Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ઇ-ફાર્મસીના વિરોધમાં દવાબજાર સજ્જડ બંધ

સમગ્ર દેશના ૮.૫ લાખ, સૌરાષ્ટ્ર-કચ્છના ૪૫૦૦ તથા રાજકોટના ૧૦૦૦ જેટલા દવાના ધંધાર્થીઓ બંધમાં જોડાયા દવાના તમામ ધંધાર્થીઓએ વિરોધ પ્રદર્શન રૂપે કાળી રીબીન ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે મોટી રેલી કાઢી કલેકટરને આવેદન આપ્યું આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી તમામ મેડિકલ સ્ટોર્સ બંધ જો કે ઇમરજન્સી માટે દવાની વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવવામાં આવી

કેમીસ્ટ એસો. રાજકોટના હોદેદારો દ્વારા કલેકટર ઓફિસે વિવિધ માંગણીઓ સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું તેની તસ્વીર.

રાજકોટ તા.૨૮: ઓનલાઇન દવા વેપાર (ઇ-ફાર્મસી), અપ્રાકૃતિક સ્પર્ધા, ડ્રગ એન્ડ કોસ્મેટીકસ એકટ મુજબ દેખાતી વિસંગતતા, પરંપરાગત વેપાર ઉપર વ્રજઘાત, નશાકારક દવાનો વેપાર વધવાની શકયતા, સ્ત્રી ભ્રુણ હત્યાને રોકવી, સરકારી જેનરીક સ્ટોર્સ અને પ્રાઇવેટ મેડીકલ સ્ટોર્સ વચ્ચે વ્હાલા-દવલાની નીતિ, ગ્રામીણ ભારતમાં નવા મેડીકલ સ્ટોર્સ ખુલવાના બંધ થવા તથા દવા બજાર સાથે સંકળાયેલ ૪૫ લાખ જેટલા પરિવારોની જીવાદોરી સામે પ્રશ્નાર્થ સહિતના કારણોને લીધે આજ રોજ સોૈરાષ્ટ્ર-કચ્છ સહિત સમગ્ર ભારતની દવા બજારે સજ્જડ બંધ પાળ્યો છે. દેશવ્યાપી બંધમાં સમગ્ર ભારતના ૮.૫ લાખ, સોેરાષ્ટ્ર-કચ્છના ૪૫૦૦ તથા રાજકોટના ૧૦૦૦ જેટલા રીટેલર્સ અને હોલસેલર્સ આ બંધમાં જોડાયા હતા.

યોગ્ય અને વ્યવહારિક માંગણીઓ સંદર્ભે સરકારને ઢંઢોળવાના મજબુત પ્રયાસરૂપે આજરોજ રાજકોટ ખાતે દવાના તમામ ધંધાર્થીઓએ વિરોધ પ્રદર્શન રૂપે કાળી રીબીન ધારણ કરી સૂત્રોચ્ચાર સાથે મોટી  ટાંકી ચોકથી મોટી રેલી કાઢીને કલેકટર ઓફિસે આવેદનપત્ર આપ્યું હતું.

દવાબજારની વિવિધ માંગણીઓનો જો ટૂંક સમયમાં ઉકેલ નહીં આવે તો હજુ આના કરતાં પણ વધુ આક્રમક વિરોધ નોંધાવીને સુપ્રીમકોર્ટના દ્વાર ખખડાવવાની તૈયારી હોવાનું પણ આજરોજ સોૈરાષ્ટ્ર-કચ્છ કેમીસ્ટસ એન્ડ ડ્રગીસ્ટસ એસો.ના પ્રમુખ મયૂરસિંહ જાડેજા તથા મંત્રી અનિમેષ દેસાઇએ જણાવ્યું હતું. ખાસ કરીને દવાના વેપારને લગતો ડ્રગ એન્ડ કોસ્મેટીકસ એકટ દરેક ધંધાર્થી માટે સરખા માપદંડ વાળો હોવો જોઇએ તથા નાર્કોટીકસ જેવી અન્ય પ્રતિબંધિત દવાનો સમાજમાં કાયદા મુજબ હકારાત્મક ઉપયોગ થવો જોઇએ તેવી માંગણી એસો.ના હોદેદારો દ્વારા થઇ રહી છે.

આજે રાત્રે ૧૨ વાગ્યા સુધી તમામ મેડીકલ સ્ટોર્સ બંધ રહેશે તેવુ જાણવા મળે છે.

જો કે કોઇ દર્દીને ઇમરજન્સી દવાની જરૂરીયાત હોય તો તે માટેની વૈકલ્પિક વ્યવસ્થા એસો. દ્વારા ફોન નંબર જાહેર કરીને કરવામાં આવી છે.(૧.૧૧)

'બંધ' દરમિયાન ઈમરજન્સી દવા માટે વૈકલ્પિક વ્યવસ્થા

રાજકોટ : કેન્દ્ર સરકારના ઈ-ફાર્મસી નોટીફીકેશન સામે તા.૨૮ના દેશભરની દવા બજાર બંધના અપાયેલ એલાન સામે રાજકોટમાં ઈમરજન્સી દવાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરાઈ હોવાનું કેમીસ્ટ એસો.ના આગેવાનોએ જણાવ્યું છે. બંધ દરમિયાન આવી ઈમરજન્સી દવા મેળવવા (૧) વોકહાર્ટ હોસ્પીટલ, (૨) સ્ટર્લીંગ હોસ્પીટલ, (૩) સીનર્જી હોસ્પીટલ, (૪) એચએસજી હોસ્પીટલ, (૫) સીવીલ હોસ્પીટલ, (૬) એચ.જે.દોશી હોસ્પીટલમાં દવા ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થા ગોઠવેલ છે. તેમ છતા કોઈને ઈમરજન્સી દવા મેળવવામાં કાઈ તકલીફ પડે તો સૌરાષ્ટ્ર કચ્છ માટે અનિમેષ દેસાઈ (મો.૯૪૨૬૯ ૨૮૩૪૫), ઘનશ્યામભાઈ કાલરીયા (મો.૯૮૭૯૬ ૦૮૦૮૮) અને રાજકોટ શહેર માટે અમિતભાઈ મજીઠીયા (મો.૯૮૨૪૩ ૨૭૨૭૯), ભરતભાઈ પટેલ (મો.૯૮૨૪૪ ૨૫૭૫૮), જયેશભાઈ કાલરીયા (મો.૯૮૨૪૫ ૬૮૧૦૦)નો સંપર્ક કરવા જણાવાયું છે.

(3:26 pm IST)