Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

મિત્રના જન્‍મ દિવસની ઉજવણી કર્યા બાદ તેનો ખર્ચ કાઢવા ત્રણ છાત્રોએ ખીલાસરીની ચોરી કરી

યુનિવર્સિટી પોલીસે રૈયા રોડ પર આવેલી શ્રી હરી એમ્‍પાયરની સાઇટ પરથી કૃષ્‍ણપાલસિંહ વાઘેલા બે સગીર સહિત ત્રણને દબોચ્‍યાઃ આઇ-ર૦, સ્‍કોર્પીયો અને ચોરાઉ ખીલાસરી કબ્‍જે

રાજકોટ : રૈયા રોડ તુલસી સુપર માર્કેટની સામે આવેલી શ્રી હરી એમ્‍પાયર નામની નવા બનતા બીલ્‍ડીંગની સાઇટ પરથી યુનિવર્સિટી પોલીસ મથકના પીએસઆઇ એ. બી. જાડેજા સહિતના સ્‍ટાફે એક આઇ.-ર૦ કારને શંકાના આધારે અટકાવી હતી. પોલીસે તલાસી લેતા કારમાંથી ૧પ૦ કિલો વજનની લોખંડની રિંગ મળી આવતા જે બાબતે પોલીસે કાર ચાલક કૃષ્‍ણપાલસિંહની પુછપરછ કરતાં તેણે શરૂઆતમાં ગલ્લા-તલ્લા કર્યા બાદ લોખંડની રીંગ તેના બે મિત્ર અરમાન અને હર્ષ સાથે મળી રૈયા રોડ પર સુપર માર્કેટ સામે રણજીતભાઇ વજુભાઇ પીઠડીયા (રહે. કાલાવડ રોડ સ્‍વામી નારાયણ મંદિરની પાછળ)ની શ્રી હરી એમ્‍પાયરની સાઇટ પરથી ચોરી કર્યાની કબુલાત આપી  હતી. પોલીસે કાર કબ્‍જે કરી કૃષ્‍ણપાલની ધરપકડ કરી તેના બે મિત્ર અરમાન અને હર્ષને પણ સ્‍કોર્પીયો સાથે પકડી લીધા હતા. બાદ પોલીસે ત્રણેયની વધુ પુછપરછ કરતા કૃષ્‍ણપાલસિંહ કરણસિંહ વાઘેલા (રહે. સાધુવાસવાણી રોડ ટોપલેન્‍ડ રેસીડેન્‍સી) એસએનકે સ્‍કુલમાં ધોરણ ૧ર સુધી અભ્‍યાસ કરતો હતો. તેના બે મિત્રો ધોળકીયા સ્‍કુલમાં અભ્‍યાસ કરતા હતા. ગઇકાલે મિત્રનો જન્‍મદિવસ હોઇ ત્રણેય મિત્રોએ કાલાવડ રોડ પર આવેલા રીસોર્ટમાં જન્‍મદિવસની ઉજવણીનો પ્‍લાન કર્યો હતો. પરંતુ રીસોર્ટનો ખર્ચ દશ હજાર જેટલો થવાનો હોઇ ચોરી કરવાનો પ્‍લાન ઘડયો હતો અને ચોરી કરવા જવા માટે કૃષ્‍ણપાલસિંહ કાર લઇ આવ્‍યો  હતો. બે મિત્રો અરમાન અને હર્ષ મુંબઇ જવાના બહાને રૂા. ૪પ૦૦ માં સ્‍કોર્પીયો ભાડે કરી હતી અને ગઇકાલે વહેલી સવારે ત્રણેય મિત્ર બે વાહનમાં નવી બની રહેલી સાઇટ પર પહોંચ્‍યા હતા અને ૭પ૦૦ ની કિંમતની ૧પ૦ કિલો લોખંડની ખીલાસરીની ચોરી કરીને ચોરાઉ મુદ્દામાલ આઇ-ર૦માં નાખી કૃષ્‍ણપાલ વેંચવા જતો હોવાની કબુલાત આપતા પોલીસે ત્રણેયને પકડી લઇ આઇ-ર૦, કોર્સ્‍પીયો અને ચોરાઉ ખીલાસરી મળી રૂા. ૧ર,૦૭,પ૦૦ નો મુદ્દામાલ કબ્‍જે કરી કાર્યવાહી કરી હતી. આ કામગીરી પીઆઇ એ.બી. જાડેજાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી. જાડેજા, હેડ કોન્‍સ. રાજેશભાઇ મિયાત્રા, સિધ્‍ધરાજસિંહ, યુવરાજસિંહ, ભગીરથસિંહ, ઇકબાલભાઇ, વજરાજભાઇ, બલભદ્રસિંહ, ગોપાલસિંહ, દિવ્‍ય રાજસિંહ, બ્રીજસિંહ તથા અજીતસિંહ પરમાર દ્વારા કરવામાં આવી હતી.

(3:54 pm IST)