Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં પદ્દમા નેપાળીનું ફાંસાથી મોતઃ પતિ સામે મૃતકના ભાઇઓનો હત્યાનો આક્ષેપ

ચારેક મહિના પહેલા અફેર બાબતે પતિ સૂરજે મારકુટ કરી'તીઃ પોલીસે સૂરજની પુછતાછ આદરીઃ મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ

રાજકોટ તા. ૨૮: શહેરના ગોંડલ રોડ પર એસટી વર્કશોપ પાછળ સમ્રાટ ઇન્ડસ્ટ્રીઝ એરિયા શેરી નં. ૪માં કારખાનાની ઓરડીમાં રહેતી પદ્દમા સૂરજ સોની (નેપાળી) (ઉ.૨૨) નામની પરિણીતાનું ગળાફાંસાથી મોત નિપજતાં તેણીના ભાઇઓએ હત્યાનો આક્ષેપ કરતાં ચર્ચા જાગી છે. પોલીસે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવવા તજવીજ હાથ ધરી પતિ સૂરજને પુછતાછ માટે બેસાડી દીધો છે.

પ્રાપ્ત માહિતી મુજબ સમ્રાટ એરિયા શેરી નં. ૪માં કારખાનાની ઓરડીમાં પદ્દમા સૂરજ સોની નામની નેપાળી પરિણીતા ઓરડીના પતરાના એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાધેલી હાલતમાં મળતાં ૧૦૮ના ઇએમટી દિનેશભાઇએ તેણીને મૃત જાહેર કરી પોલીસને જાણ કરતાં માલવીયાનગરના એએસઆઇ કે. કે. માઢક સહિતના સ્ટાફે ઘટના સ્થળે પહોંચી પંચનામુ કરી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો.

પદ્દમાનો પતિ સૂરજ દલબહાદુર કારખાનામાં મજૂરી કરે છે. પદ્દમાના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતાં અને સંતાનમાં બે વર્ષનો પુત્ર છે. મૃતક પદ્દમા ત્રણ ભાઇ અને બે બહેનમાં વચેટ હતી. તેના ભાઇ અર્જૂન સહિતનાએ એવો આક્ષેપ કર્યો હતો કે બહેને આપઘાત નથી કર્યો પણ પતિ સૂરજે તેની હત્યા કરી હોય તેવી શંકા છે. પોલીસે સૂરજને પુછતાછ માટે પોલીસ મથકમાં બેસાડી દીધો હતો. સૂરજે એવું રટણ કર્યુ હતું કે પોતે સાંજે કારખાનેથી ઓરડીએ આવ્યો ત્યારે દરવાજો અધખુલ્લો હતો અને પત્નિ લટકતી જોવા મળી હતી. પોલીસે મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે. તેના રિપોર્ટ બાદ આગળ કાર્યવાહી થશે.

પદ્દમાના ભાઇઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ચારેક મહિના પહેલા અફેર બાબતે પતિ-પત્નિ વચ્ચે માથાકુટ થતાં પતિએ તેણીને મારકુટ કરી હતી. તેણીએ જાતે ફાંસો ખાધો કે પતિએ ફાંસો આપી દીધો? તે અંગે ભાઇઓએ શંકા વ્યકત કરતાં પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(1:28 pm IST)