Gujarati News

Gujarati News

News of Sunday, 28th June 2020

રાજકોટના નવા બસ સ્ટેન્ડમાં ૩૫૦ બસો ઉમેરાતા જબરો ટ્રાફિક : પ્રથમ કલાકમાં ૬૦ બસો ઉપડી : કોઇ અંધાધૂંધી નહિ

કોઇ પેસેન્જર ભૂલથી શાસ્ત્રીમેદાન ઉપર પહોંચી જાય તો મીની બસ દ્વારા નવા બસ પોર્ટ માટે ફ્રી સેવા : શાસ્ત્રી મેદાનથી હવે જુનાગઢ - ભાવનગરની લાઇનની બસો ઉપડશે : કચ્છ - મોરબી - જામનગરની બસો નવા પોર્ટમાં ટ્રાન્સફર કરાઇ : નવા બસ પોર્ટ પરથી ૬૦ ટકા તો શાસ્ત્રી મેદાનથી ૪૦ ટકા બસો જશે : લોકો - ડ્રાઇવર - કંડકટરોને માર્ગદર્શન માટે ૧૧ કર્મચારીઓની ટીમ મુકાઇ : ડેપો મેનેજર નિશાંત વરમોરા

નવા બસ સ્ટેશનમાં સુપર્બ વ્યવસ્થા : તમામ પ્લેટફોર્મ ભરચક્ક  : રાજકોટ : ઢેબર રોડ પરના નવા બસ સ્ટેશનમાં આજથી નવી ૩પ૦ બસો ઉમેરાઇ છે. આધુનિક એરપોર્ટ જેવા લાગતા એકીસાથે આટલી બસો ઉમેરાયા છતાં કોઇ અરાજકતા સર્જાઇ ન હતી. ડેપો મેનેજર-સ્ટાફ દ્વારા કાબીલેદાદ વ્યવસ્થા ગોઠવાઇ હતી. સોશ્યલ -ડીસ્ટન્સ ફરજીયાત માસ્ક પેસેન્જર જાહેરાતમાં સતત માર્ગદર્શન અપાતું હતું. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૭ : અષાઢી બીજથી ઢેબર રોડ ઉપર રાજકોટનું નવુ બસ સ્ટેશન કાર્યરત થયું છે, પ્રારંભમાં ઉતર, દક્ષિણ, મધ્ય ગુજરાત, અમદાવાદ, વડોદરા, સુરત, ઝાલાવાડ એટલે કે સુરેન્દ્રનગર પંથકની બસો શરૂ થઇ, કુલ ૧૭૫ બસો દોડાવાઇ હવે આજથી તેમાં ૩૫૦ નવી બસો જુદા જુદા રૂટની સવારે ૭ વાગ્યાથી ઉપાડાઇ.

એકી સાથે નવી ૩૫૦ બસો આજથી ઉપાડવાની હતી, એટલે અંધાધૂંધી - ટ્રાફિકજામ - અવ્યવસ્થા સર્જાવાનો ભય હતો, પરંતુ એવું થયું નહિ અને સતત ૪ દિ'થી વ્યવસ્થા ગોઠવાઇ રહી હોય બધુ સમયસર અને સાહજકતાથી પાર પડી રહ્યાનું ડેપો મેનેજર શ્રી નિશાંત વરમોરાએ આજે સવારે ૮ વાગ્યે 'અકિલા' સાથેની ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું.

તેમણે જણાવેલ કે, ડીસીશ્રી યોગેશ પટેલના માર્ગદર્શન હેઠળ મારા સહિત કુલ ૧૧ કર્મચારી - અધિકારીઓની ટીમ આવનાર મુસાફરો અને આવતી બસોને કયા પ્લેટફોર્મ ઉપર જવું તેનું રાઉન્ડ ધ કલોક માર્ગદર્શન આપી રહ્યા છે, આ ઉપરાંત આવન - જાવન બંને ગેઇટો ઉપર સ્પે. સિકયુરીટી મુકાઇ છે.

તેમણે જણાવેલ કે નવા બસ પોર્ટને લઇને મુસાફરોમાં ઉત્સાહ છે, જબરો ટ્રાફિક છે, તમામ ૨૫ પ્લેટફોર્મ ભરચક્ક છે, અને પ્રથમ કલાકમાં જ ૬૦ બસો રાજકોટના નવા બસ પોર્ટ ઉપરથી તમામ જે તે રૂટો ઉપર જવા રવાના થઇ છે.

આજથી હવે કચ્છ, ભુજ, મોરબી, જામનગર, કાલાવડ સહિતની બસો નવા બસ સ્ટેશન ઉપરથી ઉપડશે, ૬૦ ટકા બસો નવા બસ પોર્ટ પરથી અને ૪૦ ટકા બસો શાસ્ત્રી મેદાન ખાતેથી રવાના થશે.

શાસ્ત્રી મેદાન ખાતેથી ૧૨૫થી વધુ બસોના ૪૦૦ જેટલા રૂટો અમરેલી, ભાવનગર, ગોંડલ, જૂનાગઢ લાઇનના થશે, બંને સ્થળે ઇન્કવાયરી - કન્ટ્રોલરૂમ અને સેનેટાઇઝર, ફરજીયાત માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સ સહિતની માટે કર્મચારીઓ - અધિકારીઓ તૈનાત કરાયા છે.

આ ઉપરાંત કોઇ મુસાફરને ખબર ન હોય અને શાસ્ત્રી મેદાન ખાતે પહોંચી જાય, અને તેમની બસ નવા બસ સ્ટેશન ઉપરથી મળવાની હોય તો તેમના માટે બસ ડેપો દ્વારા મીની બસની ફ્રી સેવા રખાઇ છે, જે શાસ્ત્રી મેદાનથી નવા બસ ડેપો ઉપર લોકોને પહોંચાડશે.

શ્રી વરમોરાએ 'અકિલા'ને જણાવેલ કે, બસ પોર્ટની અંદર કે બહાર કોઇ ટ્રાફિકજામ - અફડાતફડી જેવી બાબત સર્જાઇ નથી, બધુ વ્યવસ્થિત ગોઠવાઇ ગયું છે, મુસાફરોનું થર્મલ સ્ક્રેનીંગ ફરજીયાત કરાય છે, હાલ એક બસમાં ૬૦ ટકા મુસાફરો જ લઇ જવાય છે.

        સમય

આવનાર બસ

ઉપડતી બસ

કુલ

૦૬.૦૦ થી ૦૭.૦૦

  ર

  ર

  ૪

૦૭.૦૦ થી ૦૮.૦૦

ર૯

ર૯

પ૮

૦૮.૦૦ થી ૦૯.૦૦

૩૧

૩૧

૬ર

૦૯.૦૦ થી ૧૦.૦૦

૩૭

૩૭

૭૪

૧૦.૦૦ થી ૧૧.૦૦

૩૯

૩૯

૭૮

૧૧.૦૦ થી ૧ર.૦૦

૩૮

૩૮

૭૬

૧ર.૦૦ થી ૧૩.૦૦

૩૩

૩૩

૬૬

૧૩.૦૦ થી ૧૪.૦૦

૩૧

૩૧

૬ર

૧૪.૦૦ થી ૧પ.૦૦

૩૦

૩૦

૬૦

૧પ.૦૦ થી ૧૬.૦૦

૧૯

૧૯

૩૮

૧૬.૦૦ થી ૧૭.૦૦

રપ

રપ

પ૦

૧૭.૦૦ થી ૧૮.૦૦

૧૩

૧૩

ર૬

૧૮.૦૦ થી ૧૯.૦૦

  ૮

  ૮

૧૬

કુલ

૩૩પ

૩૩પ

૬૭૦

(2:49 pm IST)