Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

રાજગુરૂ-સાગઠીયા વિરૂદ્ધ ઉગ્ર રજૂઆતોનો તખ્તો ગોઠવતું હરીફ જુથ

ઈન્દ્રનિલભાઈનું રાજીનામુ સ્વીકારી લ્યો અને વશરામભાઈને સસ્પેન્ડ કરો તેવી આવતીકાલે માંગણી કરવાની હીલચાલ : જો પ્રદેશ પ્રમુખ આવતીકાલે રાજકોટ આવશે તો અહીંયા રજૂઆત નહીં તો ત્રણેક બસો ભરી ૧૦૦ આગેવાનો-કાર્યકરો પ્રદેશ કાર્યાલયે જશે :'કચરો સાફ' કરવાની વાતનો મુદ્દો ફરી ઉછળે તેવા સ્પષ્ટ સંકેત : રાજકોટ શહેર કોંગ્રેસમાં હવે 'આરપાર'ની ટક્કર નિશ્ચિત

રાજકોટ, તા. ૨૮ :. પ્રદેશના ટોચના આગેવાનો અને રાજ્ય પ્રભારી આવતીકાલે રાજકોટ આવી રહ્યા છે ત્યારે રાજકોટ શહેર કોંગ્રેસમાં બન્ને જુથ વચ્ચેની આંતરીક લડાઈ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવા સ્પષ્ટ સંકેતો મળે છે. એક તરફ રાજગુરૂ-સાગઠીયા જુથ રજૂઆતોની તૈયારી કરતુ હોવાનું મનાય છે. જ્યારે હરીફ જુથે ચોંકાવનારી રજૂઆતો કરવા માટેની મથામણ આદરી દીધાનું અને ઈન્દ્રનિલ રાજગુરૂનું રાજીનામુ સ્વીકારી લેવાની અને સાગઠીયાને સસ્પેન્ડ કરવાની રજુઆતની હીલચાલ આદરી દેવાનું માહિતગાર વર્તુળોમાંથી જાણવા મળે છે.

મળતા અહેવાલો મુજબ આવતીકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજકોટ આવી રહ્યા છે ત્યારે તેમને મળવાનો સમય માંગવામાં આવી રહ્યાનુ અને જો પ્રમુખ આવતીકાલે રાજકોટ ન આવે તો એક-બે દિવસમાં ત્રણેક બસો ભરીને આશરે ૮૦ થી ૧૦૦ આગેવાનો અને કાર્યકરો અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે રજૂઆતો અને માંગણીઓ કરનાર હોવાનું ચર્ચાય છે.

એક તરફ સાગઠીયા જુથ પણ નમતુ જોખવા તૈયાર નથી ત્યારે બીજી તરફ વસાવડા, રાજપૂત, ચાવડા જુથ પણ આક્ષેપો સહન કરવાના બદલે હવે લડાયક મૂડમાં આવી રહ્યાનું મનાય છે. વિધાનસભા ચૂંટણી વખતે જે શબ્દોનો ઉલ્લેખ થયો તો 'કચરો સાફ' એ જ શબ્દો હવે હરીફ જુથ ઉપયોગમાં લઈ રહ્યાનું અને આવી જ કાંઈક રજુઆત કરવાના મૂડમાં હોવાનું ચર્ચાય છે.

રાજકોટ શહેરમાં આવતીકાલે પ્રદેશના આગેવાનો આવી રહ્યા છે ત્યારે શહેરમાં વિકરાળ સ્વરૂપ લેનાર આંતરીક જુથવાદ સમવાના બદલે વધુ જલદ સ્વરૂપ ધારણ કરે તેવા અણસારો મળતા કોંગ્રેસનું ઘર વધુ સળગશે તેમ મનાય છે.

રાજગુરૂ અને સાગઠીયા જુથ પણ તેમના મનમાં રહેલ પ્રશ્નો અંગે પ્રદેશ આગેવાનોને મળી વાત કરે તેમ મનાય છે ત્યારે હરીફ જુથ પણ સાગઠીયાને સસ્પેન્ડ કરવા અને ઈન્દ્રનિલ રાજગુરૂનું રાજીનામુ સ્વીકારી લેવા તથા જે નગરસેવકો રાજીનામુ આપવા મક્કમ હોય તો તેઓ સામે પણ પગલા લેવા રજૂઆતો થનાર હોવાનું મનાય છે.

આવતીકાલે રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, વિપક્ષી નેતા વિગેરે રાજકોટ આવી રહ્યા છે. પ્રદેશ પ્રમુખ પણ આવી રહ્યાનું મનાય છે ત્યારે રાજગુરૂ અને સાગઠીયા જુથ વિરૂદ્ધ રજૂઆતો માટે પ્રદેશ સમિતિએ રજુઆતો કરવા માટે શહેરના ટોચના કોંગ્રેસી આગેવાનોેએ ટાઈમ માંગ્યો હતો પરંતુ હાલ આ વાત મુલત્વી રહી છે કેમ કે પ્રમુખ અમિત ચાવડા જો આવતીકાલે રાજકોટ આવે તો તેઓ અહીંયા જ આગેવાનોને મળશે જો નહી મળે તો એક-બે દિવસમાં રાજકોટથી આગેવાનો અમદાવાદ જશે તેમ મનાય છે.(૨-૨૭)

(3:37 pm IST)