નવીનભાઈ બેલાણીના કૃતિ ઓનેલા, બિલ્ડરોના સંયુકત પ્રોજેકટ સાથે કનેકશન ધરાવતા કુલદીપસિંહ રાઠોડના નિવાસ સ્થાન તેમજ શિલ્પન ઓનિકસ પ્રોજેકટના ભાગીદારોને ત્યાં પણ તપાસ હાથ ધરાઈ હતી. આ કાર્યવાહીમાં આવકવેરા ખાતાના અમદાવાદ, બરોડા, સુરત તેમજ જામનગરના મળી કુલ ૨૨૫ લોકોનો કાફલો જોડાયો હતો.

(3:05 pm IST)