Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

વીજ તંત્રના રૈયા રોડ તથા માધાપર સબ ડિવીઝનનું બાયફરકેશન

કુલ ૬૮ હજારથી વધુ ગ્રાહકોને રાજકોટ-૨માં ફેરવવાની દરખાસ્‍ત બોર્ડ મીટીંગમાં મંજૂર કરી દેવાઇ : રાજકોટ-૩માંથી હવે રાજકોટ-૨માં ગણાશે : બંનેના વહિવટી નિયંત્રણ અલગ-અલગ કરાતા ગ્રાહકોને સીધો ફાયદો

રાજકોટ તા. ૨૮ : પીજીવીસીએલ રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળની શહેર વિભાગીય કચેરી -૩ રાજકોટ ના કાર્યબોજ અને ભૌગોલિક વિસ્‍તારને ધ્‍યાનમાં લઈ અધિક્ષક ઈજનેરશ્રી, શહેર વર્તુળ કચેરી રાજકોટ દ્વારા શહેર વિભાગીય કચેરી -૩ રાજકોટ હેઠળની રૈયારોડ પેટા વિભાગીય કચેરી અને માધાપર પેટા વિભાગીય કચેરીને શહેર વિભાગીય કચેરી - ૩ રાજકોટ માંથી શહેર વિભાગીય કચેરી - ૨ રાજકોટના વહીવટી નિયંત્રણ હેઠળ ફેરવવા માટે પીજીવીસીએલ નિગમિત કચેરી રાજકોટને દરખાસ્‍ત રજૂ કરેલ. પીજીવીસીએલ બોર્ડ દ્વારા ગત ૧૪૦મી બોર્ડ મિટિંગમાં સદર દરખાસ્‍તને મંજૂરી આપવામાં આવેલ છે. આમ પીજીવીસીએલ મેનેજમેન્‍ટ દ્વારા રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળની રૈયા રોડ પેટા વિભાગીય કચેરી અને માધાપર પેટા વિભાગીય કચેરીનાં વહીવટી નિયંત્રણનું બાયફરકેશન કરવામાં આવ્‍યું છે.

શહેર વિભાગીય કચેરી - ૩ હેઠળનો ભૌગોલિક વિસ્‍તાર ઘણોજ મોટો હોઈ શહેર વિભાગીય કચેરી - ૨ ની સરખામણીએ કાર્યબોજ વધુ રહેતો હોય તેનું ભારણ ઘટાડવા તેમજ રાજકોટના ઝડપી અને સતત વિકાસશીલ વિસ્‍તાર એવા રૈયા રોડ તેમજ માધાપરમાં નવા બાંધકામને કારણે નવા વીજ કનેકશનોની સંખ્‍યા વધતી હોય શહેર વિભાગીય કચેરી - ૩ તેમજ શહેર વિભાગીય કચેરી - ૨ બન્ને હેઠળ આવતા વીજ ગ્રાહકોને વીજ સેવા વધુ સારી, સાતત્‍યપૂર્ણ, સંતોષકારક રીતે પૂરી પાડી શકાય તે હેતુથી તેમના વહીવટી નિયંત્રણનું બાયફરકેશન કરવામાં આવ્‍યું છે.

રૈયારોડ પેટા વિભાગીય કચેરી અને માધાપર પેટા વિભાગીય કચેરી રાજકોટનો આશરે ૧૦૧ સ્‍ક્‍વેર કી.મી. વિસ્‍તાર, ૧૩૪.૩૬ કી.મી. એચ.ટી. લાઈન, ૩૦૧.૬૬ એલ.ટી. લાઈન તેમજ કુલ ૬૮૦૯૧ જેટલા ગ્રાહકોને શહેર વિભાગીય કચેરી -૩ રાજકોટ માંથી શહેર વિભાગીય કચેરી -૨, રાજકોટ ના વહીવટી નિયંત્રણ હેઠળ ફેરવવા માટે ની દરખાસ્‍ત પીજીવીસીએલ મેનેજમેન્‍ટ દ્વારા તા. ૨૩.૦૬.૨૦૨૨ ના રોજ મંજુર કરવામાં આવેલ છે. આમ હવેથી રૈયા રોડ પેટા વિભાગીય કચેરી અને માધાપર પેટા વિભાગીય કચેરી રાજકોટ શહેર વિભાગીય કચેરી - ૨ ના નિયંત્રણ હેઠળ કાર્યરત રહેશે.

(4:11 pm IST)