Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

કલેકટરના જનસેવા કેન્દ્રમાં આવકના દાખલા માટે ટોળા ઉમટી પડયા : સોશ્યલ ડીસ્ટન્સનો અભાવઃ બે મામલતદારો મુકવા પડયા

પાણી-મંડપની માંગણી કરાઇઃ કલેકટરે સાંજ સુધીમાં મંડપની ખાત્રી આપી... : પશ્ચિમ મામલતદાર કચેરીનો કેબલ કપાતા RTI માટે દાખલો લેવા વાલીઓ દોડી આવ્યા...

નવી કલેકટર કચેરી ખાતેના જનસેવા કેન્દ્રમાં આજે લોકોના ટોળા ઉમટી પડયા હતા. પાણી સહિતના પ્રશ્ને પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા અશોકસિંહ વાઘેલાએ રજુઆત કરી હતી. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૮: નવી કલેકટર કચેરીમાં ૩પ લાખના ખર્ચે બનાવાયેલ એરકન્ડીશન સુવિધા ધરાવતું જનસેવા કેન્દ્ર આમ તો અરજદાર બાબતે ખાલીખમ હોય છે, પરંતુ આજે RTI માં પ્રવેશ અંગે આવકના દાખલા માટે સેંકડો લોકો કે તેથી વધુ લોકો એકી સાથે ઉમટી પડતા અને લોકોના ટોળા થતા દેકારો મચી ગયો હતો, એક વખત તો જનસેવા કેન્દ્રનો દરવાજો બંધ કરવો પડયો હતો, દરવાજો બંધ કરાતા બહાર ઉભેલા અરજદારોએ દેકારો મચાવ્યો હતો.

પશ્ચિમ મામલતદાર કચેરીએ ઓનલાઇન સેવાનો કેબલ કપાતા આ અરજદારો નવી કલેકટર કચેરીના જનસેવા કેન્દ્રમાં ઉમટી પડતા ભારે ધકકામુકકી થઇ હતી, સોશ્યલ ડીસ્ટન્સ-માસ્કનો છેદ ઉડી ગયો હતો, અને લોકો તડકામાં શેકાતા નજરે પડયા હતા, આ બાબતે કોંગ્રેસના આગેવાનોએ અરજદારો માટે પાણી-મંડપની માંગણી કરતા એડી. કલેકટરે આ માંગણી સ્વીકારી સાંજ સુધીમાં મંડપ નખાઇ જવાની ખાત્રી આપી હતી.

દરમિયાન આવકના દાખલાની કામગીરી માટે ટોળા હોય, જનસેવા કેન્દ્રમાં અર્ધો ડઝન નવી બારીઓ ખોલાઇ હતી, તથા મામલતદારશ્રી સહી માટે બે મામલતદારો શ્રી તન્ના અને શ્રી ત્રીવેદીને મુકવા પડયા હતા, વધુ સ્ટાફ પણ એડી. કલેકટરે દોડાવ્યો હતો. RTI માટે આવકના દાખલ સંદર્ભે દરેક મામલતદાર કચેરીએ ટોળા થતા હોય કલેકટરે આ બાબતે વૈકલ્પિક વ્યવસ્થા કરવી જોઇએ તેમ માંગણીઓ ઉઠી છે.

(3:49 pm IST)