Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સહકારનગર રોડના વડલા ચોકમાં ઘનશ્યામનગરના હિતેન્દ્રસિંહ ઝાલાની છરીના ઘા ઝીંકી હત્યાનો પ્રયાસ

સોમવારે ભકિતનગર સર્કલ પાસે ખાઉગલીમાં વાહન સામ-સામે આવી જતાં થયેલો ડખ્ખો વકર્યો : જંગલેશ્વરના સરફરાઝ ઉર્ફ સૈફુડો અને તેના ત્રણ મિત્રોએ બૂલેટ-એકસેસમાં આવી હુમલો કર્યોઃ બે સકંજામાં

રાજકોટ તા. ૨૮: સોમવારે રાત્રે ભકિતનગર સર્કલ પાસે ખાઉગલીમાં ઘનશ્યામનગરના ક્ષત્રિય યુવાન હિતેન્દ્રસિંહ દિલીપસિંહ ઝાલા (ઉ.૨૩)નું બાઇક જંગલેશ્વરના મુસ્લિમ શખ્સ સરફરાજ ઉર્ફ સૈફુડાના બાઇકની સામે આવી જતાં અથડાતાં રહી જતાં બોલાચાલી થઇ હતી. આ બનાવનો ખાર રાખી ગત સાંજે હિતેન્દ્રસિંહ સહકાર નગર રોડ વડલા ચોકમાં તેના ત્રણ મિત્રો સાથે બેઠો હતો ત્યારે જંગલેશ્વરના સરફરાઝ ઉર્ફ સૈફુડો અને તેના ત્રણ મિત્રોએ બૂલેટ, એકસેસ પર આવી આ હિતેન્દ્રસિંહને છરીના ઘા ઝીંકી દઇ હત્યાનો પ્રયાસ કરતાં ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે બે શખ્સને સકંજામાં લઇ અન્ય બેની શોધખોળ શરૂ કરી છે.

બનાવ અંગે ભકિતનગર પોલીસે કોઠારીયા રોડ સિંદુરીયા ખાણના કાંઠે ઘનશ્યામનગર-૭માં રહેતાં અને એચ. જે. દોશી હોસ્પિટલ સામે 'સુરભી પાન પાર્લર' નામે દૂકાનમાં બેસી વેપાર કરતાં દિલીપસિંહ જેઠુભા ઝાલા (ઉ.૫૨)ની ફરિયાદ પરથી  સરફરાઝ ઉર્ફ સૈફુડો અને સાથેના ત્રણ અજાણ્યા સામે આઇપીસી ૩૦૭, ૫૦૪, ૩૪, જીપીએકટ ૧૩૫ (૧) મુજબ હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો છે.

દિલીપસિંહ ઝાલાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે મારે સંતાનમાં બે પુત્ર અને એક પુત્ર છે. જેમાં મોટા પુત્ર રવિરાજસિંહની ઉમર ૨૬ વર્ષ અને નાના પુત્ર હિતેન્દ્રસિંહની ઉમર ૨૩ વર્ષ છે. આ બંને મારી સાથે પાનની દૂકાને બેસે છે. હિતુભા રિક્ષા પણ હંકારે છે. નાની દિકરી ૧૮ વર્ષની છે અને તે અભ્યાસ કરે છે. મંગળવારે સાંજે સાડા છ પોણા સાતેક વાગ્યે મેં પુત્ર હિતેન્દ્રસિહને ફોન કરતાં તેનો ફોન તેના મિત્ર દિવ્યરાજસિંહ બસીયાએ ઉપાડ્યો હતો? હિતેન્દ્ર કયાં છે? તેમ તેને પુછતાં તેણે કહ્યું હતું કે સહકાર મેઇન રોડ પર જમનાનગર તરફ જવાના રસ્તે વડલા પાસે જંગલેશ્વરના સૈફુડાએ તેને છરી મારી દીધી છે જેથી તેને મધુરમ્ હોસિપટલે લાવ્યા છીએ.

આ વાત સાંભળી હું, મારા પત્નિ તુરત હોસ્પિટલે પહોંચ્યા હતાં. તે વખતે પુત્ર હિતેન્દ્રસિંહને સીટી સ્કાન કરાવવા લઇ ગયા હતાં. ત્યાં હાજર તેના મિત્રો દિવ્યરાજ બસીયા, ચંદ્રસિંહ ઝાલા, સોહિલ ચોૈહાણને શું થયું? તે બાબતે પુછતાં તેણે કહ્યું હતું કે અમે બધા સહકાર રોડ પર વડલા ચોકમાં બેઠા હતાં ત્યારે બે બાઇક પર ચાર જણા આવ્યા હતાં અને હિતેન્દ્રસિંહ સાથે ગાળાગાળી કરી હતી. જેમાંથી બે જણાએ છરીઓ કાઢી હુમલો કરી દીધો હતો. ચારમાંથી એક જે છરી મારતો હતો તે સરફરાજ ઉર્ફ સૈફુડો હતો, જેને અમે જોયેથી ઓળખીએ છીએ. એક શખ્સ પાસે લાકડાનો ધોકો હતો. આ ચારેયએ હિતેન્દ્રસિંહને જમણા પડખા, ડાબા પગના ગોઠણ નીચેના ભાગે ઘા માર્યા હતાં.

એ પછી મારા દિકરાને સીટી સ્કાનમાંથી બહાર લાવવામાં આવતાં મેં તેને પુછતાં તેણે કહ્યું હતું કે સોમવારે રાતે તે અને મિત્ર સોહિલ ભકિતનગર સર્કલ પાસે ખાઉગલીમાં નાસ્તો કરવા ગયા હતાં અને ત્યાંથી પોણા બારેક વાગ્યે નાસ્તો કરી પરત નીકળ્યા ત્યારે કોઇ શખ્સના બાઇક સાથે મારું બાઇક અથડાતાં સ્હજે રહી ગયું હતું. એ વખતે બોલચાલી થતાં એ બાઇકના ચાલકે પોતે જંગલેશ્વરવાળો હોવાનું કહ્યું હતું અને નીકળી ગયો હતો.

એ પછી મંગળવારે સાંજે હું અને મિત્રો સહકાર રોડ વડલા ચોકમાં બેઠા હતાં ત્યારે ખાઉગલીમાં જે બાઇક વાળા સાથે બોલચાલી થઇ હતી તે શખ્સ તથા બીજા ત્રણ શખ્સો બૂલેટ અને એકસેસ પર આવ્યા હતાં અને ગાળાગાળી કરી હુમલો કર્યો હતો. મારા પર હુમલો કરનારા પૈકી સરફરાજને મારો મિત્ર દિવ્યરાજ ઓળખતો હોઇ તે વચ્ચે પડ્યો હતો. પરંતુ સરફરાજ ઉર્ફ સૈફુડો અને તેના સાથેના શખ્સોએ મની છરીના ઘા ઝીંકી દીધા હમતા. લોકો ભેગા થઇ જતાં ચારેય ભાગી ગયા હતાં.

ભકિતનગર પી.આઇ. વી.કે. ગઢવી, એએસઆઇ આર. ડી. ગોહિલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે ગુનો નોંધી સરફરાજ ઉર્ફ સૈફુડો અને અન્ય એકને રાઉન્ડઅપ કરી પુછતાછ શરૂ કરી છે.

(1:29 pm IST)