Gujarati News

Gujarati News

News of Thursday, 28th June 2018

'તું કેમ મારી ઘરવાળીને મેસેજ કરે છે?'...કહી મઢી ચોકમાંથી ધર્મેશ રજપૂતનું અપહરણઃ બેફામ ધોલાઇ

બોલેરોમાં ઉઠાવી જઇ 'સાચુ બોલી જા નહિતર વાડીએ લઇ જઇ ઉંધો લટકાવશું' તેવી ધમકી આપી મારકુટ કરી છેલ્લે યુનિવર્સિટીના ગેઇટ પાસે છોડી મુકાયોઃ દેવુભા ગોહિલ સહિત ૮ની શોધખોળ : મોબાઇલ રિપેરીંગ અને સેલ્સમેનનું કામ કરતો રજપૂત યુવાન કહે છે-ગેરસમજથી મને ઉઠાવી લેવાયો'તોઃ પોલીસ કહે છે-આરોપી પકડાય પછી સાચુ બહાર આવશે

રાજકોટ તા. ૨૮: રૈયા રોડ પર જીવનનગરમાં રહેતાં અને મોબાઇલ રિપેરીંગ તથા રિચાર્જનું કામ કરતાં રજપૂત યુવાનને તે રાત્રે હનુમાન મઢી ચોકમાં હતો ત્યારે  આઠેક શખ્સોએ બોલેરોમાં આવી તેની ધોલધપાટ કરી અપહરણ કરી યુનિવર્સિટી રોડ પર લઇ જઇ ત્યાં ફરીથી માર મારી છોડી મુકતાં પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. એક શખ્સની પત્નિને મોબાઇલ ફોનમાં આ યુવાને મેસેજ કર્યાના મામલે અપહરણ અને ધોલધપાટ થયાનું હાલ પોલીસ તપાસમાં ખુલ્યું છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ જીવનનગર-૩/૭માં તિર્થ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૫માં રહેતો અને હનુમાન મઢી નજીક તિરૂપતિનગર-૪માં આશીર્વાદ કોમ્પલેક્ષમાં શ્રી સાઇ મોબાઇલ નામની દૂકાનમાં બેસી મોબાઇલ રિપેરીંગ અને રિચાર્જનું કામ કરતાં ધર્મેશ પ્રવિણભાઇ પરમાર (ઉ.૪૦) નામના રજપૂત યુવાને સાંજે ગાંધીગ્રામ પોલીસ મથકે આવીને પોતાનું અપહરણ કરીને માર મારવામાં આવ્યાનું કહેતાં પી.આઇ. એચ.આર. ભાટુ, ભાનુભાઇ મિંયાત્રા, રશ્મીભાઇ પટેલ સહિતે હોસ્પિટલે પહોંચી ધર્મેશની પુછતાછ કર્યા બાદ તેની ફરિયાદ પરથી દેવુભા ગોહિલ અને સાતેક અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૬૫, ૩૨૩, ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૫૦૪, ૫૦૬ (૨), ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો હતો.

ધર્મેશના કહેવા મુજબ હાલમાં પોતે મોબાઇલનું કામ કરવા ઉપરાંત એરટેલ કંપનીના સેલ્સમેનનું કામ પણ કરે છે. પોતે બે બહેનનો એક જ ભાઇ છે. પત્નિનું નામ સોનલબેન છે. સંતાનમાં બે દિકરા છે.  ગત સાંે સાડા પાંચેક વાગ્યે પોતે રૈયા રોડ પર સદ્દગુરૂ તિર્થધામમાં આવેલ એરટેલ કંપનીના સ્૭ોર ખાતે હાજર હતો ત્યારે શેઠ કિશોરભાઇનો ફોન આવ્યો હતો કે તારો ફોન દુકાને છે તેમાં એક ફોન આવ્યો છે અને ફોન કરનાર તારુ સરનામુ પુછી ગાળો દે છે. શેઠની આ વાત સાંભળી પોતે તુરત દૂકાને પહોંચ્યો હતો અને જેમાંથી ફોન આવ્યો હતો એ ફોન ચાલુ હોઇ વાત કરતાં તેણે સીધી ગાળો જ દીધી હતી અને હનુમાન મઢી ચોકમાં આવી જા તેમ કહેતાં  પોતે ફ્રુટની લારીવાળા અલ્તાફભાઇને લઇને હોન્ડા મારફત મઢી ચોકમાં હનુમાનજીના મંદિર પાસે પહોંચ્યો હતો.

આ વખતે ફોન ચાલુ જ હોઇ સામેથી એક વ્યકિતએ હાથ ઉંચો કરી ઇશારાથી નજીક બોલાવતાં પોતે ત્યાં જતાં જ સફેદ રંગની બોલેરોમાં બળજબરીથી બેસાડી અપહરણ કરી લીધુ હતું. જેમાં એક શખ્સ દેવુભા ગોહિલ એવું નામ બોલતો હતો. તેણે 'મારી ઘરવાળીને તું કેમ મેસેજ કરે છે?' કહી ઢીકા-પાટુનો માર ચાલુ કર્યો હતો. ધર્મેશ પોતે વિનંતી કરવા માંડ્યો હતો કે પોતે કોઇને મેસેજ નથી કરતો. પણ એ લોકોએ વાત સાંભળી નહોતી. મોબાઇલ ફોન પણ પડાવી લીધા હમતાં. બાદમાં યુનિવર્સિટી રોડ પર બોલેરોમાં ડિઝલ ભરાવી આગળ લઇ ગયેલ અને ફરીથી માર મારી 'સાચુ બોલી જા, અમારી વાત માની જા નહિતર વાડીએ લઇ જઇ ઉંધો લટકાવશું' તેવી ધમકી આપી હતી. બાદમાં એક શખ્સે ધર્મેશના શેઠ સાથે વાત કરી હતી અને છેલ્લે તેને યુનિવર્સિટીના ગેઇટ નજીક ઉતારી દીધો હતો.

છોડતી વખતે આ શખ્સોએ ફરિયાદ કરતો નહિ, નહિતર જીવતો નહિ છોડીએ તેવી ધમકી પણ આપી હતી. બોલેરોના નંબર જીજે૩કેસી-૦૨૮૧ હતાં. જેઠને વાત કર્યા બાદ ધર્મેશ પોલીસ મથકે ગયો હતો. ફરિયાદ બાદ તે હોસ્પિટલમાં દાખલ થયો હતો. ધર્મેશના કહેવા મુજબ તેને ગેરસમજથી ઉઠાવી લેવાયો હતો અને મારકુટ કરવામાં આવી હતી. તેણે કોઇને મેસેજ કર્યા નથી.

પી.આઇ. એચ.આર. ભાટુ અને ટીમે દેવુભા ગોહિલ સહિતનાની શોધખોળ આદરી છે. તે ઝડપાયા બાદ કોલ ડિટેઇલ સહિતની વિગતો મેળવી ધર્મેશે ખરેખર દેવુભાની પત્નિને મેસેજ કર્યા હતાં કે કેમ? તે બહાર આવશે.

(12:40 pm IST)