Gujarati News

Gujarati News

News of Tuesday, 28th July 2020

વ્યવસાયિક વ્યકિતઓ માટે ઇન્કમટેક્ષ પ્લાનીંગ

વ્યવસાયિક વ્યકિતઓ એટલે કોઇ પણ વ્યકિત પોતાની બુધ્ધી અનુસાર પોતાનો વ્યવસાય કરતા હોઈ તેને વ્યવસાયિક વ્યકિત કહેવામાં આવે છે. જેમાં, સામાન્ય રીતે વકીલ, સી.એ., આર્કીટેક, જમીન તથા મકાનના બ્રોકરો, શેર બ્રોકરો આર ટી ઓ એજન્ટ, ઈન્સ્યોરન્સ એજન્ટ કે જેઓને ફકત વ્યવસાયિક વ્યકિત તરીકેની આવક હોય છે.

વ્યવસાયીક વ્યકિતઓને પગાર તેમજ ઈન્સેન્ટીવ એટલે કે વધારાનો કામનો વળતર પણ આપવામાં આવે છે. વ્યવસાયીક આવક સામે આવકવેરાના કાયદા મુજબ આવક કમાવવા માટે કરેલ તમામ ખર્ચા તેઓ કુલ આવકમાંથી બાદ લઇ શકે છે. જેમકે દુકાન - ઓફીસનું ભાડુ, વાહનોનો ઘસારો, પેટ્રોલ ખર્ચા, ટ્રાવેલીંગ ખર્ચ, ઓફીસ સ્ટાફનો પગાર, પરચુરણ ખર્ચ આ બધા ખર્ચાઓ વ્યવસાયીક આવકમાંથી બાદ મળી શકે છે. કારણ કે આ બધા ખર્ચા વ્યાવસાયીક આવક કમાવવા માટે કરવામાં આવે છે.

પગારદારોને પગાર ઊપરાંત વધારાની આવક તરીકે ઇન્સેન્ટીવ મળે છે તે પણ પ્રોફેશનલ આવક ગણાય છે. આમ તેઓને પગાર આવક એટલે પ્યોર સેલેરી ઈન્કમ ગણવામાં આવે છે જેમાંથી તેઓને સ્ટાન્ડર્ડ ડીડકશન રૂ. ૫૦૦૦૦ બાદ મળવા પાત્ર છે જયારે, ઇન્સેન્ટીવ આવક અથવા વધારાની આવક કમાવવા માટે તેઓએ જે પ્રયત્ન કર્યા હોઈ એ પ્રયત્ન સામે ઊપર જણાવ્યા મુજબ ઓફીસભાડુ, સ્ટાફના પગાર, પેટ્રોલ ખર્ચ, ટ્રાવેલીંગ ખર્ચ, ઘસારો વગેરે ખર્ચ કરેલ હોય તો તે બાદ લઈ શકાય છે. આમ તેઓના ઈન્કમટેક્ષ રીટર્નમાં બે પ્રકારની આવક આવે (૧) પગાર આવક (૨) વ્યવસાયિક આવક (પ્રોફેશનલ ઈન્કમ).

મેડીકલ સુપર સ્પેશીયાલીસ્ટ  ડોકટરો માટે ખાસ

ઘણી મોટી પ્રાઈવેટ કે પબ્લીક લીમીટેડ અથવા ભાગીદારી મોટી હોસ્પિટલોમાં ઘણા ડોકટરો સેવા આપતા હોય છે. તે ડોકટરોને તેમના ઓપરેશન દીઠ તેમજ ઓ.પી.ડી. દીઠ તેમના કાર્ય અનુસાર કન્સલ્ટીંગ ફી ચુકવવામાં આવે છે. અને તેમાથી ૧૦ ટકા ટી.ડી.એસ. પણ કાપવામાં આવે છે. આ ઉપરાંત ઘણી વખત મિનીમમ કન્સલ્ટીંગ રકમ માસિક ધોરણે પણ આપવામા આવે છે. જયારે ૬ મહિને કે ૧૨ મહિને જે તે ડોકટર દ્વારા થયેલ ઓપરેશન કે ઓ.પી.ડી. ની ગણતરી કરીને ચુકવવામાં આવે છે. આ રકમ પણ વ્યાવસાયીક વ્યકિતની કન્સલ્ટીંગ આવક ગણાય અને તેમને પણ વ્યવસાય કરવા માટે પેટ્રોલ ખર્ચ, મોટર ઘસારો, સ્ટાફ ખર્ચ, ડ્રાઇવર ખર્ચ વગેરે ખરેખર કરેલ ખર્ચ તરીકે બાદ માગી શકે. અને ત્યારે જે કાંઇ નેટ કન્સલ્ટીંગ આવક આવતી હોય તેમાથી આવકવેરા કલમ-૮૦ નીચેના જે કોઇ બાદ મળવાનેપાત્ર હોય તે બાદ મેળવી શકે છે.

આવકવેરા કલમ ૮૦ મુજબ જે કાંઈ રોકાણ કે ખર્ચ કર્યું હોઈ તે ઊપરોકત કરદાતાઓને બાદ મળી શકે જેમા કલમ ૮૦સી મુજબ રૂ. ૧,૫૦,૦૦૦નો રોકાણ (જેમાં એલ.આઈ.સી, પી.પી.એફ. હાઊસીંગ લોનનાં હપ્તા વગેરે) રૂ. ૧,૫૦,૦૦૦ સુધી, કલમ ૮૦ડી મુજબ મેડીકલેઇમ પ્રીમીયમ, હાઉસીંગ લોનનું વ્યાજ વગેરે. ઘણા વ્યવસાયી વ્યકિતઓ પોતાનુ રીટર્ન ભરતા નથી પરંતુ ઊપરોકત બધા ખર્ચાઓ બાદ કરતા તેમની આવક રૂ. ૫,૦૦,૦૦૦ થી ઓછી થતી હોય તો તેઓને ટેક્ષ ભરવાનો પણ નથી થતો. અમારી ભલામણ મુજબ તમામ વ્યવસાયિક વ્યકિતઓએ આવકવેરાનું રીટર્ન તો ભરવુ જ જોઈએ જેથી ભવિષ્યમાં તેઓએ બેંકની લોન, ઓફીસ તથા ફર્નીચર ખરીદવા, કોમ્પ્યુટરો, વાહનો ખરીદવા તેમજ હાઊંસીગ લોન લેવા માટે પણ તમામ બેંકો કે ફાઈનાન્સિયલ ઈન્સ્ટીટ્યુટો છેલ્લા બે વર્ષના ઈન્કમટેકસ રીટર્ન રજુ કર્યા બાદ જ લોન પાસ કરતા હોય છે. તેમજ કરદાતાની અંગત મુડીમાં વધારો થાય છે.

હિસાબી વર્ષ ૨૦૧૮-૧૯ નું ઈન્કમટેક્ષ રીટર્ન ૩૧મી જુલાઇ સુધીમાં ભરી શકાશે

આવકવેરા કાયદા મુજબ હિસાબી વર્ષ ૨૦૧૮-૧૯નું ઈન્કમટેકસ રીટર્ન જેમને ભરવાનું બાકી હોય તેઓ ૩૧મી જુલાઈ ૨૦૨૦ પહેલા ભરે અને જેમની નેટ આવક રૂ. ૨,૫૦,૦૦૦થી ઓછી હોય તો કોઈ પણ જાતનો દંડ કે વ્યાજ લાગતો નથી. પરંતુ નેટ આવક રૂ. ૫,૦૦,૦૦૦ થી નીચે હોય તો ફકત રૂ. ૧૦૦૦ની પેનલ્ટી જ છે. જયારે હિસાબી વર્ષ ૧૯-૨૦નું રીટર્ન ઓકટોબર ૨૦૨૦ પહેલા ભરવાનું થશે તે માટે ઘણો સમય છે.

: આલેખન :

મનાલી એન. કામદાર

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ,

રાજકોટ

મો. ૯૪૨૮૨ ૬૯૫૮૩

Email : info@nitinkamdar.com

(9:43 am IST)