Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

કોર્પોરેશનમાં વહીવટી અરાજકતા જેવી સ્થિતિ

શાસક-વિપક્ષ બંન્નેના ઘર સળગે છેઃ અધિકારીઓ ''તાપે'' છે :શાસક પક્ષ ભાજપમાં ''સંકલન'' તુટયુઃ વિપક્ષ કોંગ્રેસને જુથવાદ આભડી ગ્યોઃ''બાહુબલી'' કોર્પોરેટરોના કામો થવા લાગ્યાઃ પાર્ટી લાઇન વાળાં કોર્પોરેટરો સમસમી રહયા છે

રાજકોટ તા. ૨૮: મ્યુ.કોર્પોરેશનમાં શાસકપક્ષ ભાજપ અને વિપક્ષ કૅોંગ્રેસ બંન્નેના ઘર સળગ્યા છે. આથી અધિકારીઓને ''તાપવા''નો મોકો  મળી જતાં હાલમાં વહીવટી કટોકટી જેવી સ્થિતિ સર્જાવાની લોકચર્ચા જાગી છે.

આ અંગે લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ મ્યુ.કોર્પોરેશનનાં શાસકપક્ષ ભા.જ.પ.માં નવા પદાધિકારીઓએ ચાર્જ સંભાળ્યા બાદ એક પછી એક પાંચ થી છ કોર્પોરેટરોએ જાહેરમાં પાર્ટીનાં નિર્ણય સામે અસંતોષ વ્યકત કરતા ભાજપનો આંતરિક વિખવાદ ખુલ્લો પડી ગયો છે. અને તેના પરિણામ સ્વરૂપ શાસકપક્ષનું સંકલન તુટવા લાગ્યું હોવાની પ્રતિતી ખુદ શાશક પક્ષનાં કેટલાક કોર્પોરેટરોને થઇ રહી છે.

આવા કેટલાક કોર્પોરેટરો મ્યુ. કોર્પોરેશનમાં શાસક પક્ષની વર્તમાન સ્થિતિ અંગે એવું જણાવી રહયા છે કે હાલમાં ''બાહુબલી'' કોર્પોરેટરોનાં કામો ધડાધડ થઇ રહયા છે. અને પાર્ટીલાઇનમાં રહેલાં કોર્પોરેટરો આ બધુ સમસમીને જોઇ રહયા છે. કેમ કે સંગઠનના અભાવે અનેક કોર્પોરેટરો નિષ્ક્રીય થઇ રહયા છે.

આમ, શાસકપક્ષ ભા.જ.પ.ની આ વર્તમાન સ્થિતિ છે. તો સામા પક્ષે વિરોધપક્ષનું ઘર પણ જુથવાદને કારણે સળગી રહયું છે. કોંગી વિપક્ષનાં કોર્પોરેટરો પણ નિષ્ક્રીય થઇ રહયા છે.

આમ, શાસક અને વિપક્ષ બંન્નેના કોર્પોરેટરો અને પદાધિકારીઓ આંતરિક વિખવાદોમાં ધંધે લાગ્યા છે. તેના કારણે અધિકારીઓને જલ્સો પડી ગયો છે.

કેમકે, અધિકારીઓની ખબર પુછનારાઓ શાસક અને વિપક્ષનાં કોર્પોરેટરો અંદરો-અંદરથી લડતમાં વ્યસ્ત છે.

આવી સ્થિતિમાં પ્રજનાં રોજીંદા પ્રાથમિક પ્રશ્નો ટલ્લે ચડવા સહિતની સમસ્યાઓ સર્જાઇ રહી છે ત્યારે તંત્રમાં વહિવટી કટોકટી જેવી સ્થિતિ સર્જાઇ રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહયું છે. (૧.૧૭)

(3:56 pm IST)