Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કોડીનાર તાલુકાના વિવાન માટે ૧૬ કરોડનો ખર્ચ સરકાર ભોગવેઃ અન્ય આવી બીમારી માટે આયોજન કરે

વિવાનના પિતા મજુરી કામ કરે છેઃ સર્વ સમાજ દ્વારા કલેકટરને વિસ્તૃત રજૂઆત

સર્વ સમાજ-રાજકોટ દ્વારા કોડીનાર તાલુકાના ૨ાા મહિનાના નાના બાળક વિવાનની દુર્લભ બીમારીના ખર્ચ અંગે રાજ્ય સરકાર ભોગવે તેવી માંગણી સાથે કલેકટરને આવેદન પાઠવાયુ હતું (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૨૮ :. સર્વ સમાજ ગુજરાતના આગેવાનોએ રાજકોટ કલેકટરને આવેદન પાઠવી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના વિવાન નામના બાળકને દુર્લભ બીમારી છે. જેની સહાય સરકારની કોઈ ચોક્કસ યોજના હેઠળ ભોગવવામાં આવે અને હવે પછી કોઈ બાળક આવી દુર્લભ બીમારીથી પીડાય તો તેના માટે સરકાર કોઈ ચોક્કસ આયોજન કરે તેવી માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતુ કે, ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના આલીદર ગામના રહેવાસી અશોકભાઈ વાઢેળના અઢી મહિનાના સુપુત્ર વિવાન સ્પાઈનલ મસ્કયુલર એટ્રોફી (એસએમએ) નામની દુર્લભ બીમારીથી પીડાય છે. જેનો ખર્ચ આશરે સોળ કરોડ જેવો થાય છે. જે ખર્ચ કોઈપણ સામાન્ય માણસ ઉપાડી શકે તેમ નથી. આ બાળકના પિતા કચ્છની એક ખાનગી કંપનીમાં મજુરી કામ કરી ગુજરાન ચલાવે છે. જેથી આ પરિસ્થિતિમાં આ ખર્ચ ઉપાડવો અસંભવ છે. આ પહેલા પણ ઉત્તર ગુજરાતમાં ધૈર્યરાજસિંહ નામના બાળક સાથે બન્યો હતો. આ બાળકને પણ આ જ દુર્લભ બિમારી હતી. જેનો ખર્ચ ગુજરાત અને ભારતની સમગ્ર જનતાએ મળીને એકત્રીત કર્યો હતો અને તે બાળક આ બીમારીથી સંપૂર્ણપણે સ્વસ્થ થયો હતો. અમો ઈચ્છીએ છીએ કે વિવાન નામના બાળકને પણ આજ રીતે જનતાના સહયોગ સાથે સાથે સરકારની કોઈ ચોક્કસ યોજનાના સહયોગથી સહાય કરવા સહમત બને. સરકાર પાસે અમારી માંગ છે કે આ બાળકને કોઈ ચોક્કસ યોજના હેઠળ સહાય માટે મદદરૂપ બને જ પરંતુ ભવિષ્યમાં કોઈ બાળક આવી દુર્લભ બીમારીથી પીડાય તો તેની સારવાર માટેના આવા આકરા ખર્ચ સામે કોઈ ચોક્કસ સહાય મળી રહે. તેવી સમગ્ર જનતાની અપીલ છે. આવેદન દેવામાં ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રી ગાયત્રીબા વાઘેલા, મહેશ રાજપૂત, વશરામભાઈ સાગઠીયા, બ્રિજેશ પટેલ ઉપરાંત મનીષાબા વાળા, માનસુરભાઈ વાળા, પરેશભાઈ શિંગાળા, રણજીત મુંધવા, દર્શિતભાઈ જોષી, રહીમ સોરા, વિક્રમ સોલંકી, જયમીનભાઈ પરમાર, ભરતભાઈ સોસા, નરેશભાઈ સાગઠીયા, નારણ પૂરબિયા વિગેરે જોડાયા હતા.

(4:51 pm IST)