Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

ગુજરાતભરમાં પ્રથમ વખત

આજી ડેમ ખાતે ૧૪૫ કિલો વોટની સોલાર સિસ્ટમ : વર્ષે ૧૦ લાખની બચત

સોલાર પ્લાન્ટથી ૨.૧૧ લાખ યુનિટ વિજળી ઉત્પન્ન થશે : સ્થળ મુલાકાત લેતા મેયર, ડે.મેયર, મ્યુનિ. કમિશ્નર

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકા દ્વારા આજી ડેમ સાઈટ ખાતે સ્થિત આજી ફિલ્ટર પ્લાન્ટની વિશાળ જગ્યામાં ૧૪૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપવામાં આવી રહી છે. આ પ્રોજેકટના ફળ સ્વરૂપે રાજકોટ મહાનગરપાલિકા વિજળી ખર્ચમાં દર વર્ષે રૂ. ૧૦ લાખ જેવી માતબર રકમની બચત કરી શકશે. આજે  મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ આ સ્થળની મુલાકાત લઇ પ્રોજેકટની પ્રગતિની વિગતો મેળવી હતી.

 

મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ આ પ્રોજેકટ વિશે વિસ્તૃત માહિતી આપતા એમ જણાવ્યું હતુ  કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 'સ્વિસ એજન્સી ફોર ડેવલપમેન્ટ એન્ડ કોઓપરેશન' દ્વારા ફંડેડ 'કેપેસીટીઝ' પ્રોજેકટ અંતર્ગત 'ઇકલી'(સાઉથ એશિયા)ના સહકાર સાથે ૧૪૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપવામાં આવી રહી છે. રાજકોટ શહેર માટે ગ્રીન હાઉસ ગેસ ઈન્વેન્ટરી તથા એનર્જી બેઝલાઈન પ્રોફાઈલ બનાવાયેલ છે તેના આધારે ક્રિટીકલ સેકટરની ઓળખ સુનિશ્ચિત કરી શહેર માટે કલાઈમેટ રેઝીલીયંટ સિટી એકશન પ્લાન પણ બનાવવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા કુલ વિજળીના વપરાશમાં વોટર સપ્લાય સેકટરમાં ૬૧ ટકા જેટલો વિજળીનો વપરાશ થાય અને છે અને આ ખર્ચમાં શકય તેટલી બચત કરવામાં આ પ્રોજેકટ ખુબ જ આશીર્વાદરૂપ પૂરવાર થશે.

મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને મ્યુનિ. કમિશનરશ્રીએ વધુમાં એમ જણાવ્યું હતું કે, આજી ફિલ્ટર પ્લાન્ટની વિશાળ જગ્યામાં ૧૪૫ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ સ્થાપવામાં આવી રહી છે જેનો કુલ ખર્ચ રૂ. ૮૩,૫૬,૨૦૫ છે. જેમાં, ૭૦ કિલોવોટ ક્ષમતાની સોલાર સિસ્ટમ માટે કુલ રૂ. ૪૦,૩૪,૦૩૦ નું ભંડોળ 'કેપેસિટીઝ' પ્રોજેકટ અંતર્ગત મળી રહેલ છે તથા બાકીના ૭૫ કિલોવોટ ક્ષમતાવાળા સોલાર પ્લાન્ટ માટે કુલ રૂ.૪૩,૨૨,૧૭૫ નો ખર્ચ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. આ સોલાર પ્લાન્ટ સ્થપાતા વાર્ષિક ૨,૧૧,૦૦૦ યુનિટ વિજળી ઉત્પન્ન થશે અને વિજળી ખર્ચમાં વાર્ષિક રૂ.૧૦ લાખની બચત થઇ શકશે. ઉપરાંત કુલ ૧૬૫ ટન કાર્બન જેટલું ઉત્સર્જન ઘટશે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે વિજળી વપરાશ થાય છે તેમાં વોટર સપ્લાય સેકટરમાં સૌથી વધુ વપરાશ રહે છે જયારે સ્ટ્રીટ લાઈટમાં ૨૪ ટકા, વેસ્ટ વોટરમાં ૧૦ ટકા તથા બિલ્ડીંગ સેકટરમાં ૫ ટકા વિજળી વપરાય છે. ગત સાલ રાજકોટ મહાનગરપાલિકાએ શહેરની તમામ સરિત લાઈટ એલ.ઈ.ડી.માં કન્વર્ટ કરતા ૫૦ ટકા જેટલી એનર્જી બચત કરી શકાય છે.

આજે આજી ફિલ્ટર પ્લાન્ટની સાઈટ વિઝિટ દરમ્યાન મેયર બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા અને મ્યુનિ. કમિશનર  બંછાનિધિ પાની ઉપરાંત રોશની વિભાગના ઈન્ચાર્જ સિટી એન્જીનીયર જે.એ.ઝાલા, ડેપ્યુટી એન્જીનીયર  પી.સી.દેથરીયા, વોટર વર્કસ શાખાના ડેપ્યુટી એન્જીનીયર કે.પી.દેથરીયા, તેમજ એડી. આસી. એન્જી. શ્રી રાણપરીયા,  એચ.પી.પરમાર,  બી.પી.મેહતા, 'ઇકલી'ના અંકિત મકવાણા વગેરે ઉપસ્થિત રહયા હતાં.(૨૧.૩૧)

(3:45 pm IST)