Gujarati News

Gujarati News

News of Monday, 28th June 2021

મવડીની જમીનના વિવાદમાં ૪ લોકોએ ફિનાઇલ પીધુ

ગૌતમ પાર્કમાં રહેતાં અનુસુચીત જાતીના મંજુબેન ગુલાબભાઇ વાઘેલા (ઉ.વ.૪૫), ગૌરીબેન નટુભાઇ ચાવડા (ઉ.વ.૩૯), કેતન નિતીનભાઇ સાગઠીયા (ઉ.વ.૨૭), શોભનાબેન રસિકભાઇ ચાવડા (ઉ.વ.૩૫)ને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા : ગૌતમ પાર્કમાં ડો. બાબાસાહેબની પ્રતિમા ફરી સ્થાપિત કરવાની માંગણી સાથે ગત ૧૫મીએ રજૂઆત થઇ હતીઃ ટાયરો પણ સળગાવાયા'તાઃ આક્ષેપો સાથે સમસ્ત અનુસુચિત જાતીના લોકોએ રજૂઆત કરી હતી

ગૌતમ પાર્કના ચાર રહેવાસીઓએ મવડી રોડ પરની ડેરીએ પહોંચી ફિનાઇલ પી લેતાં તમામને સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ડેરીએ પોલીસ કાફલો, અંદર ફિનાઇલ પી પડી ગયેલા લોકો અને તેને દવાખાને લઇ જવામાં આવય તે દ્રશ્યો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૮:મવડી સર્વે નં. ૧૯૬ મવડી પોલીસ હેડકવાર્ટર સામે આવેલા ગૌતમ પાર્ક સુચિત તરીકે ઓળખાતી જગ્યાનો ઘણા સમયથી ચાલી રહેલો વિવાદ આજે વકરી ગયો છે. ગૌતમ પાર્કના મોટા ભાગના રહેવાસીઓ આ જમીન ૨૦૧૮માં બિલ્ડર્સ દ્વારા કાયદેસર રીતે ખરીદ કરવામાં આવી એ પછી સમજાવટથી અને પેમેન્ટ લઇને જગ્યા રાજીખુશીથી છોડી ગયા છે. પરંતુ હાલમાં અમુક દસ જેટલા મકાનો હોઇ તેના રહેવાસીઓ પૈકીના ચાર લોકોએ આજે મવડી રોડ પર આવેલી સુવિખ્યાત ડેરીમાં જઇ ફિનાઇલ પી લેતાં ચારેયને હોસ્પિટલે ખસેડાયા છે. મવડી સર્વે નં. ૧૯૬ની જે જમીન છે તેમાં શિવશકિત ડેરીના સંચાલક પણ ભાગીદાર  છે. પોતાને પોતાની જગ્યા પરથી હટાવવા બિલ્ડર્સ લોબી સાંઠગાઠ કરી હેરાન કરતી હોવાનો આક્ષેપ ફિનાઇલ પી લેનારા કરી રહ્યા છે. તો બીજી તરફ જમીન માલિક કહે છે-અમે કાયદેસરની જમીન ખરીદી છે અને અમારી પાસેથી વધુ રકમ પડાવવાના ઇરાદે આ બધુ ધરવામાં આવી રહ્યું છે.

જાણવા મળ્યા મુજબ ગૌતમ પાર્કમાં રહેતાં અનુસુચીત જાતીના મંજુબેન ગુલાબભાઇ વાઘેલા (ઉ.વ.૪૫), ગૌરીબેન નટુભાઇ ચાવડા (ઉ.વ.૩૯), કેતન નિતીનભાઇ સાગઠીયા (ઉ.વ.૨૭), શોભનાબેન રસિકભાઇ ચાવડા (ઉ.વ.૩૫)  (રહે. મવડી પોલીસ હેડકવાર્ટર સામે ગૌતમ પાર્ક)એ ડેરીની અંદર ફિનાઇલ પી લેતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ મામલે હોસ્પિટલ ચોકી મારફત માલવીયાનગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ફિનાઇલ પી લેનારા લોકો પાસેથી 'ગૌતમ પાર્ક સુચિત સોસાયટી સર્વે નં. ૧૯૬ના રહેવાસીઓ પ્લોટ ધારકોની વેદના' એવા મથાળા સાથેનું ટાઇપ કરેલુ બે પેઇજનું લખાણ-સ્યુસાઇડ નોટ મળી છે. જેમાં તેણે લખ્યું છે કે- અમોઉ૫૨ મુજબના સ્થળ ઉપ૨ છેલ્લા ૩૦ થી ૩૫ વર્ષ થયા જમીન વેચાતી લઈને કાચા પાકા મકાનો બનાવીને રહીએ છીએ. આ જમીન એક હજાર રૂપીયે વાર હતી ત્યારથી ખરીદી હતી. અત્યારે એક લાખની વાર જમીન છે. આવી તેજીનાં ભાવથી અમુક લોકો માથાભારે ઝનુની લાગવગવાળા રાજકીય ઓથ ધરાવનારા અને પૈસા પાત્ર લોકોની નજર આ જમીન ઉ૫૨ પડેલ છે. જેથી ઘણા સમય પહેલાઅમારી જાણ બહાર આ જમીનના સાચા ખોટા કાગળીયા બનાવી અમોને અહીંથી કાઢી મુકવાં ભગાડી મુકવા પડયંત્ર ગોઠવાઈ ગયેલ છે. જેમાં શામ, દામ, દંડ, ભેદ નીતી રીતી અપનાવાઈ રહેલ છે.                  સમગ્ર ષડયંત્ર રચનાર જીતુભાઈ વસોયા, પટેલ જગદીશભાઇ અકબરી, વિનુભાઈ ઠુમ્મર છે. આ ત્રણેય શખ્સો પડદા પાછળ રહીને પોતાની મેલી મુરાદ પાર પાડવા અમાને અમા૨ા ૫૨ીવારને ગુંડા લોકો દ્વાારા અસામાજીક તત્વો દ્વારા ધાક ધમકીઓ આપે છે. મારી નાખવાની ધમકીઓ આપે છે. હાથપગ ટાંટીયા ભાંગી નાખવાની ધમકીઓ આપે છે. મા-બેન સમાણી ભૂંડા બોલી ગાળો આપે છે. અમારી જ્ઞાતિ પ્રત્યે હડધુત કરી બેફામ ગાળો બોલે છે. અમો કયાંય કામ ધંધે મજુરીએ જઈ શકતા નથી. ઉપર આકાશ અને નીચે ધરતી ઉ૫રથી ચોમાસાની ઋતુ આવે છે, અમારે જીવવું મહા મુશ્કેલ બની ગયેલ છે. આવી ૫૨ીસ્થીતી ઉભી કરનાર આ ત્રણેય શખ્સો છે-(૧) જીતુભાઈ વસોયા પટેલ (૨) જગદીશભાઈ અકબરી (૩) વિનુભાઈ ઠુમ્મર જેઓના ત્રાસથી અમો સામુહિક રીતે મરવા મજબુર થઈ ગયેલ છીએ. જેથી આજરોજ અમો ઉપરોકત લખેલ નામ ધારી માણસોના જોર જુલ્મ ત્રાસથી કંટાળીને મરી જવાનો રસ્તો અપનાવેલ છે.

અમો ગરીબ, પછાત અભણ અજ્ઞાની મજુર વર્ગનાં દલીત સમાજનાં પરીવારો છીએ. અમારાથી આવી વિકટ પરીસ્થીતીનો સામનો કરવાની ધીરજ ખુટી ગયેલ છે. ૨હેવાના ઠેકાણા નથી, કામ ધંધાના ઠેકાણા નથી પરીવાર બાલ બચ્ચાને લાલન પાલન કરી શકીએ તેમ નથી આવી હાલતમાં મુકી દેનાર, જીતુ વસોયા– પટેલ જગદીશ અકબરી વિનુભાઈ ઠુંમ્મર આ ત્રણેેય શખ્સોના ત્રાસથી તેઓની ધમકીથી તેઓની બીકથી અમો મરવા મજબુર બનેલ છીએ.

ઉ૫૨ લખેલ નામધારી શખ્સો, માથાભારે, ઝનૂની પૈસા પાત્ર, રાજકીય ઓથ ધરાવતા હોઇ અમો જેવા ગરીબ લોકો આવા મોટા માથા સામે લાચાર બેબશ છીએ. અમારે મરી જવા સિવાય કોઇ આરો વારો કે રસ્તો નથી આવી પરીસ્થીતી ઉભી કરનાર આ ત્રણેય શખ્સો ઉપર કડક કાયદાકીય કાર્યવાહી કરશો તેવી અમારી અંતિમ ઈચ્છા છે. આ બનાવ સંદર્ભે માલવીયાનગર પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. જેણે ફિનાઇલ પીધી છે એ તમામની હાલત ભયમુકત ગણાવાઇ રહી છે.

નોંધનીય છે કે ગત ૧૫મીએ પણ સમસ્ત અનુસુચિત જાતિ રાજકોટના આર. એમ. મુછડીયા, આર. કે. સોલંકી, બાબુભાઇ, જગદીશ સાગઠીયા, એમ. એન. રાખશીયા, પરેશ સાગઠીયા, રાઠોડભાઇ, રમેશ ડૈયા, વિપુલ મકવાણા સહિતે પોલીસ કમિશનરશ્રીને કરી હતી અને જણાવ્યું હતું કે ૧૫/૬ના રાતે ત્રણ વાગ્યા આસપાસ બિલ્ડર શિવશકિતવાળા જગદીશભાઇ પટેલ અને કિશોરભાઇ વોરાએ  મગન ચતુરભાઇ જાદવને આગળ કરી  પોલીસની હાજરીમાં ડો. બાબાસાહેબ પ્રતિમા હટાવી લેવામાં ભાગ ભજવ્યો છે. તેને ફરીથી પ્રસ્થાપિત કરવા અમારી માંગણી છે. અગાઉ પણ આ પ્રતિમા હટે નહિ એ માટે પોલીસને રજૂઆત કરવામાં આવી હતી અને રક્ષણ મગાયું હતું. પ્રતિમા ગુમ થવા પાછળ બિલ્ડર સાથે પોલીસ પણ સામેલ હોવાનું લાગે છે. આ મામલે જવાબદારો સામે ગુનો દાખલ કરવા અમારી માંગણી છે.

આ વિવાદ થયો ત્યારે પોલીસે જાહેરનામા ભંગ બદલ અટકાયતો કરી હતી. બીજા દિવસે સવારે રોડ પર કોઇએ ટાયરો પણ સળગાવ્યા હતાં. ત્યાં આજે ચાર લોકોએ ફિનાઇલ પી લીધી છે. (૧૪.૯)

જગદીશભાઇ અકબરીએ કહ્યું-અમે ૨૦૧૮માં કાયદેસર રીતે આ જગ્યા ખરીદી છે, હવે ખોટો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે, સુપ્રિમ કોર્ટમાંથી પણ એ લોકો કેસ હારી ગયા છે

રાજકોટ તા. ૨૮: દરમિયાન આ ઘટના જ્યાં બની છે તે ખુબ જાણીતી શિવશકિત ડેરીના સંચાલકશ્રી જગદીશભાઇ અકબરીએ એક વાતચીતમાં જણાવ્યું હતું કે અમે ગૌતમ પાર્કની જમીન ૨૦૧૭ના ડિમોલીશન પછી બચુભાઇ ભુટાભાઇ પટેલ પાસેથી કાયદેસર રીતે વેંચાતી લીધી હતી. એ પછી ત્યાં પ્રતિમા મુકવામાં આવી હતી. અમે વચ્ચેનો રસ્તો કાઢી નાના માણસો હોઇ સમાધાન કરી પ્રતિમા લેવડાવી હતી અને નક્કી થયા મુજબ સમાધાન કર્યુ હતું. જે કાયદેસરના રહેવાસીઓ હતાં એમને અમે પેમેન્ટ પણ આપ્યું હતું. હવે હવે બીજી વખત અમુક લોકો પેમેન્ટ લેવા આવતાં હતાં. જે અમે આપવાની ના પાડી હતી. જેથી સમગ્ર વિવાદ ઉભો કરવામાં આવ્યો હતો. સુપ્રિમ કોર્ટમાંથી પણ એ લોકો કેસ લોકો હારી ગયા છે. હાઇકોર્ટના ઓર્ડરથી ૨૦૧૭માં ડિમોલીશન થયું હતું. ૨૦૧૮માં અમે આ જગ્યા ખરીદ કરેલ છે. પરંતુ એ પછી સતત જગ્યાને વિવાદમાં રાખવાનો પ્રયાસ થયો છે. અમારા તરફથી કોઇને ત્રાસ પણ નથી. તેમ વધુમાં શ્રી જગદીશભાઇ અકબરી (શિવ શકિત ડેરી)એ જણાવ્યું હતું. 

(3:19 pm IST)