Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

ખેડૂતોને પડયા પર પાટુઃ યાર્ડમાં શાકભાજી ૧ કિલોના ૨ થી ૧૦ રૂ. જ મળે છે ! છૂટક વેપારીઓને બખ્ખા

ડુંગળી, લસણ બાદ શાકભાજી પણ પાણીના ભાવે વેચાઈ છેઃ ખેડૂતો અને ગ્રાહકો લૂંટાય છે, વચેટિયાઓ માલામાલઃ પરસેવાની કમાણીનું પુરૂ વળતર ન મળતા ખેડૂતોમાં આક્રોશઃ સુચારૂ બજાર વ્યવસ્થાના અભાવે ખેડૂતોને પુરા ભાવ મળતા નથી અને છૂટકમાં ગ્રાહકો ખૂલ્લેઆમ લૂંટાઈ છે

રાજકોટ, તા. ૨૮ :. સૌરાષ્ટ્રમાં એક બાજુ વરસાદના અભાવે ખેડૂતો ચિંતાગ્રસ્ત છે ત્યારે ખેડૂતોને યાર્ડમાં શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતોની સ્થિતિ પડયા પર પાટુ જેવી સર્જાય છે. લસણ અને ડુંગળી બાદ ફલાવર, કોબીઝ સહિતના શાકભાજીઓ ૨ થી ૧૦ રૂ. કિલે વેચાતા ખેડૂતો કફોડી હાલતમાં મુકાય ગયા છે.

સૌરાષ્ટ્રમાં એક બાજુ વરસાદ ખેંચાયો છે જ્યારે બીજી બાજુ ખેડૂતોએ ચોમાસાની ઋતુમાં વાવેલ શાકભાજીઓના ભાવો પુરા ન મળતા દેકારો બોલી ગયો છે. રાજકોટ, અમદાવાદ અને અન્ય માર્કેટયાર્ડોમાં તમામ શાકભાજીઓ ૨ થી ૧૦ રૂ.ના કિલોમાં વેચાય રહ્યા છે. જ્યારે આજ શાકભાજી છૂટક બજારમાં પહોંચતા ૨ થી ૩ ગણા ભાવે વેચાય છે. ગત વર્ષે ખેડૂતોએ વાવેલ ડુંગળી અને લસણના ભાવો ખેડૂતોને પુરતા ન મળતા આક્રોશ ફેલાયો છે ત્યારે શાકભાજીના ભાવો પણ પુરતા ન મળતા ખેડૂતો માઠી દશામાં મુકાયા છે.

શાકભાજીના હોલસેલ વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં તમામ શાકભાજી ૨ થી ૧૦ રૂ. કિલોમાં વેચાય રહ્યા છે. ખેડૂતોને શાકભાજીના વાવેતરનું વળતર પણ મળતુ નથી. આ જ શાકભાજી બજારમાં પહોંચતા ૨ થી ૩ ગણા ભાવે વેચાય છે. સુચારૂ બજાર વ્યવસ્થાના અભાવે ખેડૂતોને શાકભાજીના ભાવો પુરા મળતા નથી અને છૂટકમાં ગ્રાહકો ખુલ્લેઆમ લુંટાઈ રહ્યા છે, જ્યારે વચેટિયાઓને બખ્ખા થઈ ગયા છે.

તાજેતરમાં યાર્ડમાં લસણ ૧ કિલો ૭૫ પૈસા અને ડુંગળી ૧ કિલો ૨ રૂપિયામાં વેચાયા બાદ ફલાવર, કોબીઝ ૨ રૂપિયે કિલો વેચાય રહ્યા છે. ખેડૂતોનું કહેવુ છે કે, મોંઘુ બિયારણ, ખાતર, જંતુનાશક દવા તથા ખેત મજુરીનો ખર્ચ પણ ઉપડતો નથી. આમા નફાની વાત તો કયાં કરવી ? છૂટકમાં ડુંગળી ૧૫ રૂ. કિલો અને ફલાવર, કોબીઝ ૩૦ થી ૪૦ રૂ. કિલોમાં વેચાય રહ્યુ છે. આમ ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને ગ્રાહકોને સસ્તુ શાકબકાલુ મળતુ નથી. વચેટિયાઓ મોટાપાયે કમાણી કરી રહ્યા છે. ખેડૂતોને પુરતા ભાવો ન મળતા પાલનપુર અને ડીસા પંથકમાં ખેડૂતો શાકભાજી નદીમાં પધરાવી રહ્યા છે.

રાજકોટ યાર્ડમાં આજે કોબીઝ ૨૦ કિલોના ભાવ ૧૧૦ થી ૧૫૦ રૂ., ફલાવર ૧૦૦ થી ૧૮૦ રૂ., ભીંડો ૧૧૦ થી ૨૨૦ રૂ., ગુવાર ૧૦૦ થી ૨૦૦ રૂ., ચોળા શીંગ ૧૧૦ થી ૧૬૦ રૂ., રીંગળા ૧૦૦ થી ૨૦૦ રૂ., દૂધી ૭૦ થી ૧૧૦ રૂ., ગીલોળા ૧૨૦ થી ૨૨૦ રૂ.ના ભાવે વેચાયા હતા. શાકભાજીમાં લીંબુ સિવાય તમામ શાકભાજી ૨ થી ૧૦ રૂ.ના ભાવે હોલસેલમાં વેચાઈ રહી છે અને છૂટક બજારમાં ૨ થી ૩ ગણા ભાવે વેચાય છે.

ગુજરાતમાં સૂચારૂ બજાર વ્યવસ્થાના અભાવે ખેડૂતોને પોષણક્ષમ ભાવો મળતા નથી અને છૂટકમાં ગ્રાહકો ખુલ્લેઆમ લૂંટાઈ રહ્યા છે. છૂટક બજાર પર કોઈનું નિયંત્રણ નથી. મનફાવે તેવા ભાવો લેવાય રહ્યા છે.(૨-૮)

 

(12:08 pm IST)