Gujarati News

Gujarati News

News of Wednesday, 28th August 2019

રેલનગર સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપની ૧૬ વર્ષની બાળા મટકીફોડ જોવા ગયા બાદ ગૂમ

શોધખોળ છતાં પત્તો ન મળતાં પ્ર.નગર પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૮: રેલનગર સુભાષચંદ્ર બોઝ  ટાઉનશીપ સી-બી-૩૧માં રહેતી સગીરા જન્માષ્ટમીની મટકીફોડ કાર્યક્રમ જોવા જવાનું કહીને ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતાં શોધખોળને અંતે પોલીસને જાણ કરવામાં આવતાં અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.

પ્ર.નગર પોલીસે આ બારામાં સુભાષચંદ્ર બોઝ ટાઉનશીપમાં રહેતાં રેખાબેન ભાવેશભાઇ પોપટની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં રેખાબેને જણાવ્યું છે કે તેણે પ્રથમ પતિ સંજય બાવાજી સાથે દસ વર્ષ પહેલા છુટાછેડા લીધા છે. તેના થકી સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં વચેટ પુત્રી ૧૬ વર્ષની છે. હાલમાં તેણીએ ભાવેશ પોપટ સાથે બીજા લગ્ન કર્યા છે અને સંતાનો સાથે ભાવેશ સાથે રહે છે.

૨૫મીએ રાત્રે બારેક વાગ્યે ફલેટના નીચેના ભાગે મટકીફોડનો ઉત્સવ હોઇ પોતે, પતિ અને બાળકો અગાસીએથી ઉત્સવ જોતા હતાં. ત્યારે દિકરીએ પોતે નીચે ઉત્સવ જોવા જાય છે તેમ કહીને ગઇ હતી. કાર્યક્રમ પત્યા પછી અડધા કલાક બાદ પણ તેણી પરત આવતાં તપાસ કરતાં કોઇ પત્તો મળ્યો નહોતો. સગા-સંબંધીને ત્યાં પણ તપાસ કરવા છતાં તે ન મળતાં અંતે ગઇકાલે પ્ર.નગર પોલીસને જાણ કરતાં પી.આઇ. બી.એમ. કાતરીયા, સંજયભાઇ દવે, વિરભદ્રસિંહે સગીરા ગૂમ થવાના કિસ્સામાં તાકીદે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

(1:26 pm IST)