Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

રાજકોટના તાલુકાના જીવાપર સહિત ૪ ગામનો રસ્તો જોખમરૂપ : કલેકટરને ફરીયાદ કરતા ગ્રામજનો

રાજકોટ, તા. ર૮ : જીવાપરના જાગાભાઇ ધોરીયાએ કલેકટરને પત્ર પાઠવી તાત્કાલીક 'પુલ' બનાવવા માંગણી કરી છે. પત્રમાં ઉમેર્યું હતું રાજકોટ તાલુકામાં જીવાપર ગામમાં જવાનો રસ્તે કે જે એક માત્ર રસ્તો છે. જે અમારા ગામ તથા તેને સાથે આવેલા જીવાપર, જેપુર, રૂપાવટી, વસુંધરા આમ ચાર ગામો કે જેની વસ્તી દશેક હજાર લોકોની છે. આ ગામોને રાજકોટ, હાઇવે પર આવવા માટે એક માત્ર રસ્તો આવેલો છે. દરરોજ ૩૦૦ છોકરાઓ નોકરી કરવા અપ-ડાઉન કરે છે અને દરરોજ આ રસ્તાનો ઉપયોગ કરે છે.

છેલ્લા સાત-આઠ મહિનાથી આ કોઝ-વે તોડીને નવો પુલ બનાવવાનું કામ શરૂ કરેલ અને ડાયવર્ઝન બનાવી કામ ચલાઉ ગોઠવણ કરેલ છે, પરંતુ જેમને કામ સોંપાયેલ તેણે નબળુ કામ કરતા અને સિમેન્ટની બદલે રેતી અને કપચી તથા માટી જ વાપરતા, અમો ગામ લોકોએ આ અંગે કોન્ટ્રાકટરને ફરીયાદ કરતા કોન્ટ્રાકટરે ગામ લોકોને કહ્યું કે આવો જ પુલ બનશે. તેની ઉંચાઇ પણ નહીં વધે અને મજબુતાઇ પણ નહીં વધે અને પુલ નીચો જ રહેશે.

આ વાતને આજે સાત મહિનાથી પણ વધારે સમય થઇ ગયો છે અને વરસાદની મોસમ આવેલ છે. જો આ રસ્તો તાત્કાલીક નહીં બને તો જે નદી છે તે બેકાંઠે થઇ જતા અમારે પાણી ઉતરે નહીં ત્યાં સુધી કાંઠે બેસી રહી રાહ જોવી પડે છે. આને લીધે બાળકો કે જે સ્કૂલે કુવાડવા, રાજકોટ ગયા હોય તે ગામમાં આવવા માટે કલાકો ભૂખ્યા-તરસ્યા સામા કાંઠે બેસી રાતવાસો પણ કરવો પડે છે અને આ ચાર ગામમાં જો કોઇ માંદુ હોય અને ડીલીવરી માટે આવવાનું હોય કે તબીબી સેવા લેવા આવવું હોય કે ગમે તેવી ઉમરજન્સી હોય તો પણ તે શકય બનતું નથી.

આથી ૭ દિ'માં યોગ્ય નહીં થાય તો, ગ્રામજનો ઉપવાસ આંદોલન કરશે, તેમ કલેકટરને પાઠવેલ પત્રમાં ઉમેર્યું  છે.

(3:51 pm IST)