Gujarati News

Gujarati News

News of Friday, 28th September 2018

રાષ્‍ટ્રીય શાળામાં પ્‍યોર ખાદ્ય તેલ સૌથી સસ્‍તા મળશે

તેલની ઘાણી ફરી શરૂ થશેઃ ટુંક સમયમાં ઉદ્દઘાટન સમારોહઃ મેનેજિંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટનો સંકલ્‍પ રાષ્‍ટ્રીય શાળાને નવેસરથી ઝગમગતી કરીને વધારેમાં વધારે લોકભોગ્‍ય બનાવીશું: નવી પ્રવૃતિઓ શરૂ થશે : રાજકોટની ઐતિહાસિક ધરોહરનું રીનોવેશનકાર્ય ધમધોકાર

રાજકોટ તા.૨૮: જયાં મહાત્‍મા ગાંધીજીએ ઉપવાસ કર્યા હતા એ ઐતિહાસિક ધરોહર રાષ્‍ટ્રીય શાળા સંકુલ નવા રંગ-રૂપ ધારણ કરી રહી છે. ૧૩ એકર જમીનમાં પથરાયેલા આ સંકુલને જીવંત રાખવા સંસ્‍થાના મેનેજિંગ ટ્રસ્‍ટી જીતુભાઇ ભટ્ટે મહા અભિયાન આદર્યુ છે.

‘‘અકિલા'' સાથે વાતચીત કરતા જીતુભાઇએ જણાવ્‍યું હતું કે, રાષ્‍ટ્રીય શાળામાં ધમધમતી તેલની ઘાણી ખૂબ લોકપ્રિય હતી. ટેકનિકલ કારણોસર આ ધાણી બંધ હતી, જે થોડા દિવસોમાં ફરીથી ધમધમતી થાય તેવું આયોજન થયું છે. સમગ્ર સંકુલના જિર્ર્ણોધ્‍ધારનો અમે સંકલ્‍પ કર્યો છે, સોૈ પ્રથમ તેલની ઘાણી શરૂ થઇ જાય તેવું આયોજન છે. આગામી પંદરેક દિવસોમાં ઘાણીનો ઉદ્દઘાટન સમારોહ યોજાશે. શ્રી ભટ્ટ કહે છે કે, અહીં કાળા તલનું તેલ, મગફળીનું તેલ, કોપેરેલ તેલ, એરંડિયું ભેળસેળ વગરના પ્‍યોર અને બજાર કરતાં સસ્‍તા ઉપલબ્‍ધ થશે. લોકોની લાગણીને આવકારીને સોૈપ્રથમ તેલની ઘાણી ફરી ધમધમતી થઇ જાય તેવા પ્રયાસો સફળ બની રહયા  છે. ઉદ્દઘાટન સમારોહની તારીખ ટૂ઼ક સમયમાં જાહેર કરાશે.

ચાર મહિના પૂર્વે જીતુભાઇ ભટ્ટે રાષ્‍ટ્રીય શાળાનું મેનેજિંગ ટ્રસ્‍ટી પદ સંભાળ્‍યું છે અને સંકલ્‍પ કર્યો છે કે, સંકુલને ઝગમગતું કરીને લોકભોગ્‍ય બનાવીશ. જીતુભાઇ કહે છે કે, નરેન્‍દ્રભાઇ મોદીની સરકારે ગાંધી સ્‍મૃતિ જીવંત રહે તે ઉદ્દેશથી ગાંધી સર્કીટ શરૂ કરી છે, જે અન્‍વયે રાષ્‍ટ્રીય શાળાના જિર્ણોધ્‍ધારની પ્રક્રિયા ટ્રસ્‍ટી દ્વારા શરૂ કરી દેવાઇ છે. મુખ્‍ય ઇમારત-આંતરિક માર્ગો અને ફલોરિંગના કામ ધમધોકાર ચાલી રહયા છે.

૧૨૫ વર્ષ પુરાણા આ સંકુલમાં વિવિધ પ્રવૃતિઓ ધમધમી રહી છે. ખાદી ભંડાર, સંગીત વિદ્યાલય, વણાટ વિભાગ, વગેરે ચાલુ છે. તેલની ઘાણી કુમાર વિદ્યાલય બંધ છે. તેલની ધાણી ઝડપથી શરૂ થઇ જશે.

ભુકંપગ્રસ્‍ત જર્જરિત થયેલા બાંધકામો ટુરિઝમ વિભાગના સહયોગથી રીનોવેટ થઇ રહયા છે.

જીતુભાઇએ જણાવ્‍યું હતું કે, આ સંકુલમાં નવા પ્રકલ્‍પો પણ વિચારવામાં આવ્‍યા છે. અહીં ગાંધી લાઇબ્રેરી બનશે, ઉપરાંત મ્‍યુઝિયમ પણ નિર્માણ થશે. આઝાદી જંગના રાષ્‍ટ્રીય કક્ષાના આગેવાનોના પોસ્‍ટર્સ પણ લગાવવામાં આવશે. ઉપરાંત યુવા પેઢીને ગાંધી વિચાર સાથે સાંકળવા ગાંધી સેમીનારો થશે અને શિબિરોના આયોજન પણ થશે.

શ્રી ભટ્ટ કહે છે કે, સમગ્ર સંકુલના રિનોવેશનનો ખર્ચ રૂા. ૭ કરોડ આસપાસ થનાર છે. કેન્‍દ્ર સરકારનો સહયોગ મળી રહયો છે, ગુજરાત સરકારનું પણ સકારાત્‍મક વલણ રહયું છે. રાજકોટ-સોૈરાષ્‍ટ્રની ઐતિહાસિક ધરોહર સાહિયારા પ્રયાસોથી ઝગમગતું થઇ રહયું છે. જીતુભાઇ ભટ્ટ ગાંધીયન પરિવાર માંથી આવે છે. તેઓને રાષ્‍ટ્રીય શાળામાં સભ્‍યપદ અપાયું હતું. હવે તેઓ મેનેજિંંગ ટ્રસ્‍ટીપદે સમગ્ર રાષ્‍ટ્રીય શાળા સંકુલને ઝગમગાવવા દ્રઢતાથી સક્રિય બન્‍યા છે.

જીતુભાઇના પિતાશ્રી અંતુભાઇ ભટ્ટ ગાંધીવાદના રંગે રંગાયા હતા. ઉનામાં ધમધમતી ગાંધી સંસ્‍થાની સ્‍થાપના અંતુભાઇએ કરી હતી. આજે પણ આ સંસ્‍થામાં અનેક પ્રવૃતિઓ ધમધમે છે. અને સવાસો જેટલાં લોકોને રોજગારી આપે છે. ઉના ગાંધી સંસ્‍થામાં બુટ-ચપ્‍પલ ઉત્‍પાદન, વણાટ કાર્ય, ગોૈશાળા, પ્રાથમિક શાળા-કોલેજ વગેરે પ્રવૃતિ ચાલે છે. જેનું સંચાલન જીતુભાઇના નાનાભાઇ ભરતભાઇ ભટ્ટ કરે છે.

ગાંધી વિચારના રંગે રંગાયેલા આ પરિવારના જીતુભાઇ કહે છે કે, મહતમ ગાંધીજીએ જયાં ઉપવાસ કર્યા હતા તે ઐતિહાસિક રાષ્‍ટ્રીય શાળાની સેવા કરવાની તક મને મળી તે મારું સદ્દભાગ્‍ય ગણું છું. આ ગાંધી-સ્‍મૃતિને દીપાવવામાં કેન્‍દ્ર-ગુજરાત સરકારે સકારાત્‍મક સહયોગ આપ્‍યો, તે બદલ તેમનો આભાર વ્‍યકત કરૂ છું.

(11:14 am IST)