Gujarati News

Gujarati News

News of Wednesday, 28th July 2021

એથ્લેટીકસમાં ગોલ્ડ મેળવનાર રમતવીર દેવયાની ઝાલા પંજાબ ખાતે ફરી ગોલ્ડ મેડલ હાંસિલ કરે તેવી શુભેચ્છાઓ : રાજુભાઇ ધ્રુવ

સૌરાષ્ટ્ર સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ કાઉન્સીલ દ્વારા એથ્લેટસ દેવ્યાનીનું સન્માન

 રાજકોટઃ  તા.૨૮, રાજકોટ અને સૌરાષ્ટ્રનું ગૌરવ સમાન એથ્લેટીકસ ખેલાડી દેવયાની મહેન્દ્રસિંહ ઝાલાએ તાજેતરમાં રાજ્યકક્ષાની ૧૦૦/૨૦૦ મીટરની દોડમાં પ્રથમ ક્રમાંક હાંસિલ કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યું છે ત્યારે આવતા નજીકના ભવિષ્યમાં  પંજાબમાં સંગરૂર ખાતે યોજાનાર એથ્લેટીકસમાં તેઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા જઇ રહ્યા છે જે બાદ ત્યાંથી તેઓ આફ્રિકાના કેન્યા ખાતે ભારતનું પ્રતિનિધિત્વ કરવા પસંદગી પામે તેવી શકયતા છે આ માટે સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ એન્ડ કલ્ચરલ કાઉન્સિલ દ્વારા શુભેચ્છા સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ પણ ઉપસ્થિત રહ્યા હતા અને બધાએ આ તકે રાજકોટની રમતવીર દીકરી દેવ્યાનીને શુભેચ્છા પાઠવી હતી.

 સૌરાષ્ટ્રમાં રમત ગમત અને કળા સાહિત્ય સામાજિક ક્ષેત્રો માટે પ્રોત્સાહન આપતી સંસ્થા એટલે સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ એન્ડ કલચરલ કાઉન્સિલ. આ સંસ્થા દ્વારા યુવા ખેલાડી અને કલાકારો  પ્રોત્સાહન આપવા માટે  કાર્યક્રમનું આયોજન કરવામાં આવતા હોય છે. અહિંના રેસકોર્સના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં રાજ્યકક્ષાની ૧૦૦/૨૦૦ મીટરની દોડમાં દેવ્યાની ઝાલા  પ્રથમ આવતા સૌરાષ્ટ્ર સ્પોર્ટ્સ એન્ડ કલચરલ કાઉન્સિલ દ્વારા સન્માન કાર્યક્રમ સોશ્યલ ડિસ્ટન્સ અને કોરોના ગાઇડલાઇન  પ્રોટોકોલ  મુજબ યોજવામાં આવ્યો હતો.

 આ સંસ્થાના ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌરાષ્ટ્ર ભાજપના  પ્રવકતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે રાજકોટ ની દીકરી કુમારી દેવયાની ઝાલા રાજકોટ અને ગુજરાતનું ઘરેણું છે. રાજકોટના ગૌરવ સમાન આ ખેલ રત્ન એ આ અગાઉ પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ રાજકોટ-સૌરાષ્ટ્ર ને ગૌરવ અપાવેલ છે. દેવયાની ઝાલા અનેક તકલીફો વચ્ચે સંઘર્ષ કરી પોતાની રમતવીર તરીકેની કારકિર્દીની કેડી કંડારી રહ્યા છે. દેવયાનીના પિતા મહેન્દ્રસિંહ ઝાલા તથા સમગ્ર પરિવાર તરફ થી દેવયાની ને રમતમાં ભાગ લેવા  ખુબ સહકાર અને હૂંફ મળેલ છે. 

વધુમાં તેમણે જણાવ્યું હતું કે , દેવયાની આગામી તા.૩૧ જુલાઈના રોજ પંજાબના સંગરુર ખાતે યોજાનાર ૧૦૦/૨૦૦ મીટરની એથ્લેટીકસ દોડ ૧૯મી જુનિયર ફેડરેશનની એથ્લેટીકસ દોડમાં ભાગ લેશે. તેમાં કવોલિફાઈડ થઇ તેણી આંતરરાષ્ટ્રીય કક્ષાની આફ્રિકાની નૈરોબી ખાતેની ૨૦ મી વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશીપમાં ભાગ લઇ શકે તેમ છે. રાજુભાઈએ કુમારી દેવયાનીને સ્પર્ધામાં વિજેતા બનવા તથા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.

  આ કાર્યક્રમમાં રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડ માં દોડતા- જોગિંગ કરતા રાજકોટ શહેર નાયબ પોલીસ કમિશ્નર શ્રી મનોહરસિંહ જાડેજાએ પણ કુ. દેવયાની ઝાલા રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ખેલ કુદના અવનવા સોપાન સર કરે એ માટે   શુભકામના પાઠવી હતી.

 સૌરાષ્ટ્ર સ્પોર્ટસ એન્ડ કલ્ચરલ કાઉન્સિલ દ્વારા દેવયાની ઝાલાને શ્રી રાજુભાઈ ધ્રુવ તથા ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી મનોહરસિંહ જાડેજાના વરદ હસ્તે  પ્રોત્સાહન સ્વરૂપે ટ્રોફી , સ્પોર્ટ્સ કીટ અને રોકડ પુરસ્કાર એનાયત કરાયું હતું. તેમજ બલરાજસિંહ રાણા, શ્રી રાજદીપસિંહ ઝાલા, શ્રી નરેન્દ્રસિંહ જાડેજા , ભાવિકભાઈ અગ્રાવત ,અલ્લાઉદીનભાઈ  અને અન્ય દ્વારા શુભેચ્છા-સન્માન આપવામાં આવ્યું હતું.

 આ કાર્યક્રમમાં રેસકોર્સ એથ્લેટિક ગ્રાઉન્ડમાં ર્મોનિંગ વોક લેતા  અને દોડમાં ભાગ લેતા અગાવ એવોર્ડ મેળવનાર રસુલભાઈથી લઈ નાની વયના બાળ ખેલાડી શૌર્યથી સિનિયર સિટીજન દોડવીર શ્રી શશીભાઈ સુધીના ખેલાડીઓ તેમજ રમત ગમત ના  પ્રોત્સાહન માટે શ્રી હસુભાઈ વસોયા, કિશોરભાઈ હાપલિયા,શ્રી સતિષભાઈ રુઘાણી, શ્રી  પ્રભુદાસભાઈ રાજાણી, મુજમીલભાઈ સુધાગુણીયા, દિલીપભાઈ કુંડલીયા દંપતી,  અમિતભાઇ ધ્રુવ, અરવિંદભાઈ જોશી, સંજયભાઈ લોટીયા, વિગેરે ઉપસ્થિત રહયા હતા. 

(12:55 pm IST)