Gujarati News

Gujarati News

News of Tuesday, 28th June 2022

રિક્ષાચાલક સુનિલ ડાભીનો મુસાફર જીજ્ઞેશ નંદાને લૂંટવાનો પ્રયાસઃ જીજ્ઞેશે પોતાના ભાઇ સાથે મળી આરોપીને દબોચ્‍યો

મોડી રાતે માધાપર ચોકડીથી બેડી ચોકડીએ જવા રિક્ષામાં બેઠેલા ભાનુશાળી યુવાન સાથે બનાવ :જીજ્ઞેશ રિક્ષામાં બેઠો ત્‍યારે જ ચાલક પર શંકા હોઇ પોતાના ભાઇ નિતીનને ફોન કરી સામે આવવા જણાવ્‍યું હતું અને ફોન પણ ચાલુ રાખ્‍યો હતોઃ એ વખતે જ ચાલકે પોત પ્રકાશી લૂંટવાનો પ્રયાસ કર્યોઃ ત્‍યાં જ નિતીન આવી પહોંચતા બંને ભાઇઓએ મળી ઝપાઝપી કરી આરોપી સુનિલ ડાભીને દબોચી ગાંધીગ્રામ પોલીસને સોંપ્‍યો:લૂંટનો પ્રયાસ કરનાર આરોપી સુનિલ ડાભી અને તેની રિક્ષા

રાજકોટ તા. ૨૮: માધાપર ચોકડી નજીક મોડી રાત્રે એક રિક્ષાચાલકે મુસાફર મોરબી રોડ પર રહેતાં ભાનુશાળી યુવાનને બેડી ચોકડીએ મુકવા જતી વખતે રસ્‍તામાં રિક્ષા ઉભી રાખી છરી બતાવી જે હોય તે આપી દેવાનું કહેતાં મુસાફર તે વખતે પોતાના ભાઇ સાથે ફોનમાં વાત કરી રહ્યો હોઇ તેનો ભાઇ દેકારો સાંભળી તાબડતોબ બનાવ સ્‍થળે પહોંચી જતાં રિક્ષાચાલકને દબોચી લીધો હતો અને પોલીસને સોંપ્‍યો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મોરબી રોડ પર બ્રહ્માણી પાર્ક સામે શક્‍તિ પાર્ક મેનઇ રોડ પર વૈદિક વિહાર સોસાયટીમાં ગાત્રાડ વિલા ખાતે રહેતો અને પ્રાઇવેટ નોકરી કરતો જીજ્ઞેશ મહેશભાઇ નંદા (ઉ.વ.૩૦) નામનો ભાનુશાળી યુવાન ગઇકાલે સગાના બેસણામાં જામનગર ગયો હતો. રાતે બારેક વાગ્‍યે તે જામનગરથી રાજકોટ આવી માધાપર ચોકડીએ ઉતર્યો હતો. અહિથી બેડી ચોકડી જવું હોઇ  એક રિક્ષા ઉભી હોઇ તેના ચાલકને બેડી ચોકડીએ જવાનું ભાડુ પુછતાં તેણે રૂા. ૪૦ કહ્યા હતાં. રકઝક બાદ તે આગળ ચાલવા માંડતા રિક્ષાવાળો રિક્ષા લઇને પાછળ આવ્‍યો હતો અને રૂા. ૨૦માં લઇ જશે તેમ કહેતાં જીજ્ઞેશ તેમાં બેસી ગયો હતો.

રિક્ષા માધાપર ઓવર બ્રિજ પર ચડી જતાં જીજ્ઞેશે પોતાના ભાઇ નિતીનને ફોન જોડયો હતો અને પોતે રસ્‍તામાં છે પોતાને બેડી ચોકડીએથી તેડી જવા કહ્યું હતું. જીજ્ઞેશને રિક્ષાચાલક પહેલેથી થોડો શંકાસ્‍પદ લાગ્‍યો હોઇ તેણે તેના ભાઇ નિતીનને ફોન ચાલુ રાખી સામે આવવા કહી દીધું હતું.

એ દરમિયાન ચાલકે ઓવર બ્રિજની વચ્‍ચે પહોંચ્‍યા બાદ રોડ સાઇડમાં રિક્ષા ઉભી રાખી દીધી હતી અને ઉતરીને પાછળ આવી જીજ્ઞેશનો કાંઠલો પકડી ગાળો દઇ ‘મારી પાસે છરી છે, જો તું કોઇ જાતનો અવાજ કરી શ તો મારી નાંખીશ' તેમ કહેતાં જીજ્ઞેશ ડરી ગયો હતો અને ચુપચાપ બેસી રહ્યો હતો. એ વખતે તેના ભાઇને જોડેલો ફોન ચાલુ જ હતો. દરમિયાન રિક્ષા ચાલકે જીજ્ઞેશના ખિસ્‍સામાં હાથ નાંખી ચેક કરવાનું ચાલુ કર્યુ હતું. ત્‍યાં જ જીજ્ઞેશે તેના ભાઇ નિતીનને એક્‍ટીવા લઇ આવતો જોતાં જ તક જોઇ રિક્ષાચાલકને હિમ્‍મતપુર્વક ધક્કો માર્યો હતો અને પોતે નીચે ઉતરી ગયો હતો. આ વખતે ભાઇ નિતીન નજીક આવી ગયો હોઇ તેની સાથે જીજ્ઞેશ અથડાતાં બંને ભાઇ વાહન સહિત પડી ગયા હતાં.

બીજી તરફ રિક્ષાચાલક પણ તેની રિક્ષા ચાલુ કરી ભાગવા માંડયો હતો. પણ જીજ્ઞેશ અને તેના ભાઇ નિતીને દોટ મુકી તેને પકડી લીધો હતો અને ૧૦૦ નંબરમાં ફોન કરી પોલીસને બોલાવી હતી. ગાંધીગ્રામના હેડકોન્‍સ. આર. ટી. વાસદેવાણીએ જીજે૨૩ડબલ્‍યુ-૦૨૯૩ નંબરની રિક્ષાના ચાલક સુનિલ ધીરજભાઇ ડાભી (ઉ.૩૨-રહે. બજરંગવાડી, મુળ જામનગર) વિરૂધ્‍ધ મારામારી, લૂંટના પ્રયાસનો ગુનો નોંધી સકંજામાં લીધો હતો. પીએસઆઇ એચ. વી. સોમૈયા સહિતે પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં વધુ તપાસ હાથ ધરી છે.

(3:40 pm IST)