Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

ગરીબલક્ષી યોજનાઓનો લાભ છેવાડાના માનવ સુધી પહોંચાડજો

પ્રશિક્ષણ ઈ-ચિંતન સત્રમાં અપેક્ષિત શ્રેણીના કાર્યકરોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનું માર્ગદર્શન

રાજકોટઃ કેન્દ્રીય ભારતીય જનતા પાર્ટીની યોજના અનુસાર સમગ્ર દેશભરમાં કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખી ઈ-ચિંતન સત્ર તબક્કાવાર યોજવામાં આવી રહ્યા છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલના નેતૃત્વમાં છેલ્લા એક માસથી દર મંગળવારે પ્રદેશ કક્ષાએ અને દર શુક્રવારે જિલ્લા અને મહાનગર કક્ષાનાં જુદા જુદા વિષયો પર ઈ-પ્રશિક્ષણ સત્રનું આયોજન કરવામાં આવે છે. આ અંતર્ગત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પ્રદેશ કક્ષાના અભ્યાસ વર્ગમાં ગરીબલક્ષી યોજનાઓની ઉપલબ્ધીઓ વિષય પર વિસ્તૃત માહિતી પુરી પાડી હતી. જેમાં ખાસ કરીને જનસંઘનાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીએ આપેલા એકાત્મ માનવવાદ અને છેવાડાના માનવીનો સર્વાંગી વિકાસ થાય તેને ધ્યાનમાં રાખી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં નેતૃત્વમાં કેન્દ્ર સરકાર કાર્ય કરી રહી છે ત્યારે ૨૦૧૪માં નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી ભાજપા સરકારે સૌ પ્રથમ ગરીબ અને મધ્યમવર્ગીય લોકો માટે જનધન યોજના અમલમાં મૂકી. જેમા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના બેંકમાં ખાતા ખોલાવી સરકાર સહાયરૂપ બને તે દિશામાં સૌ પ્રથમ પહેલ કરી હતી ત્યારે આ અભ્યાસ વર્ગમાં વિજયભાઈ રૂપાણીએ નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી સરકાર દ્વારા કરવામાં આવેલ સાત વર્ષની સિદ્ધિઓ અને ખાસ કરી ગરીબલક્ષી યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ યોજનાઓને ઘર ઘર સુધી લઈ જવા માટે કાર્યકર્તાઓને શીખ આપી હતી. પ્રદેશ કક્ષાના આ અભ્યાસ વર્ગમાં શહેર ભાજપ કાર્યાલય ખાતે કમલેશ મીરાણી, જીતુ કોઠારી, નરેન્દ્રસિંહ ઠાકુર અને અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓ જોડાયા હતા.

(2:47 pm IST)