Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ડો. કાલરીયા બોલુ છુ, એનઆરઆઇ ફંડ આવ્યું હોઇ કોવિડ હોસ્પિટલ બનાવવી છે-કહી વેપારી સાથે ૩૦ લાખની છેતરપીંડી

ડોકટર તરીકે ઓળખ આપનાર તુષાર લુહાર મુંબઇમાં પકડાતાં વિમલનગરના વેપારી મયુર વસોયાએ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ નોંધાવી : વેપારી મયુર વસોયા અને તેમના કાકા રમેશભાઇ વસોયા પાસેથી ટીએમટી સળીયા અને એસએસના પતરા લઇ પેમેન્ટ ન કરી ઠગાઇ કર્યાનો ગુનો

રાજકોટ તા. ૨૮: વિમલનગરમાં રહેતાં અને ૧૫૦ રીંગ રોડ પર તુલસી પાર્ક પાસે ક્રિષ્ના સ્ટીલ નામે સળીયા-પતરાનો વેપાર કરતાં પટેલ યુવાન અને તેના કાકાને    એક શખ્સે ફોન કરી પોતે ડો. કાલરીયા છે અને એનઆરઆઇ ફંડ આવ્યું હોઇ કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવા માટે સળીયા-પતરાનો માલ ખરીદવાનો છે તેમ કહી રૂ. ૩૦ લાખનો માલ મંગાવી પેમેન્ટ ચેકથી કર્યુ હતું. પરંતુ આ ચેક રિટર્ન થયા બાદ ડોકટર તરીકે ઓળખ આપનાર અને માલિયાસણમાં પતરાનો માલ ઉતારનાર એમ બંને ગાયબ થઇ ગયા હોઇ તે પૈકી એક થાણે મુંબઇમાં પકડાઇ જતાં આ મામલે ફરિયાદ નોંધાવાઇ છે.

આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે વિમલનગર-૨ કૃષ્ણકુંજ ખાતે રહેતાં અને ૧૫૦ રીંગ રોડ પર તુલસી પાર્ક-૧માં ક્રિષ્ના સ્ટીલ નામે વેપાર કરતાં તથા મેટોડા જીઆઇડીસી ખાતે ગોડાઉન ધરાવતાં મયુર જીવરાજભાઇ વસોયા (પટેલ) ઉ.વ. ૩૧)ની ફરિયાદ પરથી તુષાર બાબુભાઇ લુહાર અને તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૦૬, ૪૨૦ મુજબ રૂ. ૩૦,૧૯,૦૪૬ની ઠગાઇ કરવા અંગે ગુનો નોંધી સકંજામાં લેવા તજવીજ હાથ ધરી છે.

મયુર વસોયાએ પોલીસને જણાવ્યું છે કે ક્રિષ્ના સ્ટીલનો વહિવટ મારા કાકા રમેશભાઇ સંભાળે છે. તા.૨૨/૦૫/૨૦૨૧ના બપોરના સવા બેએક વાગ્યે મારા કાકા રમેશભાઇ વસોયાનો ફોન આવેલ અને મને એક મોબાઇલ નંબર આપી કહેલુ કે આ પાર્ટીને વ્હોટ્સએપ કરી ટીએમટી સળીયાના ભાવ આપવાના છે. જેથી મેં એ નંબર પર વ્હો્ટસએપથી વાત કરતાં તેણે પોતાની ઓળખાણ ડો. ડી. કે. કાલરીયા તરીકે આપી હતી. એ પછી મેં તેને ટી.એમ.ટી. સળીયાનો ભાવ આપેલ હતો. બાદ ડો. કાલરીયાએ મારા કાકા રમેશભાઇ સાથે ફોનમાં વાત કરી હતી. એ પછી મને વ્હોટ્સએપમાં ટી.એમ.ટી. સળીયા અને એસ.એસ.ના પતરાનો ઓર્ડર આપ્યો હતો. મેં પેમેન્ટની વાત કરતા જણાવેલ કે, તમે માલ મોકલી દો હું તમને પેમેન્ટ આર.ટી.જી.એસ.થી કરાવી દઇશ.

 ડો. કાલરીયાએ મારા કાકાને એવી વાત પણ કરી હતી કે મારે એનઆરઆઇ ફંડ આવ્યું હોવાથી મારે કોવિડ હોસ્પીટલ બનાવા માટે સળીયા અને પતરા જોઇએ છે.  એ પછી મને ઓર્ડર આપેલ ત્યારે ઓર્થો સર્જીકલ નામે બીલ બનાવવાનું જણાવેલ હતુ. ત્યારબાદ કાકા રમેશભાઇએ મને કહેલું કે માલ મોકલી દે, પેમેન્ટ ઓફિસેથી ચેકથી લેવાનું છે. એ પછી મેં ડો. કાલરીયા સાથે વાત કરી ટી.એમ. ટી. સળીયા ૨૫ ટન માલ મહેસાણાથી સાણંદ ટ્રાન્સપોર્ટમાં મોકલેલ હતો. તેમજ આ ડો.કાલરીયાએ માલીયાસણના પ્રકાશભાઇનો મોબાઇલ નંબર આપી ત્યાં એસ.એસ. પતરા ઓર્ડર મુજબ મોકલી આપવા જણાવતા મેં તા.૨૩/૦૫ના રોજ રાજકોટથી માલીયાસણ ટ્રાન્સપોર્ટમાં પતરા મોકલ્યા હતાં.

એ પછી પેમેન્ટ માટે મેં ડો.કાલરીયાને ફોન કરતા મને જણાવેલ કે ટ્રસ્ટીઓ હાલ મું બઇ હોય હું તમને કુરીયરમાં ચેક મોકલી આપુ છું તેમ વાત કરેલ હતી. બાદ ચેક તા.૨૬/૦૫/૨૦૨૧ ના રોજ કુરીયરમાં ચેક આવતા જે અભ્યુદય કો ઓપ બેંક લી.નો લુહાર તુષાર બાબુભાઇના ખાતાનો ક્રિષ્ના સ્ટીલનો રૂ. ૩૦,૧૯,૦૪૬નો ચેક હતો.  આ ચેક મેં અમારા આઇસીઆઇસીઆઇ બેંકમાં અમારૂ ક્રિષ્ના સ્ટીલનું ખાતુ હોઇ તેમાં નાંખ્યો હતો. પરંતુ બીજા દિવસે ચેક રિટર્ન થતાં મારા કાકાને જાણ કરી હતી અને અમારી સાથે છેતરપીંડી થયાની ખબર પડી હતી.

એ પછી અમે માલિયાસણ એસ. એસ. સ્ટીલમાં પતરાનો માલ મોકલ્યો હોઇ ત્યાં માલ લેનાર પ્રકાશભાઇનો સંપર્ક કરતાં સંપર્ક થયો નહોતો.  એ પછી અમને ડો.કાલરીયાએ સરનામું આપ્યું હતું તે જગ્યા માલીયાસણ ગ્રામ પંચાયતની સામે બસ સ્ટેન્ડની બાજુમાં તપાસ કરતા ત્યાં આ પ્રકાશભાઇએ માલીયાસણના ભુતભાઇ નાઓની દુકાન ભાડે રાખી હોવાનું જણાયું હતું.  ત્યાં અમે મોકલેલો માલ ક્રેઇનથી ઉતારાયાની પણ ખબર પડી હતી. તેમજઅહિથી ટેમ્પામાં માલ ભરાવાયો હોવાની પણ જાણ થઇ હતી. 

તેમજ સાણંદ  સરખેજ વિરમગામ હાઇવે એચ.પી. પેટ્રોલપંપની બાજુમાંનું આપેલ હતુ.  ટ્રકના ડ્રાઇવરને ફોન કરતા તેણે મને જણાવેલ કે મહેસાણા થી સાણંદ જી.આઇ.ડી.સી. ગેઇટ નં.૨માં માલ ઉતરાવેલ હતો. માલ લેનારનું નામ ભરતભાઇ હતું. એ પછી અમે તપાસ ચાલુ રાખી હોઇ એવી ખબર પડી હતી કે અમને  ડો.કાલરીયા તરીકે ઓળખાણ આપનારનું સાચુ નામ તુષાર બાબુભાઇ લુહાર છે અને એ થાણે પોલીસ સ્ટેશનમાં પકડાયો છે. જેથી અમારી સાથે ઠગાઇ થયાની ખબર પડતાં ફરિયાદ કરી હતી.

પીઆઇ એ. એસ. ચાવડાની રાહબરીમાં  હેડકોન્સ. બી. આર. ભરવાડે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. આરોપીનો કબ્જો મેળવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરાઇ છે. 

(2:56 pm IST)