Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

લોકડાઉનમાં ધંધામાં મંદી આવતાં દમણથી વેંચવા માટે દારૂ લાવ્યાનું રટણ

ટ્રાન્સપોર્ટનો ધંધાર્થી હાર્દિક ચૌહાણને ૩ લાખના દારૂ સાથે ક્રાઇમ બ્રાંચે પકડ્યો

જામનગર રોડ તિરૂપતી હાઇટ્સના પાર્કિંગમાં બબ્બે લિટરની ૧૭૨ બોટલો સહિત અલગ અલગ જથ્થો કબ્જેઃ અગાઉ વાપીમાં પણ દારૂ સાથે પકડાયો હતો : શકિતસિંહ ગોહિલ, મહેશભાઇ ચાવડા, સ્નેહભાઇ ભાદરકાની બાતમી પરથી પીઆઇ વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજાનો દરોડો

રાજકોટ તા. ૨૮: જામનગર રોડ પર તિરૂપતી હાઇટ્સ નામના એપાર્ટમેન્ટમાં આઠમા માળે ફલેટ નં. ૮૦૧માં રહેતાં અને છુટક ટ્રાન્સપોર્ટનું કામ કરતાં હાર્દિક મુકેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૦) નામના શખ્સે એપાર્ટમેન્ટના પાર્કિંગમાં વિદેશી દારૂનો જથ્થો ઉતારી ઢાંકી રાખ્યાની બાતમી મળતાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી રૂ. ૩,૯૭,૦૦૦નો દારૂ ઝડપી લઇ તેની ધરપકડ કરી છે.

કોન્સ. શકિતસિંહ ગોહિલ, મહેશભાઇ ચાવડા, સ્નેહભાઇ ભાદરકાની બાતમી પરથી આ દરોડો પાડવામાં આવ્યો હતો. પાર્કિંગમાંથી રોયલ ચેલેન્જર વ્હીસ્કીની બબ્બે લિટરની રૂ. ૧,૯૮,૦૦૦ની ૧૩૨ બોટલો, સિગ્નેચરની બબ્બે લિટરની રૂ. ૮૦૦૦૦ની ૪૦ બોટલો, તથા બ્લેન્ડર્સ પ્રાઇડની ૭૫૦ એમએલની રૂ. ૧૦૨૦૦ની ૧૨ બોટલો, રોયલ સ્ટેગ બેરેલની ૭૫૦ એમએલની રૂ. ૯૬૦૦ની ૨૪ બોટલો કબ્જે કરવામાં આવી હતી. તેમજ આરોપી હાર્દિક પાસેથી રૂ. ૫ હજારનો મોબાઇલ ફોન અને રૂ. ૫ હજાર રોકડા કબ્જે લેવાયા હતાં.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયા, પીઆઇ વી. કે. ગઢવીની રાહબરી-સુચના મુજબ પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ જયેશભાઇ નિમાવત, ચેતનસિંહ ચુડાસમા, હિતેન્દ્રસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતસિંહ પરમાર, કોન્સ. મહેશભાઇ ચાવડા, શકિતસિંહ ગોહિલ, સ્નેહભાઇ સહિતે આ કામગીરી કરી હતી.

હાર્દિકે એવું રટણ કર્યુ છે કે લોકડાઉનમાં ટ્રાન્સપોર્ટનો ધંધો ભાંગી પડ્યો હોઇ આર્થિક ભીંસ ઉભી થતાં પોતે દમણથી છુટક છુટક આ જથ્થો લાવ્યો હતો અને વેંચવા માટે ભેગો કર્યો હતો. જો કે પ્યાસીઓને વેંચે એ પહેલા પોલીસ આવી ગઇ હતી. આ શખ્સ અગાઉ વાપીમાં પણ કારમાં રૂ. ૪૬ હજારના ૨૩ બોટલ દારૂ સાથે પકડાઇ ગયો હતો. તેની વિશેષ પુછતાછ થઇ રહી છે. 

(2:53 pm IST)