Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

ઇ-મેમા વિરૂધ્ધની કાનુની લડતને લોકોનું પ્રચંડ સમર્થનઃ ૧પ૦થી વધુ લોકો પક્ષકાર જોડાયા

રાજકોટના લોકો વતી જાહેર હિતમાં વકીલો દ્વારા થયેલ દાવાની પ્રથમ મુદે જ ઇ-મેમાંથી પીડીત લોકો મોટી સંખ્યામાં જોડાયાઃ દેશભરમાં ૪૦ કરોડથી વધુ મેમા અપાયા? સીસીટીવી કેમેરાથી વસુલ થતો દંડ ગેરકાયદેસર છેઃ પોલીસ ખાતાને દંડ વસુલવાની સત્તા જ નથીઃ વધુ સુનાવણી ૯ જૂલાઇએ થશે

રાજકોટ : લોકોને અપાયેલ ઇ-મેમાના વિરોધમાં યુવા લોયર્સના વકીલો દ્વારા કોર્ટમાં થયેલ જાહેરહિતના દાવામાં આજે અસંખ્ય લોકો કોર્ટમેટરમાં પક્ષકાર તરીકે ઉમટી પડયા હતાં. લગભગ ૧પ૦ થી વધુ લોકો આજે પક્ષકાર તરીકે જોડાયા હતાં. પ્રસ્તુત તસ્વીરમાં પ્રથમ ઉપરના ભાગે અરજદાર થયેલ યુવા એડવોકેટ હિમાંશુ પારેખ સાથે મેમા લઇને આવેલા લોકો તેમજ બાર એસો.ના સેક્રેટરી જીજ્ઞેશભાઇ જોષી દર્શાય છે. બાજુની તસ્વીરમાં અરજદાર હિમાંશુ પારેખ સાથે કેસ લડી રહેલ એડવોકેટ કે. ડી. શાહ, સંજય શાહ દર્શાય છે. નીચેની તસ્વીરમાં મેમા લઇને આવેલા લોકો તેમજ સરકારની નીતિ વિરૂધ્ધ પ્રથમથી જ ઝૂંબેશ ચલાવનાર અશોકભાઇ પટેલ તેમના સમર્થકો સાથે ઇન્સેટ તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા) (પ-ર૩)

રાજકોટ તા. ર૮ :.. રાજકોટમાં લોકોને અપાયેલ ગેરકાયદેસર અને આડેધડ ઇ-મેમાના સંદર્ભે રાજકોટની અદાલતમાં યુવા લોયર્સના વકીલોએ લોકોના જાહેરહિતમાં કરેલ દાવામાં આજે જેઓને ઇ-મેમા મળેલ છે. તેવા રાજકોટના ૧પ૦ વધુ લોકો આજે સદરહું દાવામાં પક્ષકાર તરીકે જોડાયા હતાં આ કેસમાં હજુ મોટી સંખ્યામાં વકીલો પણ પક્ષકાર તરીકે જોડાનાર છે.

આ અગાઉ જાહેર જનતાના હિતાર્થે યુવા લોયર્સના વકીલો દ્વારા વર્તમાન પત્રમાં જાહેર નોટીસ પ્રસિધ્ધ કરાવી લોકોને પક્ષકાર તરીકે દાવામાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. જેને લોકોએ પ્રચંડ સમર્થન આપીને આજે ઇ-મેમાના કેસની પ્રથમ મુદતે જ સરકારની દંડની નીતિથી કંટાયેલા લોકોનું ટોળું કોર્ટમાં આવ્યું હતું.

આજે ઇ-મેમાના વિરોધમાં લગભગ ૧પ૦ થી વધુ લોકોના જાહેર હિતાર્થે થયેલા દાવામાં પક્ષકાર તરીકે જોડાવવા કોર્ટમાં અરજી કરી હતી.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, રાજકોટના બે જાગૃત વકીલો, હેમાંશુ એચ. પારેખ અને ગીરીરાજસિંહ જાડેજાએ રાજકોટ પોલીસ કમિશનર, આસી. પોલીસ કમિશનર (ટ્રાફીક), કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના જવાબદાર અધિકારી ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન વિરૂધ્ધ કોર્ટમાં જાહેર હિતનો દાવો કર્યો હતો.

આ દાવાની આજે કોર્ટમાં મુદત હોય પબ્લીસ થયેલ જાહેર નોટીસના અનુસંધાને આજે જેઓને ઇ-મેમાં મળેલ છે. તેવા અસંખ્ય લોકો આજે સદરહું દાવામાં પક્ષકાર તરીકે જોડાયા હતાં.

દરમ્યાન જાણવા મળ્યા મુજબ ભારતભરમાં કુલ ૪૦ કરોડથી વધુ મેમા ઇસ્યુ થયાનું કહેવાય છે.

સદરહું દાવામાં વાદી વકીલોએ એવી રજૂઆત કરેલ કે, પોલીસ ખાતાને ઇ-મેમાનો દંડ ઉઘરાવવાની કોઇ સતા કે, અધિકાર નથી સીસીટીવી કેમેરા ગુનેગારોને પકડવાના હેતુથી ટ્રાફીક નિયંત્રણ માટે મુકવામાં આવેલા છે. તેના બદલે સામાન્ય નાગરીકોને દંડીને કાયદા વિરૂધ્ધ મોટી રકમનો દંડ ફટકારીને મેમા આપવામાં આવી રહ્યા છે.

ટ્રાફીક નિયમન ભંગ બદલનો ગુનો સાબીત થયા વગર કોઇપણ પ્રકારના ઇ-મેમા કે, ઇ-ચલણ ઇસ્યુ કરવા કોઇ સતત કે અધિકાર પોલીસને નથી તેમ છતાં આવા મેમા અપાતા અને પોલીસ તંત્ર દ્વારા દંડ વસુલવા જોહુકમી કરવામાં આવતાં લોકો આ પ્રકારની કામગીરીથી ત્રાહીમામ થઇ ગયા હતાં.

દરમ્યાન આજે કોર્ટમાં હાજર રહેલા સામાજીક કાર્યકર અને રાજકોટ પોલીસ વિરૂધ્ધ આ પ્રકારના પ્રશ્ને પ્રથમ ઝૂંબેશ ઉભી કરનાર અશોકભાઇ પટેલ અને તેના સમર્થકોએ પણ ઇ-મેમાના વિરોધમાં લોકોને સમર્થન સરકારની ગેરકાયદેસરની નીતિ રીતીનો વિરોધ કર્યો હતો.

આ દાવામાં આજે રાજકોટ મહાનગર પાલીકા વતી એડવોકેટ મુકેશભાઇ કેશરીયા અને પોલીસ તંત્ર વતી સરકારી વકીલ પ્રશાંતભાઇ પટેલ હાજર થયા હતાં. અને જવાબ આપવા માટે મુદત રિપોર્ટ રજૂ કરતાં સીવીલ જજશ્રી પંચાલ આગામી તારીખ ૯ જુલાઇની મુદત મુકરર કરી હતી. આ કેસમાં વાદી વકીલો વતી એડવોકેટ શ્રી કે. ડી. શાહ અને સંજય શાહ રોકાયા છે.

(3:22 pm IST)