Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

બ્રાહ્મણો વિશે ટીપ્પણી કરનાર ગોપાલ ઈટાલીયા માફી માંગેઃ એડવોકેટ સંજય જોષી

રાજકોટ, તા. ૨૮ :. સસ્તી પ્રસિદ્ધ ભૂખ્યા ગોપાલ ઈટાલીયા જેવા નેતાઓને ખાસ કહેવાનુ કે ભાઈ તમે જે કરો છો  તે કરો, ધર્મની, હિન્દુઓ, સંતો-મહંતોની કે કોઈ જ્ઞાતિની લાગણી દુભાય તેવા વિડીયો વાયરલ ન કરો તેમ એડવોકેટ સંજયભાઈ જોષીએ જણાવ્યુ છે.

હાલમાં છેલ્લા એક અઠવાડીયાથી આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયો જે વિડીયો વાયરલ કરેલ છે. તેને લઈને અસંખ્ય બ્રાહ્મણો તથા સનાતન ધર્મપ્રેમી હિન્દુઓ ખૂબ જ નારાજ છે અને પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહેલ છે. આવા વિડીયોથી કંઈ જ મળવાનું નથી, માત્ર સસ્તી પબ્લિસીટી જ છે. આવા નિવેદનોથી કોઈના આઈડલ નહિ બનો અને રહી વાત બ્રાહ્મણોની કે ભગવાન સત્યનારાયણની તો તેમા કહેવામાં આવતી વાર્તા ભલે વર્ષો જૂની હોય પરંતુ આજે હિન્દુ ધર્મને એક તાતણે બાંધી રાખવાનું, હિન્દુઓને આપણી ધરોહર સમા આપણા ધર્મગ્રંથોની વાતો કહેવાનું કામ બ્રાહ્મણ કરે છે અને બ્રાહ્મણ પોતાનું કર્મ કરે છે તે કોઈના ખીસ્સામાં હાથ નાખીને કે પોતાના કર્મના ભાવ નક્કી કરીને આવુ કોઈ કામ કરતા નથી, માત્ર અને માત્ર પોતાના વડવાઓએ ચીંધેલ રાહ ઉપર ચાલી સમાજને સારી દિશામાં લઈ જાય છે.

ગોપાલભાઈ ઈટાલીયાને વિનંતી છે કે આપ બ્રાહ્મણોની, આપણા ધર્મની અને આપણા વડવાઓ જે કથા કરતા અને સાંભળતા આવેલ છે, તેની વિશે જે હલકી કોમેન્ટ કરેલ છે તે બાબતે તાત્કાલીક માફી માગે અને ભવિષ્યમાં કયારેય આવી કોઈપણ જ્ઞાતિ માટે કોમેન્ટ ન કરે તેવી વિનંતી.

શ્રી અરવિંદભાઈ કેજરીવાલને વિનંતી કે આ વિડીયોને લઈને લોકોનો આક્રોશ વધે તે પહેલા તાત્કાલીક કોઈ યોગ્ય પગલા ભરો અને ગમે તેવા નિવેદન કરતા નેતાઓને કાબુમાં રાખો. એડવોકેટ સંજયભાઈ જોષીએ જણાવેલ છે કે હું કોઈ પક્ષ સાથે જોડાયેલ નથી પરંતુ પ્રખર બ્રાહ્મણ છું અને મને ગર્વ છે કે હું બ્રાહ્મણ છું, મારા વડવાઓ જે રાહ ચીંધેલ છે, તે કદાપી ખરાબ ન હોય તેવો સંપૂર્ણ આત્મવિશ્વાસ મારામાં છે, બ્રાહ્મણની અંદર સુદામા પણ છે, ચાણકય પણ છે, રાવણ પણ છે અને પરશુરામ પણ છે એટલે બ્રાહ્મણ એ કોઈ એક જ રીતની માનસિકતાવાળી કોમ નથી તેમ અંતમાં એડવોકેટ સંજયભાઈ જોષીએ જણાવેલ છે.

(3:55 pm IST)