Gujarati News

Gujarati News

News of Friday, 28th June 2019

ટ્રેકટર પાછળની ટાંકીમાં પાણીને બદલે દારૂ!....ક્રાઇમ બ્રાંચે ૫.૧૧ લાખના દારૂ સાથે બન્ટી સોઢાને દબોચ્યો

પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમે રતનપરના રાજદિપસિંહ ઝાલા તથા સામા કાંઠાની ભગીરથ સોસાયટીના બુટલેગર પ્રતિક ચંદારાણાના નામ ખુલ્યાઃ ૧૭૦૪ બોટલ દારૂ તથા ટ્રેકટર મળી ૧૦.૧૬ લાખનો મુદ્દામાલ કબ્જે

રાજકોટ તા. ૨૮: કુવાડવા તાબેના રતનપરમાંથી વધુ એક વખત દારૂનો જથ્થો મળ્યો છે. ક્રાઇમ બ્રાંચે રતનપર ગામની સીમમાં જાળીયા તરફ જવાના રસ્તે મહાવીરસિંહ ઝાલાની વાડીના શેઢે બગીચામાં દરોડો પાડી રતનપરની સદ્દગુરૂ સોસાયટીના જીતેન્દ્રસિંહ ઉર્ફ બન્ટી દિલીપસિંહ સોઢા (ઉ.૨૮)ને રૂ. ૫,૧૧,૨૦૦નો ૧૭૦૪ બોટલ દારૂ કબ્જે લીધો છે. આ દારૂની બોટલો ટ્રેકટર પાછળના પાણીના ટાંકામાં છુપાવાઇ હતી! દારૂનો આ જથ્થો મંગાવનારા તરીકે અન્ય બે શખ્સો રાજદિપસિંહ ઉર્ફ રાજભા કિરીટસિંહ ઝાલા (રહે. રતનપર) તથા પ્રતિક દિલીપભાઇ ચંદારાણા (રહે. ભગીરથ સોસાયટી)ના નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ એચ. બી. ધાંધલ્યાની ટીમના હેડકોન્સ. સામતભાઇ ગઢવી, રાજેશભાઇ બાળા, અભીજીતસિંહ જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કોન્સ. ડાયાભાઇ બાવળીયા, વિરદેવસિંહ જાડેજા, સિધ્ધરાજસિંહ જાડેજા, રઘુવીરસિંહ વાળા, ઇન્દ્રજીતસિંહ ગોહિલ સહિતના પેટ્રોલીંગમાં હતાં ત્યારે અભીજીતસિંહ, વિરદેવસિંહ, ડાયભાઇ અને ઇન્દ્રજીતસિંહને બાતમી મળતાં આ દરોડો પાડવામાં આવ્યો હતો.

પોલીસે ટ્રેકટર પાછળના ટેન્કરમાંથી એપિસોડ બ્રાન્ડનો ૧૭૦૪ બોટલ દારૂ જપ્ત કર્યો છે. જેની કિંમત ૫,૧૧,૨૦૦ ગણવામાં આવી છે. ઝડપાયેલા જીતેન્દ્રસિંહ ઉર્ફ બંટી  સોઢાએ આ દારૂમાં રાજદિપસિંહ ઝાલા અને પ્રતિક ચંદારાણાના નામ આપતાં તેની શોધખોળ થઇ રહી છે.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયા અને પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ આ દરોડો પડ્યો હતો.

(3:40 pm IST)