Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

લોકડાઉનમાં રાજકોટ રેલ્વે દ્વારા મોટા પાયે ટ્રેક મેઇન્ટેનન્સ : આધુનિક ઢબે નવા પાટા બિછાવાયા

રાજકોટ, તા., ૨૭: કોરોના વાયરસ સામે બાથ ભીડવા સમગ્ર ભારતમાં માર્ચ માસના અંતિમ દિવસોથી લોકડાઉન જાહેર કરાયું હતું. આ ગાળામાં રાજકોટ સહિત દેશભરની યાત્રી ટ્રેનો સદંતર બંધ રહી છે. હજુ પણ ઓગષ્ટના પ્રથમ સપ્તાહ સુધી યાત્રી ટ્રેનો બંધ છે. આ સમય ગાળાનો રેલ્વે તંત્રએ લાભ લઇ નવા પાટા બિછાવવાની અને જુના રેલ્વે ટ્રેકને મરામત કરવાની કાર્યવાહી યુધ્ધના ધોરણે કરી હતી.

સુરેન્દ્રનગર-રાજકોટ  રેલ્વે ડીવીઝનમાંૅ ૭.૭ કીલોમીટર જુની રેલ્વે લાઇનની જગ્યાએ  અત્યાધુનિક મશીનોના ઉપયોગથી નવી રેલ્વે લાઇન બિછાવાઇ હતી. સુરેન્દ્રનગર યાર્ડમાં બ્રીજ નં. ૩૭ ઉપર ૧૧ કલાકનો જમ્બો બ્લોક લઇને જુના થઇ ગયેલા સ્લેબનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું. સ્લેબના નવીનીકરણના કારણે હવે ટ્રેન ૭પ કિલોમીટર પ્રતિ કલાકના બદલે ૧૦૦ કી.મી. પ્રતિ કલાકની ઝડપથી અહીંથી પાસ થઇ શકશે. આધુનિક પીકયુઆરએસ મશીનની મદદથી ર.૮  કિ.મી. રેલ્વે ટ્રેક નવો સ્લીપર સાથે બિછાવવામાં આવ્યો.

ટ્રેક મેઇન્ટેન્સ  અને બાલાસ્ટ ઉપર નીચે કરવાની કામગીરીને લીધે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોને ઝાટકા રહીત મુસાફરીનો સલામત આનંદ મળશે. ડીવીઝનની મુખ્ય રેલ્વે લાઇન ઉપર બિલેશ્વર, ખોરાણા, કણકોટ, અમરસર અને સિંધાવદર યાર્ડમાં ૯.પ કિ.મી. એન્જીનીયરીંગ વિભાગ દ્વારા હેવી ડયુટી મશીનોની મદદથી બાલાસ્ટની ઉંડી છનાઇ અને બાલાસ્ટ પુરવાનું  કામ પણ પુરૂ કરવામાં આવ્યું. આ કામગીરીથી નિકળેલી લગભગ ર૦૦૦ કયુબીક મીટર માટીને બાજુના ટ્રેક પર ઉભેલી માલગાડીના ખાલી વેગનોમાં ભરી દેવામાં આવી. ચોમાસા દરમિયાન ટ્રેક ધોવાણ વખતે આ માટીનો ઉપયોગ કરી શકાશે. આ ઉપરાંત ૩ કિ.મી. લાંબો ટ્રેક બિછાવવાની કામગીરીમાં પણ માટીનો ઉપયોગ થઇ શકશે. ૧૦ લાખ રૂપીયાની માટી રેલ્વે વિભાગને ખરીદવી નહી પડે જે સીધો ફાયદો છે.

૧૭પ કિ.મી. રેલ્વે ટ્રેકની મેઇન્ટેનન્સ કરવામાં આવ્યું. ૧૩પ૦૦ કયુબીક મીટર બાલાસ્ટ બદલાવામાં આવી. મશીનોની મદદથી ૬૦૬ કી.મી. રેલ્વે ટ્રેકનું અલ્ટ્રા સોનીક ટેસ્ટીંગ કરવામાં આવ્યું. જયાં જયાં ખરાબી જણાઇ ત્યાં મરામત કરવામાં આવી. પાટાઓ ઉપર કાટ ન લાગે તે માટે૧૦ં કિ.મી. ટ્રેકનું કલર કામ કરવામાં આવ્યું.  પાટાના ૩૯૪ જુના વેલ્ડસને મોબાઇલ ફલેશ બટ મશીનની મદદથી બદલાવવામાં આવ્યા. ૧ર કી.મી. જુની રેલ્વે લાઇન ઉપર રેલ ફીટીંગ્સ નવા લગાવાયા. સમગ્ર કામગીરી ડીઆરએમ પરમેશ્વર ફુંકવાલના માર્ગદર્શન હેઠળ એન્જીનીયરીંગ વિભાગના સીનીયર એન્જીનીયર રાજકુમાર એસ., ડીવીઝનલ એન્જીનીયર ઇન્દ્રજીત અને અંકિતકુમારની ટીમ દ્વારા પુરૂ કરવામાં આવ્યંુ હતું. તસ્વીરમાં ટ્રેક મેઇન્ટેનન્સ થતુ નજરે પડે છે.

(2:35 pm IST)