Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

રસીકરણ અભિયાનનો 'મહા ફીયાસ્કો' : ઠેર-ઠેર માથાકુટ

તંત્ર એક તરફ રસી મુકાવા દબાણ કરે છે અને બીજી તરફ ડોઝની અછત યથાવત : હાલમાં માત્ર કો-વેકસીન વેકસીનના ડોઝ અપાય છે પરંતુ તે મુકાવનારાઓની સંખ્યા ઓછી હોઇ બપોર પછી લગભગ કેન્દ્રો બંધ કરી દેવાય છે : કોવિશીલ્ડ રસીનો જથ્થો કયારે આવશે ? તેવા સવાલો સામે અધિકારી - પદાધિકારીઓ પણ લાચાર સ્થિતિમાં

રસીકરણ કેન્દ્રોમાં ધક્કા : શહેરમાં છેલ્લા ૪ દિવસથી કોવિશીલ્ડ રસીની અછત સર્જાતા મોટાભાગના આરોગ્ય કેન્દ્રમાં રસી મુકાવા ગયેલા નાગરિકોને ધરમધક્કા થઇ રહ્યા છે અને સ્ટાફ સાથે માથાકુટના દ્રશ્યો પણ સર્જાય છે જે તસ્વીરમાં દર્શાય છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮ : મ.ન.પા.ના તંત્રવાહકોએ રસીકરણ મહાઅભિયાન શરૂ થતાની સાથે જ કોવિશીલ્ડ વેકસીનના ડોઝની અછત સર્જાતા આ મહાઅભિયાનનો મહાફિયાસ્કો થઇ રહ્યાની લાગણી નગરજનોમાં જોવા મળી રહી છે. કેમકે કોવિશીલ્ડ રસી નહી હોવાથી સતત ત્રીજા દિવસે રસીકરણ કેન્દ્રોને તાળા લગાવવા પડયા હતા. લોકોને ધરમધક્કા થયા હતા અને ઠેર-ઠેર સ્ટાફ સાથે માથાકુટના દ્રશ્યો સર્જાયા હતા.

કેમકે એકતરફ તંત્ર વાહકો રસી મુકાવવા લોકો પર દબાણ લાવી રહ્યું છે. બીજી તરફ ડોઝ નહી હોવાથી રસી મુકાવી નથી શકયા. અધિકારીઓ - પદાધિકારીઓ પણ કોવિશીલ્ડ રસીનો જથ્થો કયારે આવશે? તે કહી નથી શકતો આમ તંત્ર અને પ્રજા બંને લાચાર છે.

શહેરમાં કોરોના રસીકરણ ઝડપી બનાવવા તંત્ર વાહકો જબરા પ્રયાસો કરી રહ્યા છે અને હવે સંસ્થાઓ - જ્ઞાતિ મંડળો મારફત કેમ્પ યોજી રહ્યા છે ત્યારે બીજી તરફ આજે કોવિશીલ્ડ વેકસીનનો સ્ટોક ખલ્લાસ થતાં રસીકરણ કેન્દ્રોમાં ભારે દેકારો બોલી ગયો હતો અને કેન્દ્ર બંધ રહેતા લોકોને ધરમના ધક્કા ખાવા પડયા હતા. બીજી તરફ ગઇકાલે રાજ્ય સરકાર દ્વારા કોવેકસીનના માત્ર ૧૦ હજાર ડોઝ ફાળવવામાં આવતા ગઇકાલે ૧૧ આરોગ્ય કેન્દ્રમાં બીજા ડોઝ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી. કોવિશીલ્ડના ૨ હજાર ડોઝ જ ફાળવવામાં આવ્યા હતા તે પાંચ સ્થળોએ ૧૦૦-૧૦૦ ડોઝ અને કેમ્પમાં ફાળવવામાં આવતા શહેરના બાકીના ૫૦થી વધુ રસીકરણ કેન્દ્રમાં તાળા મારવામાં આવ્યા હતા.

નોંધનિય છે કે, રાજકોટમાં રસીકરણે ફરી વેગ પકડયો હતો, ૫૦થી વધુ કેન્દ્રો ઉપર દરરોજ ૧૦ હજાર લોકોને રસી આપવામાં આવી રહી હતી. આ પૈકી એવા ઘણા લોકો છે જે રસી માટે તૈયાર થતાં ન હતા અથવા તો ઓનલાઇન સ્લોટ બુકમાં સમસ્યા નડી રહી હતી. લોકો રસી માટે તૈયાર થયા છે પરંતુ તંત્રની અતિગંભીર બેદરકારીને કારણે આજે કોવિશીલ્ડ વેકિસનનો સ્ટોક ખલ્લાસ થતાં ઘણા ખરાં રસીકરણ કેન્દ્રો પર તાળા લટકતા જોવા મળ્યા હતા.

આ પહેલા પણ ૧૮થી વધુના લોકોને વેકિસનેશન શરૂ થયું ત્યરે રસી મુકાવા અદમ્ય ઉત્સાહ લોકોમાં હતો પણ ત્યારે માંડ ૨૦૦૦ને જ રસી આપવાનો નિયમ કરતા લોકો પરેશાન થયા હતા. ફરી લોકો આગળ આવ્યા છે ત્યાં વળી સ્ટોક રાખવામાં બેદરકારીને કારણે લોકો ઇચ્છતા હોવા છતાં રસી અપાતી હતી.

કોવીશીલ્ડના ૫ હજાર ડોઝ જ આવ્યા હતા

આ અંગે કોર્પોરેશનના સત્તાવાર સૂત્રોના જણાવ્યા પ્રમાણે શનિવાર સાંજે કોવિશીલ્ડના વેકસીનનો માત્ર ૫ હજાર ડોઝનો જથ્થો શહેરમાં ફાળવવામાં આવ્યા હતા. તેમાં સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, ઇએસઆઇ તથા રેલવે હોસ્પિટલમાં ૧૦૦-૧૦૦ ડોઝ ફાળવવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે યોજાયેલ  કેમ્પમાં બીજા ડોઝ ફાળવવામાં આવ્યા હતા. જેના કારણે શહેરના અન્ય રસીકરણ સ્થળ પર વેકસીનેશન બંધ રાખવામાં આવ્યું હતું.

કોવેકસીનના ૧૦ હજાર ડોઝ ઉપલબ્ધ : ૧૧ સ્થળો કાર્યરત

કોવેકસીનના ૧૦ હજાર ડોઝ રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવતા મ.ન.પા. તંત્ર દ્વારા ૫થી વધારીને ૧૧ રસીકરણ કેન્દ્રો શરૂ કરવામાં આવ્યા છે. શહેરમાં હાલ કોવેકસીનનો બીજો ડોઝ આપવામાં આવી રહ્યો છે. નોંધનીય છે કે, ૨૦ થી ૨૫ હજાર નાગરિકોને કોવેકસીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો.

આમ, જો સાંજ કે રાત સુધીમાં કોવિશીલ્ડ વેકસીનનો પૂરતો જથ્થો મ.ન.પા.ને નહી ફાળવવામાં આવે તો આવતીકાલે એટલે કે સતત ચોથા દિવસે પણ રસીકરણ કેન્દ્ર બંધ રહેશે.

આજની સ્થિતિએ શહેરમાં હજુ ૧.૬૧ લાખ શહેરીજનોને બીજો ડોઝ લેવાનો બાકી છે

રાજકોટઃ કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૫ જાન્યુઆરીથી તબક્કા વાઇઝ વેકસીનનો પ્રારંભ કરવામાં આવ્યો છે.જે અન્વયે રાજકોટ શહેરમાં આજ દિન સુધીમાં ૧૮ વર્ષથી ઉપરનાં ૬.૮૨ લાખ નાગરીકોએ રસીનો પ્રથમ ડોઝ લઇ લીધો છે. જોકે આજની સ્થિતીએ હજુ ૧.૬૧ લાખ લોકોને બીજો ડોઝ લેવાનો બાકી છે.

આ અંગે આરોગ્ય વિભાગમાં નોંધાયેેલ આંકડાકીય વિગતો ઉપર એક નજર કરીએ તો આજ દિન સુધીમાં ૧૭,૪૬૭ હેલ્થ વર્કરોએ પ્રથમ ડોઝ, ૨૯,૭૧૧ ફ્રન્ટલાઇન વર્કરોએ પ્રથમ ડોઝતથા ૧૩,૨૪૧ હેલ્થ વર્કરોએ બીજો  ડોઝ, ૧૫,૮૪૩  ફ્રન્ટલાઇન વર્કરોએ બીજો ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૩,૦૮,૦૨૬ નાગરીકોએ પ્રથમ ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૧,૧૫,૦૬૫ લોકોએ પ્રથમ ડોઝ તથા ૬૦ વર્ષથી ઉપરનાં ૬૧,૮૪૦ નાગરીકોએ બીજો ડોઝ, ૪૫ થી ૫૯ વર્ષ સુધીનાં બિમારી ધરાવનાર ૫૫,૩૨૧ લોકોએ બીજો ડોઝ લઇ લેતા કુલ ૪,૫૪,૨૭૧ ડોઝ આપવામાં આવ્યા છે.

કોરોનાથી રક્ષણ માટે સરકાર દ્વારા ૧૮ વર્ષથી વધુ ઉંમરના લોકો માટે તા.૧ મેથી વેકિસન આપવાની શરૂઆત કરવામાં આવી છે. જોકે યુવાનોમાં વેકિસન મુદ્દે જાગૃતિના લીધે રજિસ્ટ્રેશન વધ્યું હોવાથી મોટાભાગના વેકિસન સેન્ટરો માત્ર ગણતરીનાં સમયમાં તમામ સ્લોટ ફૂલ થઈ જાય છે. જયારે આજ દિન સુધીમાં અંદાજીત  ૩,૭૪,૦૭૯હજાર યુવાઓએ વેકસીનનો પ્રથમ ડોઝ તથા ૨૭,૫૩૯ લોકોએ બીજો ડોઝ લઇ લીધો છે.

(3:20 pm IST)