Gujarati News

Gujarati News

News of Saturday, 28th July 2018

પ્રમુખ પદ સામાન્ય વર્ગ માટે હોવા છતા બક્ષીપંચ મહિલાને પ્રમુખ બનાવાતા અમે નારાજઃ નિલેશ વિરાણી

પાટીદારોને કારણે પંચાયતમાં કોંગ્રેસનું શાસન આવ્યાનો પૂર્વ પ્રમુખનો દાવો

રાજકોટ, તા. ૨૮ :. જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી હમણા જ નિવૃત થયેલા કોંગ્રેસના નિલેશ વિરાણીએ નારાજગીનુ કારણ જાહેર કરતા જ્ઞાતિવાદ આધારીત ધડાકો કર્યો છે.

ગઈકાલે સામાન્ય સભામાં ભાજપ સમર્થિત બાગીઓનું નેતૃત્વ કરનાર નિલેશ વિરાણીએ સભા બાદ પત્રકારોને જણાવેલ કે, પંચાયતમા આ વખતે અઢી વર્ષ સામાન્ય વર્ગની મહિલા માટે પ્રમુખ પદ હોવા છતાં પાર્ટીએ બક્ષીપંચના અલ્પાબેન ખાટરિયાની પસંદગી કરતા સભ્યો નારાજ થયા હતા તેથી અમારે તેમની વિરૂદ્ધ વલણ અખત્યાર કરવુ પડયુ છે. અમે કોંગ્રેસમાં જ છીએ. વ્યકિતગત કોઈને ભાજપમા જોડાવુ હોય તો જોડાઈ શકે છે. હું કયારેય ભાજપમાં જોડાવાનો નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, એક મહિના પહેલા સામાન્ય સભા વખતે ખુદ વિરાણીએ જ સર્વાનુમતી મુજબ પ્રમુખ પદ માટે અલ્પાબેનને મત આપ્યો હતો.

કોંગીના બીજા સભ્ય ચંદુભાઈ શીંગાળાએ પોતાની નારાજગી પ્રદેશની નેતાગીરી સામે હોવાનું અને લોકોના કામો ન થતા હોવાથી બળવાનો માર્ગ લીધાનું તેમણે જણાવ્યુ હતું. તેમણે ભાજપમાં જોડાવા બાબતે કહેલ કે હાલ એવી કોઈ બાબત નથી. તેમનો હાલ શબ્દ સૂચક ગણવામાં આવે છે.

(12:30 pm IST)