Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

શિક્ષકોના પડતર પ્રશ્નો ઉકેલવા શિક્ષક સંઘની માંગઃ આવેદન

 રાજકોટ તા. ર૮ :.. રાજયના ગ્રાન્ટેડ શાળાઓના શિક્ષકના પડતર પ્રશ્નો ઉકેલવા શિક્ષક સંઘ દ્વારા માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું છે.

આવેદન પત્રમાં જણાવેલ છે કે માર્ચ ર૦૧૯ ની એસએસસી તથા એચ. એસ. સી. ની પરીક્ષાની કામગીરીનો  પડતર પ્રશ્નો બાબતે બહિષ્કાર કરેલો  જે પ્રશનોનાં ઉકેલ બાબતે નાણામંત્રીશ્રી અને શિક્ષણમંત્રીશ્રીની મધ્યસ્થીથી સમાધાન કરવામાં આવ્યુ હતું. આ પ્રશ્નોનો આજે પણ ઉકેલ આવ્યો નથી.  ઘણો સમય વીતી ગયો છે જેથી ગ્રાન્ટેડ શાળાઓના કર્મચારીઓમાં ખૂબ અસંતોષ પ્રવર્તી રહ્યો છે.

આવેદન પત્રમાં જણાવ્યું છે કે પ્રાથમિક શિક્ષકોની જેમ પાંચ વર્ષની ફીકસ પગારની નોકરી સળંગ ગણવા માટેનો ઠરાવ થયેલ છે તે અમોને લાગુ પડવા માટે  નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ દ્વારા સ્વીકારવામાં આવેલ છે જેનો  ઉકેલ આવેલ નથી.  કર્મચારીઓની વર્ગ ઘટાડો થતા કે શાળા બંધ થતા બિન શરતી કાયમી ફાજલનું રક્ષણ આપવા માટે   માગણી હતી. જેનો પણ ઉકેલ આવ્યો નથી.

સરકારશ્રી દ્વારા રાજયના સરકારી કર્મચારીઓને સાતમા પગારપંચનું એરિયર્સ પાંચ મહિનામાં ત્રણ હપ્તામાં ચુકવવામાં આવેલ છે. જયારે ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉ. મા. શાળાઓના કર્મચારીઓને સાતમાં પગાર પંચનું એરિયર્સ પાંચ વાર્ષિક હપ્તામાં ચૂકવવા માટે જાહેર કરવામાં આવેલ હતી. પરંતુ અત્યાર સુધી એક જ હપ્તો ચુકવવામાં આવેલ છે. ગત હિસાબી વર્ષમાં બીજો હપ્તો ચુકવવાનો બાકી છે તે અને ચાલુ હિસાબી વર્ષનો ત્રીજો હપ્તો તાત્કાલીક ગ્રાન્ટેડ મા. અને ઉ.મા. શાળાઓના કર્મચારીઓને ચૂકવવા  માંગણી છે.

રજૂઆત સમયે નરશીભાઇ પટોરીયા, પ્રમુખ, વિલાસગીરી ગોસ્વામી મહમંત્રી, રાજકોટ શહેર માધ્યમિક શિક્ષક સંઘના બહાદુરભાઇ ડાંગર-પ્રમુખ તથા જેન્તીલાલ મારકણા મહામંત્રી, રાજકોટ જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના હીતેન્દ્રભાઇ પંડયા -પ્રમુખ, તથા ડો. લીલાભાઇ કડછા મહામંત્રી  તથા રાજકોટ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘ પણ ઉપસ્થીત રહ્યા હતા.

(3:17 pm IST)