Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

કારમાં આવી ઇનામની લાલચ આપી છેતરી જતી ટોળકીથી ચેતજો : લાલપરીમાં એક પરિવાર છેતરાયો

એ ચેતજો.... કારમાં આવી ઇનામી ડ્રોની લાલચ આપી છેતરી જતી ટોળકી ફરાર : ટિકીટ સ્ક્રેચ કરો ઇનામ લાગશે કહી રહિમભાઇ અને તેના સ્વજનો સાથે ઠગાઇ : ચાર ગઠીયાને શોધતી બી ડિવીઝન પોલીસ

રાજકોટ તા ૨૮  : ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી મફતીયાપરામાં રહેતા મુસ્લિમ પરિવારના ત્રણ સભ્યોને હોમ એપ્લાઇન્સીઝનો સામાન સાથે બે ઇકો કારમાં આવેલા ચાર અજાણ્યા શખ્સોએ સ્કીમની લાલચ આપી રૂા ૭૫૦૦/-ની રોકડ લઇ જઇ છેતરપીંડી કર્યાની ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક લાલપરી શેરી નં.૧ માં રહેતા રહિમભાઇ બટુકભાઇ વૈયાણીએ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે ગત તા. ૫ ના રોજ પોતાના ઘરે હતા ત્યારે, જીજે-૩ એએલ-૪૮૩૧ નંબરની અને બીજી જીજે-૩જેસી-૪૩૨૬ નંબરની બે ઇકો કારમાં હોમ એપ્લાઇન્સીઝનો સામાન ભરી સ્ક્રેચ કાર્ડની સ્કીમ સાથે ચાર અજાણ્યા શખ્સો આવ્યા હતા, બાદ પોતે તથા પત્ની ખેરૂનબેન, માતા જુબેદાબેન અને ભત્રીજા વહુ ચારેયને બોલાવી અને આ ચારેય શખ્સોએ કહયું હતું કે ઘરવખરીના સામાનની એક સ્કીમ છે. તમે એક રૂા ૪૦/- ની ટીકીટ લેશો, તે સ્ક્રેચ કરશો તો તમને ઇનામ મળશે, તેમ ચારેય શખ્સોએ સ્કીમ સમજાવી હતી બાદ પોતે તથા પત્ની, માતા અને ભત્રીજા વહુએ ટીકીટ લીધી હતી ક્રેચ કરતા પત્નીને ઇસ્ત્રી,પંખો અને મીક્ષસ્ચર લાગ્યું હતું. જયારે માતાને ગેસનો ચુલો લાગ્યો હતો. ત્યારબાદ આ તમામ વસ્તુઓ કોઇ, આ વસ્તુના બદલામાં બીજી વસ્તુ માંગી હતી, અને ચારેય શખ્સો ટીકીટમાં લાગેલી ચીજવસ્તુના બદલામાં બીજી ચીજ વસ્તુ ટીવી, ફ્રીઝ, ઘરઘંટી આપવાનો વાયદો કર્યો હતો અને પોતાના પત્ની, માતા અને ભત્રીજા વહુના રૂા ૨૫૦૦ લેખે રૂા ૭૫૦૦/- રોકડ લઇ લીધા હતા અને પૈસા લઇ આ વસ્તુઓનું બીલ અને ટીવી, ફ્રીઝ, ઘરઘંટી લઇને એક કલાકમાં આવીએ છીએ કહી ચારેય શખ્સો રફુ ચક્કર થઇ ગયા હતા.

ચારેય શખ્સો સામાન લઇને  ન આવતા રહીમભાઇ વૈયાણીએ ફોન કરતા ચારેયનો ફોન બંધ આવતો હતો, બાદ બીજા દિવસે તેનો સંપર્ક કરતા ''લગ્નમાં છીએ, ૧૦ દિવસ પછી આવશુ'' તેમ ગલ્લા તલ્લા કરવા લાગ્યા હતા અને તે લોકો સવારે ફોન ચાલુ રાખતા હતા, તે પાંચથી છ શખ્સો ૧૫ થી ૩૦ વર્ષની ઉંમરના હતા અને રહિમભાઇ અને તેના પરિવારને વિશ્વાસમાં લઇ સ્કીમની લાલચ આપી રૂા૭૫૦૦ રોકડા લઇ ગયા બાદ ઘરવખરીનો સામાન ન આપી છેતરપીંડી કરી હતી.

આ બનાવ અંગે રહીમભાઇ વૈયાણીએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પી.એસ.આઇ. આર. એસ. સાંકળીયાએ તપાસ આદરી છે.

(3:57 pm IST)