Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

પ્રજાને જટીલ ટ્રાફીક સમસ્યામાંથી મુકત કરાવોઃ મુખ્યમંત્રીશ્રીને ખુલ્લો પત્ર

૧૩૨ ચો.કી.મી. વિસ્તારમાં વસતા ર૦ લાખથી વધુ લોકોના વાહનો, સરકારી-ખાનગી મુસાફર બસો, ૪૦૦ થી વધુ મીની બસો-જીપો પ્રવાહીરૂપે ચાલી નહી શકતા ભારે કમઠાણ સર્જાય છેઃ પોલીસ કમિશ્નર-મ્યુનિસીપલ કમિશ્નરને સમસ્યાના નિવારણ માટે તાકીદ હુકમો કરોઃ જનજાગૃતી અભિયાન મંચની માંગણી

રાજકોટઃ પ્રજાને જટીલ ટ્રાફીક સમસ્યામાંથી મુકત કરાવવા સામાજીક અગ્રણી શ્રી તખુભા રાઠોડ દ્વારા મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્વારા પત્ર પાઠવાયો છે. જે અક્ષરસઃ આ મુજબ છે.

શહેરની ટ્રાફીક સમસ્યા સતત મુશ્કેલ અને વિકટ બનતી જાય છે. આ અંગે આ સંસ્થા લાંબા સમયથી ટ્રાફીક સમસ્યા ગંભીર બનવાના કારણો અને સમસ્યા હળવી કેમ થાય તે અંગે ઉંડાણપૂર્વક અભ્યાસ કરી અને જનમત જાણી સતત લેખીત મૌખીક રજુઆત કરેલ છે પણ પરિસ્થિતિમાં ફરક પડતો નથી. જેથી આપ સમક્ષ આ રજુઆત કરવા ફરજ પડેલ છે.

આ સાથે અમોએ વિકટ ટ્રાફીક સમસ્યા અંગે જ અહેવાલ તૈયાર કરેલ છે તે સાદર રજુ કરીએ છીએ અને ભારપૂર્વક વિનંતીસહ માંગણી કરીએ છીએ કે આ અહેવાલ ઉપર કામચલાઉ નહી પણ કાયમી ધોરણે સતત કાર્યવાહી થાય તો જ પ્રજાને વિકટ ટ્રાફીક સમસ્યાઓમાં રાહત મળે તેમ છે. એવું અમારૂ અને પ્રજાનું માનવું છે.

(૧)  શહેરના વિવિધ મુખ્ય માર્ગ ઉપર બ્રીજ (પુલ) ના કામ ચાલુ હોવાથી આ માર્ગનો ટ્રાફીક નજીકના અન્ય માર્ગ તરફ ટ્રાન્સફર કરેલ છે પરંતુ આ માર્ગ ઉપર ટ્રાફીક શાખાના સ્ટાફની નબળી અને અનિયમિત કામગીરીને કારણે પ્રજા વધુ હેરાન પરેશાન થાય છે.

(ર)  શહેરમાં નવા બનતા પુલનું કામકાજ ખુબજ ઝડપથી પુરૂ થાય તે માટે જવાબદાર અધિકારીઓનું કડક સુપરવિઝન ખૂબજ જરૂરી છે.

(૩)  શહેરના ત્રાસદાયક ટ્રાફીક પ્રશ્ન અંગે વડી અદાલતના આદેશથી તથા રાન્નય સરકારની સુચનાથી શહેરમાં અનેક વખત આ સમસ્યા અંગે ઝુંબેશ ચલાવેલ છે, પરંતુ આ તમામ પ્રયાસ જવાબદાર તંત્રની નબળી ઇચ્છાશકિતને કારણે નિષ્ફળ રહે છે આ હકીકત છે. ટ્રાફીક સમસ્યામાં કાયમી ધોરણે રાહત થાય તેવું નકકર આયોજન થાય તેવું શહેરની પ્રજા ઇચ્છે છે.

(૪)  ભૂતકાળના અનૂભવથી એ બાબત સાબિત થઇ છે કે નાની મોટી કામચલાઉ ઝુંબેશો કરવાથી શહેરનો ટ્રાફિકનો પ્રશ્ન હલ થાય તેમ નથી.     

(પ) રાજકોટ શહેરનો ૧૩૧.ર૧ ચો.કી.મો.નો વિસ્તાર છે. જેમાં અંદાજે વીસ લાખની જન સંખ્યા વસવાટ કરે છે. આર.એમ.સી. શહેરની હદ વધારવા સક્રિય છે. પણ આર.એમ.સી. ને પોલીસ તંત્ર ટ્રાફીક સમસ્યા અંગે સાથે બેસીને આયોજન કરવામાં નબળું સાબિત થયેલ છે તેવો શહેરની બુદ્ઘિજીવી નાગરીકોનો અભિપ્રાય છે. આર.એમ.સી. નું દબાણ હટાવ વિભાગની કામગીરી નબળી–ઢીલી છે. જેના કારણે પ્રજા હેરાન થાય છે.

(૬)  આર.એમ.સી. અને પોલીસ વચ્ચે ટ્રાફિક સમસ્યાના ગંભીર પ્રશ્ને સંકલનનો અભાવ છે. મિટીંગમાં સુચનો બાદ થયેલ હુકમોનું કાયમી ધોરણે બન્ને વિભાગ તરફથી પાલન કરવામાં આવતું નથી.

(૭) શહેરમાંથી સમગ્ર સૌરાષ્ટ્રના જુદા જુદા નાના મોટા શહેરોમાં જવા માટે આવવા માટે અંદાજીત ખાનગી ૪૦૦ થી વધુ મીની બસો, મોટી સાઇઝની જીપોના સ્ટેન્ડ શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર જ છે અને આ તમામ વાહનો મુસાફરો લેવા ઉતારવા શહેરના તમામ મુખ્ય અને પેટા રસ્તાઓ ઉપર જ આ વાહનો ઉભા રહે છે. જેથી ટ્રાફિક સમસ્યા વધુ વિકટ બને છે.

(૮) લાંબા સમય બાદ શહેરની ટ્રાફિક શાખાને નિયમ મુજબ પુરતો સ્ટાફ સરકારે ફાળવેલ છે અને તેમની મદદમાં ટ્રાફિક બ્રિગેડના યુવાનો પણ સારી એવી સંખ્યામાં છે. ટ્રાફિક શાખાનો સ્ટાફ તેમની તમામ પ્રકારની કામગીરી ટ્રાફિક બ્રિગેડના સ્ટાફ ઉપર છોડી દેતા તેઓ અન્ય પ્રવૃતિમાં રોકાયેલા પ્રજા જોવે છે. સંઘન સુપરવિઝનના અભાવે ફરજ ઉપરનો સ્ટાફ ઘોર બેદરકારી દાખવે છે અને પ્રજા પરેશાન થાય છે. આ અંગે કમિશ્નરશ્રીએ કાયમી ધોરણ સંઘન સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવાય તેવું પ્રજા ઇચ્છે છે.

(૯) શહેરના વિવિધ વિસ્તારમાં ચાલતી સ્કૂલો,કલાસીસના વિદ્યાર્થીઓના અને સ્ટાફના વાહનો રોડ ઉપર પાર્કિંગ થાય છે. તેમ છતા તેમની સામે કાયમી ધોરણે કાર્યવાહી થતી નથી.

(૧૦)        શહેરના મુખ્ય રસ્તાઓ ઉપરના અનેક કોમશીસ્યલ બિલ્ડીંગોએ પાર્કિંગ બંધ કરાવેલ છે. પ્રજાને પાર્કિંગ કરવા નથી દેતા. તેમની સામે કાયમી ધોરણે સખ્ત કાર્યવાહી થવી જોઇએ.

(૧૧)        શહેરના અનેક ચોકમાં ટ્રાફિક સિમ્બોલ (છત્ર) ઉભી કરવામાં આવેલ છે. પણ ફરજ પરનો એક ટકો પણ કર્મચારી આ છત્રી નીચે ઉભા રહી ફરજ બજાવતા નથી. દૂર ઉભા રહી ફરજ બજાવે છે. ઘણી વખત તો ટ્રાફિકને કારણે ફરજ ઉપરનો સ્ટાફ જોઇ પણ શકતો નથી. એક ચોકમાં બે–ત્રણ–ચારનો સ્ટાફ ફરજ બજાવે છે. પણ તેમના વચ્ચે પણ સંકનલ હોતું નથી. જેથી જુદા જુદા રોડની સાઇડ ખોલ બંધ કરે છે. આને કારણે પ્રજા હેરાન થાય છે. જો ચોકમાં હાથથી સાઇડ આપવાની પ્રથા બંધ રાખવાની હોઇ તો છત્રીઓ દૂર કરી દેવી જોઇએ, જેથી ચોક પહોળો થશે.

(૧ર)        ફરજ પરના ટ્રાફિક પોલીસો તથા ટ્રાફિક સ્ટાફને આ રીતે ફરજ બજાવતા પણ પ્રજાને જોવા મળે છે.

     (૧) ટ્રાફિક સ્ટાફ અને સહાયક ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ ઉપર સતત પોતાના સેલફોન ઉપર બીઝી રહે છે. કેટલાકના મોઢામાં પાન–માવો ભરેલો હોય છે. જેથી તે વાહન ચાલકોને રોકી શું કહેવા માગે છે તે જ સમજાતું નથી. તથા તેમના મોઢામાંથી પ્રજા ઉપર થુંક ઉડે છે, (ર) ફરજ પરના પોઇન્ટ ઉપર એક ખુણે મંડળી જમાવી વાતોના ગપસમ કરવામાં મશગુલ હોય છે.

(૧૩)        ટ્રાફિક સમસ્યા ગંભીર હતી અને તેમાં આર.એમ.સી. મારફત સીટી બસો ચાલુ કરતા શહેરના તમામ રીક્ષા ચાલકો ધંધા માટે રીક્ષા સ્ટેન્ડ ઉપર ઉભા રહેવાના બદલે શહેરના તમામ મુખ્ય માર્ગો અને ચોકમાં ઉભા રહે છે. જેથી ટ્રાફિક સમસ્યા વધુ ગંભીર બનેલ છે. આ ગંભીર બાબત ઉપર પોલીસ વિભાગ પણ અજાણ હોઇ તેમ કોઇ જ કાર્યવાહી કરતુ નથી. આ અંગે પોલીસે તાકીદે સજાગ થઇ સતત સખ્ત કાર્યવાહી કરવી જરૂરી છે.

(૧૪)        શહેરના કેટલાક ઇલેકટ્રીક સિગ્નલો બંધ છે જે તાકીદે ચાલુ કરાવવા જરૂરી છે અને અમને મળેલી માહિતી મુજબ નવા ઇલેકટ્રીકલ સિગ્નલોની દરખાસ્ત આર.એમ.સી. પાસે પેન્ડીંગ છે તે અંગે તાકીદે કાર્યવાહી શરૂ કરવામાં આવે અનેક રોડ ઉપરના વનવે, નો પાર્કિંગના બોર્ડ નથી અથવા જે છે તે વાંચી શકાય તેવા નથી. આ કાર્ય પણ પૂર્ણ કરવા તૂર્તજ પગલા ભરવા જોઇએ.

(૧પ) જે પોઇન્ટ ઉપર ટ્રાફિક પોલીસ ફરજ બજાવે છે ત્યાં આધુનિક કેમેરા લગાવી તેનું કેમેરા કન્ટ્રોલ રૂમમાંથી સુપરવિઝન કરાવવાથી સ્ટાફ સજાગ રહેશે. આ અમારો અભિપ્રાય છે ને પ્રજાને રાહત મળશે. નાની મોટી ઝુંબેશ ચલાવવાથી ટ્રાફિક સમસ્યામાં પ્રજાને રાહત મળશે નહી.

આ પત્રના સંદર્ભમાં આર.એમ.સી. કમિશ્નરશ્રીને અને પોલિસ કમિશ્નરશ્રી ને તાકિદે યોગ્ય કાર્યવાહી કરવા આદેશ આપવા વિનંતી.

તખુભા રાઠોડ

રાજકોટ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(4:04 pm IST)